Governor: રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ ૭૯માં સ્વતંત્રતા દિવસ નિમિત્તે રાજ્ય અને દેશના નાગરિકોને ૭૯માં સ્વતંત્રતા દિવસની શુભેચ્છાઓ પાઠવી છે.
રાજ્યપાલશ્રીએ તેમના સંદેશમાં કહ્યું છે કે, “૧૫મી ઓગસ્ટ એ માત્ર એક રાષ્ટ્રીય તહેવાર નહીં, પરંતુ સ્વતંત્રતા સંગ્રામના વીરોના બલિદાન, ત્યાગ અને અદમ્ય હિંમતને યાદ કરવાનો પવિત્ર પ્રસંગ છે. આપણા મહાન સ્વાતંત્ર્ય સેનાનીઓએ તેમના જીવનનું બલિદાન આપીને દેશને આઝાદી અપાવી હતી, જેની આપણે ગર્વથી ઉજવણી કરી રહ્યા છીએ.
આ પ્રસંગ આપણને એ પણ યાદ અપાવે છે કે, સ્વતંત્રતા સાથે જવાબદારી પણ આવે છે. આપણે દેશની એકતા, અખંડિતતા અને પ્રગતિ માટે સાથે મળીને કામ કરવું પડશે. આ દેશના નાગરિક તરીકે આપણું કર્તવ્ય છે કે આપણે પ્રામાણિકતા, સમર્પણ અને દેશભક્તિ સાથે આપણું કાર્ય કરીએ.
ગુજરાતની ભવ્ય પરંપરા, સાંસ્કૃતિક વારસો અને પ્રગતિશીલ વિચારસરણીએ હંમેશા દેશને નવી દિશા આપી છે. મને વિશ્વાસ છે કે સાથે મળીને આપણે સ્વચ્છતા, પર્યાવરણીય સંરક્ષણ, જળ સંરક્ષણ, પ્રાકૃતિક ખેતી અને આત્મનિર્ભર ભારતના સંકલ્પને સાકાર કરીશું.
આવો, આ સ્વતંત્રતા દિવસે પ્રતિજ્ઞા લઈએ કે આપણે આપણી ભાવિ પેઢી માટે સમૃદ્ધ, મજબૂત અને આત્મનિર્ભર ભારતનું નિર્માણ કરીશું.”
રાજ્યપાલશ્રીએ સ્વાતંત્ર્ય સેનાનીઓ, સૈનિકો, ખેડૂતો, વૈજ્ઞાનિકો, શિક્ષકો અને રાષ્ટ્ર નિર્માણમાં યોગદાન આપનારા દરેક નાગરિકનો આભાર વ્યક્ત કર્યો. તેમણે સૌને સંવાદિતા, ભાઈચારો અને રાષ્ટ્રીય હિત માટે કામ કરવા અપીલ કરી છે.