Amit Chavda : જન આક્રોશ યાત્રાના ચોથા દિવસની શરૂઆત આજે અંબાજીથી કરવામાં આવી, જ્યાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ Amit Chavda સહિત કોંગ્રેસ આગેવાનોએ માં અંબાના દર્શન કર્યા અને સ્થાનિકો સાથે મુલાકાત કરી, જે બાદ યાત્રાનો પ્રારંભ કર્યો.

દિવસ–4ની યાત્રા હડાદ, અંબાજી, ખેરોજ, ખેડબ્રહ્મા, વડાલી અને ઈડર માર્ગે હિંમતનગર તરફ આગળ વધી. યાત્રામાં મોટી સંખ્યામાં ગ્રામજનો, ખેડૂતો અને યુવાનો જોડાયા અને ઠેર-ઠેર યાત્રાનું ઉમળકાભેર ભવ્ય સ્વાગત પણ કરવામાં આવ્યું. આ દરમ્યાન સ્થાનિકોએ રાજ્ય સરકારે અપનાવેલી નીતિઓને લઈને પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો અને પોતાની વ્યથા રજૂ કરી કોંગ્રેસ આગેવાનોએ લોકોની સમસ્યાઓ સાંભળી તાત્કાલિક ન્યાય અને ઉકેલ આપવા પ્રતિબદ્ધતા વ્યક્ત કરી.

આ પ્રસંગે ગુજરાત કોંગ્રેસ પ્રમુખ Amit Chavdaએ જણાવ્યું કે, “આપણા સૌ માટે દુર્ભાગ્યની વાત છે કે આજે ગાંધીના ગુજરાતમાં ભાજપના રાજમાં પાણી મળે કે ન મળે, પરંતુ દારૂ ગલીથી લઈને ગાંધીનગર સુધી સરળતાથી મળી જાય છે. કોંગ્રેસ આ મામલે અવાજ ઉઠાવી રહી છે, ત્યારે રાજ્યના ગૃહમંત્રી બુટલેગરોને બચાવવાનું કામ કરતા હોય એવા નિવેદનો આપી રહ્યા છે. જાણે તેઓ બુટલેગરોના વકીલ હોય એવી ભાષામાં ગૃહમંત્રી બોલી રહ્યા છે.”

તેમણે વધુમાં જણાવ્યું કે, “અંબાજીમાં વિકાસના નામે ગરીબ લોકોના મકાનો અને દુકાનો તોડી પાડવામાં આવી છે. સમગ્ર વિસ્તારમાં પાણીની તંગી છે. ઇડરમાં ઉત્તર ગુજરાતનું ગૌરવ ગણાતો ઈડરિયો ગઢ નામશેષ થવાના આરે છે. વારંવાર ફરિયાદ થવા છતાં સરકાર કે તંત્ર કોઈ પગલાં લેતું નથી, કારણ કે ભાજપ અને તેના મળતીયાઓ જ ખનન કરી રહ્યા છે.”

CLP નેતા ડૉ. તુષારભાઈ ચૌધરીએ પોતાના સંબોધનમાં જણાવ્યું કે, “ભાજપ માત્ર વોટ ચોરી જ નહીં પરંતુ વોટ ખરીદીને પણ ચૂંટણી જીતે છે. બિહારમાં ચૂંટણી પહેલા મહિલાઓના ખાતામાં દસ હજાર રૂપિયા નાખવામાં આવ્યા, જ્યારે ગુજરાતમાં વર્ષોથી સરકાર હોવા છતાં મહિલાઓને કશું આપવામાં આવ્યું નથી. 2014માં દેશનું દેવું 55 લાખ કરોડ હતું, અને માત્ર 11 વર્ષમાં દેવું વધીને 186 લાખ કરોડ પર પહોંચી ગયું છે.”

ભાજપની માનસિકતા હંમેશા આદિવાસી વિરોધી રહી છે અને ભાજપના રાજમાં આદિવાસી સમાજના અધિકારોનું હનન થઈ રહ્યું છે ભાજપ સરકાર દ્વારા સ્થાનિક આદિવાસી સમાજને સર્ટિફિકેટ આપવામાં આવતા નથી, જમીનના હક્કો નથી આપવામાં આવતા ત્યારે 2027 આદિવાસી સમાજ ભાજપને આનો જવાબ આપશે

આ પ્રસંગે CLP નેતા ડૉ. તુષારભાઈ ચૌધરી, બનાસકાંઠા સાંસદ ગેનીબેન ઠાકોર, વડગામના ધારાસભ્ય જીગ્નેશભાઈ મેવાણી તેમજ વરિષ્ઠ આગેવાનો અને મોટી સંખ્યામાં સ્થાનિકોને યાત્રામાં જોડાયા.