• વન અને પર્યાવરણ મંત્રી શ્રી મુળુભાઈ બેરા સહિતના મહાનુભાવોની ઉપસ્થિત
  • સૌરાષ્ટ્રના ૧૧ જિલ્લાઓમાં પણ ‘વિશ્વ સિંહ દિવસ’ની ભવ્ય ઉજવણી થઈ
  • વન વિભાગના ત્રણ પુસ્તકોનું વિમોચન તેમજ ઈકો ડેવલપમેન્ટ સમિતિઓને સામૂહિક વિકાસના કામો માટે રૂ. ૮૯ લાખના ચેકનું વિતરણ
  • ગુજરાતના ગૌરવ એવા સિંહના સંરક્ષણ માટે સાર્વત્રિક પ્રયાસો જરૂરી
  • ગુજરાત સાંસ્કૃતિક અને જૈવિક સંપદાની જાળવણી સાથે વિકાસ કર્યો છે
  • પ્રાણીમાત્ર પ્રત્યે દયાભાવ અને અનુકંપા ગુજરાતીઓનો સ્વભાવ છે
  • વડાપ્રધાનશ્રીએ પ્રકૃતિ સંરક્ષણના ચીંધેલા રાહે અગ્રેસર બનવા ગુજરાત કટિબદ્ધ
  • ગીર પ્રવાસીઓને સૌથી વધુ આકર્ષિત કરતું પ્રવાસન સ્થળ બન્યું છે
  • સિંહ સંરક્ષણના વ્યાપક પ્રયાસોના કારણે ગીરમાં સિંહોની વસ્તી ઉત્તરોતર વધી છે

મુખ્યમંત્રી શ્રી Bhupendra Patelની અધ્યક્ષતામાં ‘વિશ્વ સિંહ દિવસ’ની ભવ્ય ઉજવણી સાસણ-ગીર ખાતે આવેલા કમ્યુનિકેશન સેન્ટર ખાતે કરવામાં આવી હતી. સંત, શૂરા અને સાવજની ભૂમિ સૌરાષ્ટ્રમાં આ ઉજવણીમાં વન-પર્યાવરણ મંત્રી શ્રી મુળુભાઈ બેરાની વિશેષ ઉપસ્થિતિ રહી હતી.

મુખ્યમંત્રીશ્રીએ વર્ષ ૨૦૪૭ સુધીમાં ભારતને વિકસિત બનાવવા માટેની વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની સંકલ્પનાને સાકાર કરવા માટે વિરાસતની જાળવણી સાથે વિકાસની કટિબદ્ધતા વ્યક્ત કરી છે.

તેમણે જણાવ્યું કે, પ્રાણી અને પ્રકૃતિ સાચવવાની આપણા સૌની સંયુક્ત જવાબદારી છે. ગુજરાતના ગૌરવ એવા વનકેસરી કુદરતી રીતે વિહરે, વિચરે અને વિકસે તે માટેના પ્રયત્નો જ સિંહ દિવસની સાચી ઉજવણી છે. દર વર્ષે ‘વિશ્વ સિંહ દિવસ’ની ઉજવણી એ ફક્ત ઉજવણી ન બની રહેતાં, પ્રાણીમાત્ર પ્રત્યેની અનુકંપા બને અને પ્રાણીમાત્રનું રક્ષણ થાય તેવો ભાવ જનજનમાં જાગે એ જ તેની સાચી ઉજવણી છે એમ મુખ્યમંત્રીશ્રીએ સ્પષ્ટપણે ઉમેર્યું હતું.

મુખ્યમંત્રીશ્રીએ વધુમાં જણાવ્યું હતું કે, આપણા જીવન વ્યવહારમાં પણ દરેક જીવ માટે પરોપકાર અને ‘જીવો અને જીવવા દો’ની ભાવના વણાયેલી છે.

વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રાણીમાત્ર પ્રત્યેની દયા અને અનુકંપાની પ્રતિતિ કરાવતા પ્રસંગને યાદ કરતા તેમણે કહ્યું હતું કે, તાઉ’તે વખતે સૌરાષ્ટ્રમાં થયેલી ખુવારીની વિગતો મેળવતા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ જંગલમાં રહેલા પશુ-પંખીઓની રક્ષા અને માવજત પણ માનવજીવ સાથે થાય તે માટે સંવેદનશીલતાથી કાર્ય કરવા માટે માર્ગદર્શન આપતા હતા.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, જેમ આપણે જીવીએ છીએ તેમ પ્રાણીઓ કેવી રીતે કુદરતી રીતે શાંતિથી જીવી શકે, ઉછરી શકે અને મુક્તપણે વિહરી શકે તેવો આપણો ધ્યેય હોવો જોઈએ. ગીરમાં વસતા માલધારીઓ અને જંગલ તથા તેની આસપાસમાં વસતા લોકોએ પરસ્પરના સહઅસ્તિત્વથી વર્ષોથી ગરવા ગુજરાતનું ગૌરવ એવા સિંહનું જતન અને સંરક્ષણ કર્યું છે, જેના કારણે જ આજે પ્રતિવર્ષ સિંહોની વસતી વધી છે.

