વડોદરા ખાતેની ગુજરાત રિફાઈનરીની બેન્ઝિન સ્ટોર કરવાની ટેન્કમાં તા.૧૧ નવેમ્બરે લાગેલી ભીષણ આગે વડોદરાના લોકોના શ્વાસ અધ્ધર કરી દીધા હતા.આ ઘટનામાં હવે ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ GPCB દ્વારા રિફાઈનરીને હવામાં ફેલાયેલા પ્રદૂષણ બદલ ૧ કરોડ રુપિયાનુ વળતર ચૂકવવા માટે નોટિસ ફટકારી છે.
પાંચ લાખની બેન્ક ગેરંટી પણ આપવી પડશે, આગ લાગી ત્યારે રિફાઈનરીથી એક કિમી દૂર એર ક્વોલિટી ઈન્ડેકસ ૧૪૯ નોંધાયો હતો સાથે સાથે ભવિષ્યમાં આવી ઘટના ના બને તેની તકેદારી રાખવા માટે પાંચ લાખ રુપિયાની બેન્ક ગેરંટી પણ માગી છે.
મળતી વિગતો પ્રમાણે રિફાઈનરીની બેન્ઝિન ટેન્કની ભીષણ આગ ૧૦ કલાકના પ્રયાસો બાદ મહામહેનતે કાબૂમાં આવી હતી.આ હોનારતમાં કોન્ટ્રાકટ પરના બે કર્મચારીઓએ જીવ પણ ગુમાવ્યા હતા.બીજી તરફ હવામાં આગના ધૂમાડાના કારણે ભારે પ્રદૂષણ પણ ફેલાયું હતું. જીપીસીબીના સૂત્રોના કહેવા પ્રમાણે આગના દિવસે રિફાઈનરીથી એક કિલોમીટર દૂર જ્યારે હવામાં પ્રદૂષણની માત્રાની ચકાસણી કરવામાં આવી ત્યારે એર ક્વોલિટી ઈન્ડેકસ ૧૪૯ નોંધાયો હતો.જે નિર્ધારિત ૧૦૦ની માત્રા કરતા વધારે હતો.
જેના પગલે રિફાઈનરીને ૧ કરોડનું વળતર ચૂકવવા નોટિસ આપવામાં આવી છે.જેની સામે અપીલમાં જવાનો રિફાઈનરી પાસે વિકલ્પ પણ નથી. ઉલ્લેખનીય છે કે, આગની ઘટનાની તપાસ માટે ઉચ્ચ સ્તરીય તપાસ સમિતિ રિફાઈનરીના સત્તાધીશોએ બનાવી છે.૧૦ દિવસ બાદ પણ રિફાઈનરી દ્વારા આગ લાગવા પાછળનું કારણ જાહેર કરવામાં આવ્યું નથી.