મુખ્યમંત્રીશ્રીએ દેશભરમાં ઉજવાઈ રહેલા ‘તિરંગા અભિયાન’ વિશે વાત કરતા જણાવ્યું કે, દેશ પ્રત્યે માન, સન્માન અને સ્વાભિમાન જન્મે તે માટે વડાપ્રધાનશ્રીએ દેશના જન-જનને જોડતા હર ઘર તિરંગા અભિયાનની શરૂઆત કરાવી છે. ‘એક પેડ મા કે નામ’ જેવા વૃક્ષ સંરક્ષણના અભિયાન દ્વારા માં ની સ્મૃતિ સાચવીને પ્રકૃતિનું રક્ષણ કેવી રીતે કરી શકાય તેનો સંદેશો પણ વડાપ્રધાનશ્રીએ આપ્યો છે.

મુખ્યમંત્રીશ્રીએ પ્રકૃતિ રક્ષણના જતન-સંવર્ધનની મહત્તા સમજાવતા કહ્યું કે, દિવસે-દિવસે પૃથ્વી પરથી વૃક્ષોનું આવરણ ઘટવાના કારણે આજે આપણે ગ્લોબલ વોર્મિંગ જેવી સમસ્યાનો સામનો કરી રહ્યાં છીએ. ક્યાંક વધુ વરસાદ તો ક્યાંક ઓછો વરસાદ થાય છે. આ બધી સમસ્યાઓથી બચવાનો એકમાત્ર ઉપાય પર્યાવરણનું જતન કરવાનો છે, તેમ તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું.

મુખ્યમંત્રીશ્રીએ વિદ્યાર્થીઓને સંબોધતા કહ્યું કે, ‘વિશ્વ સિંહ દિવસ’ જેવાં દિવસની ઉજવણી વર્ષમાં ભલે એકવાર કરવામાં આવે છે પરંતુ આવા કાર્યક્રમમાં આવવાથી વિદ્યાર્થીઓને પ્રકૃતિના જતન-સંવર્ધનની એક શીખ પણ મળશે તો આ પ્રકૃતિના રક્ષણ માટેનું મોટું કદમ લેખાશે.

મુખ્યમંત્રીશ્રીએ સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ અને સૌનૌ પ્રયાસ સાથે આપણા દૈનિક જીવનની ક્રિયાઓમાં પ્લાસ્ટિકનો વપરાશ ઘટાડીને પર્યાવરણના જતનના આયામો અમલમાં મૂકવા માટેની હાર્દિક અપીલ પણ આ તકે વ્યક્ત કરી હતી.

આ પ્રસંગે સાંસદ શ્રી રાજેશભાઈ ચુડાસમાએ તાલાલા અને મેંદરડા વચ્ચે રોડ બનાવવા માટે મુખ્યમંત્રીશ્રીને કરેલી રજૂઆતનો સાનૂકુળ પ્રતિસાદ આપીને આ રોડ બનાવવાની માંગ સ્વીકારવાની અનુમતિ આપી હતી.


વન અને પર્યાવરણ મંત્રી શ્રી મૂળુભાઈ બેરાએ વિશ્વ સિંહ દિવસની શુભેચ્છાઓ આપતા જણાવ્યું હતું કે, ‘એશિયાઈ સિંહો સમગ્ર ભારત અને ગુજરાતની શાન છે. ગીરનું સ્થળ પ્રવાસીઓને સૌથી વધુ આકર્ષિત કરતું પ્રવાસન સ્થળ બન્યું છે. અખૂટ સુંદરતાના કારણે પ્રકૃતિપ્રેમી અને પ્રવાસીઓને ગીર આકર્ષી રહ્યું છે. અહીં ખળખળ વહેતી અને સંતાકૂકડી કરતી નદીઓ અને ગીરના ઢોળાવો પ્રાકૃતિક રચનાનું સુંદર ઉદાહરણ પ્રસ્તુત કરે છે.

તેમણે વધુમાં જણાવ્યું કે, ગીર એ ગુજરાતના કાઠિયાવાડનું સાંસ્કૃતિક અને ધાર્મિક આસ્થાકેન્દ્ર બન્યું છે. વનવિભાગ અને સ્થાનિક લોકોના સહિયારા પ્રયાસથી એશિયાઈ સિંહોની વસ્તીમાં ઉત્તરોતર વધારો થયો છે.

આખા વિશ્વમાં એશિયાઈ સિંહ સૌરાષ્ટ્ર વિસ્તારમાં કુદરતી રીતે વિચરણ કરે છે. જેમાં ગુજરાત સરકાર અને વનવિભાગની સાથે માલધારી ભાઈઓ અને સ્થાનિક નાગરિકોનો મોટો ફાળો છે. લોકભાગીદારી નાગરિકો જાગૃત થાય ત્યારે જ આ કાર્ય શક્ય બને છે. એશિયાઈ સિંહ ફક્ત ગુજરાતના સૌરાષ્ટ્ર પ્રદેશમાં જ વસવાટ કરતા હોય તેનું ગૌરવ લેવાની સાથે જ સંરક્ષણ અને સંવર્ધનની જવાબદારી પણ આપણી છે. લોકજાગૃતિ જ્ઞાન અને સહયોગના કારણે આ શક્ય બન્યું છે.

‘વિશ્વ સિંહ દિવસ’ના ઉપલક્ષમાં વનવિભાગ દ્વારા ૭૫ લાખ લોકોને ટેક્સ્ટ મેસેજ અને ૩ લાખ લોકોને મેઈલ દ્વારા જાગૃતિ અંગેનો સંદેશો ફેલાવવામાં આવ્યો છે. આ સિવાય રાજ્યમા સિંહનો વસવાટ ધરાવતા ૧૧ જિલ્લાઓમાં શાળાના વિદ્યાર્થીઓ દ્વારા રેલી, રંગોળી સ્પર્ધા, ચિત્ર સ્પર્ધા વગેરે જનજાગૃતિ દ્વારા સિંહ સંરક્ષણ અંગેની જાગૃતિ ફેલાવવામાં આવી રહી છે, તેની વિગતો મંત્રીશ્રીએ આપી હતી.

તેમણે સિંહની વસ્તીના આંકડા આપતા જણાવ્યું હતું કે, વર્ષ ૨૦૨૦ની વસ્તી ગણતરી અનુસાર ગીરમાં ૬૭૪ જેટલા સિંહ નોંધાયા છે. સરકાર દ્વારા સિંહ સંરક્ષણ માટે ઘણી કામગીરી કરવામાં આવી રહી છે. જેમાં સિંહના રહેઠાણ, ખોરાક, સંવર્ધન, રિહેબિલિટીશન, સંશોધન, પ્રાકૃતિક શિબિરોનું આયોજન સહિત ઈકોક્લબ જેવી પ્રવૃત્તિઓ દ્વારા સિંહનું કુદરતી રીતે જ સંરક્ષણ અને સંવર્ધન થાય તે માટેના પ્રયાસો સ્થાનિક લોકો અને પ્રકૃતિપ્રેમીઓ સાથે કરવામાં આવી રહ્યાં છે.’

વન અને પર્યાવરણના અગ્ર સચિવ શ્રી સંજીવકુમારે સ્વાગત પ્રવચન કરતા જણાવ્યું હતું કે, ‘એશિયાઈ સિંહ ગીર અને આજુબાજુના વિસ્તારમાં કુદરતી રીતે વિચરણ કરે છે. સિંહ સંરક્ષણમાં સ્થાનિક લોકોનું ખૂબ મોટું યોગદાન રહ્યું છે.’

‘ભારતમાં આ ઉજવણીની શરૂઆત વન અને શિક્ષણ વિભાગના સહિયારા પ્રયાસથી ૨૦૧૬થી કરવામાં આવી છે. જેમાં પ્રકૃતિ પ્રેમીઓ, જનપ્રતિનિધિઓ, ગુજરાત સરકારના વિવિધ વિભાગ વગેરે ભાગ લે છે.’

આ ઉજવણીમાં સિંહ સંરક્ષણ પ્રત્યેની લાગણી રહેલી છે. ગત વર્ષે સિંહ દિવસની ઉજવણીમાં ૧૫ લાખથી વધુ લોકો સહભાગી થયા હતાં. જ્યારે આ વર્ષે ૧૬ લાખ લોકો સહભાગી થયાં છે. વનવિભાગના પ્રયત્નોના કારણે વર્ચ્યુઅલ માધ્યમ અને પ્રત્યક્ષ રીતે સિંહ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. જેથી વધુને વધુ લોકો સિંહ સંરક્ષણ પ્રત્યે જાગૃત થાય તેમ તેમણે વધુમાં જણાવ્યું હતું.

મુખ્યમંત્રીશ્રી અને મહાનુભાવોના હસ્તે ‘કન્ઝર્વેશન ઓફ એશિયાટિક લાયન: ઈન્ટીગ્રેટેડ રેડિયો ટેલિમેટ્રી ફોર એન્હાન્સ ઈકોલોજિકલ મોનિટરિંગ’, ‘પોપ્યુલેશન સ્ટેટસ ઓફ વાઈલ્ડ પ્રે ઈન ગીર પ્રોટેક્ટેડ એરિયા’ અને ‘રીઈન્ટ્રોડક્શન અને સેટેલાઈટ ટેલિમેટ્રી ઓફ ઈન્ડિયન ગ્રે હોર્ન બીલ ઈન ગીર’ પુસ્તકોનું વિમોચન કરવામાં આવ્યું હતું. તેમજ ગીર ખાતે કાર્યરત ઈકો ડેવલપમેન્ટ સમિતિઓને સામૂહિક વિકાસના કામો માટે 89 લાખ રૂપિયાના ચેક વિતરણ કરવામાં આવ્યા હતાં.

આ અવસરે, સાસણ ગીર ખાતે સિંહ સંરક્ષણ માટે કરવામાં આવતી વિવિધ પ્રવૃત્તિઓની ઝલક દર્શાવતી દ્રશ્ય-શ્રાવ્ય પ્રસ્તુતિનું નિદર્શન કરવામાં આવ્યું હતું. કેન્દ્રિય વન અને પર્યાવરણ મંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ યાદવનો શુભેચ્છા સંદેશ પણ રજૂ કરવામાં આવ્યો હતો. ઉપસ્થિત સૌ મહાનુભાવો દ્વારા સિંહ સંરક્ષણ માટેની સામૂહિક પ્રતિજ્ઞા લેવામાં આવી હતી. અગ્ર મુખ્ય વન સંરક્ષક શ્રી એન.શ્રીવાસ્તવે આભારવિધિ કરી હતી.

સાસણ-ગીર ખાતે ‘વિશ્વ સિંહ દિવસ’ની ઉજવણીમાં સાંસદ શ્રી રાજેશભાઈ ચુડાસમા, ધારાસભ્ય સર્વશ્રી ભગવાનભાઈ બારડ, દેવાભાઈ માલમ, ભગવાનજીભાઈ કરગઠિયા, અરવિંદભાઈ લાડાણી, જૂનાગઢ જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી હરિશભાઈ ઠુંમર, ગીર સોમનાથ જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી મંજૂલાબહેન મૂછાર, જૂનાગઢ ડેપ્યુટી મેયર શ્રી ગીરીશભાઈ કોટેચા, જૂનાગઢ જિલ્લા કલેક્ટર શ્રી અનિલકુમાર રાણાવાસિયા, મુખ્ય વન સંરક્ષક શ્રી આરાધના સાહૂ, જિલ્લા પોલીસ વડા શ્રી હર્ષદ મહેતા સહિત અગ્ર મુખ્ય વન સંરક્ષક શ્રી યુ.ડી.સિંઘ, અધિક અગ્ર મુખ્ય વન સંરક્ષક શ્રી એ.પી.સિંઘ., અધિક અગ્ર મુખ્ય વન સંરક્ષક શ્રી ડો. જયપાલ સિંઘ, અધિક અગ્ર મુખ્ય વન સંરક્ષક શ્રી એસ. કે.

શ્રીવાસ્તવ, મુખ્ય વન સંરક્ષક શ્રી આરાધના સાહુ, અગ્રણી સર્વ શ્રી ઝવેરીભાઈ ઠકરાર, મહેન્દ્રભાઈ પીઠિયા, કિરિટભાઈ પટેલ, પુનિતભાઈ શર્મા તેમજ સાસણ ગીરના વન્ય પ્રાણી વિભાગના નાયબ વન સંરક્ષક શ્રી ડો.મોહન રામ, વન્ય વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ, શિક્ષકો-વિદ્યાર્થીઓ મોટી સંખ્યમાં ઉપસ્થિત રહ્યાં હતાં.