AAP News: બોટાદમાં ચાલતી “કડદાપ્રથા” વિરુદ્ધ આંદોલનનું નેતૃત્વ કરનાર આમ આદમી પાર્ટી(AAP)ના કિસાન સેલ પ્રદેશ પ્રમુખ અને ખેડૂત નેતા રાજુ કરપડા અને ફ્રન્ટલ સંગઠન પ્રદેશ પ્રમુખ પ્રવીણ રામની પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. તેના વિરોધમાં આમ આદમી પાર્ટીએ રાજ્યપાલને વિરોધ પત્ર આપવાનું નક્કી કર્યું છે. આજે સવારથી આમ આદમી પાર્ટીના પદાધિકારીઓ અને કાર્યકર્તાઓએ તમામ જિલ્લાઓમાં જિલ્લા કલેક્ટરના માધ્યમથી ગુજરાત રાજ્યના રાજ્યપાલને વિરોધપત્ર પાઠવ્યા છે. બોટાદ જિલ્લામાં કપાસની ખરીદીના નામે ખેડૂતો સાથે કડદો કરવામાં આવે છે. ખેડૂતોની કડદાપ્રથા બંધ કરાવવાની અને વેપારીના ખાનગી જીન સુધી કપાસ નહીં પહોંચાડવાની બે માંગણીને લઈને આંદોલન ચાલી રહ્યું છે. શાંતિપૂર્ણ રીતે ચાલી રહેલા આ આંદોલનને ડહોળવા માટે હડદડ ગામમાં પોલીસે ખેડૂતો પર લાઠીચાર્જ કર્યો હતો અને 85 ખેડૂતોને જેલમાં પૂરી દીધા છે.

ખેડૂતોની સામે 307 હત્યાની કોશિશ જેવી ગંભીર કલમ પણ લગાવવામાં આવી છે. ગુજરાત સરકારને આ બધી માહિતી હોવા છતાં કડદાબાજ વેપારીઓનો સાથ આપી રહી છે અને ખેડૂતો સાથે થઈ રહેલા અન્યાય સામે મૌન છે. આ બાબત સરકારની ખેડૂતો પ્રત્યેની ગંભીર ઉદાસીનતા દાખવે છે. એક જવાબદાર રાજકીય પક્ષ તરીકે આમ આદમી પાર્ટીએ ખેડૂતોને થઈ રહેલા આ હળાહળ અન્યાય સામે અવાજ ઉઠાવ્યો છે અને ખેડૂતોને ન્યાય અપાવવા મેદાને પડી છે. ખેડૂતોને ન્યાય મળી રહે એ માટે આમ આદમી પાર્ટી સરકારની ઉદાસીનતાનો વિરોધ કરીને ખેડૂતોના હિતમાં નિર્ણયો લેવા ભારપૂર્વક અનુરોધ કર્યો છે.

આમ આદમી પાર્ટી(AAP)એ વિરોધ પત્રમાં ચાર માંગણીઓ મુકતા જણાવ્યું છે કે, સૌ પ્રથમ બોટાદમાં કડદા પ્રથા સદંતર બંધ થાય, કડદો કરનાર વેપારીનું લાયસન્સ તાત્કાલિક રદ થાય એવી લેખિત બાંહેધરી આપવામાં આવે, બીજી માંગણી છે કે ખેડૂતને APMCથી વેપારીના ગોડાઉન સુધી માલ પહોંચાડવાની ફરજ પાડવામાં આવે છે એ પણ તાત્કાલિક અસરથી બંધ કરવાની લેખિત બાંહેધરી આપવામાં આવે અને ત્રીજી અને સૌથી મહત્વની માંગ એ છે કે નિર્દોષ ખેડૂતોને પોલીસ દ્વારા માર મારવામાં આવ્યો છે એની તપાસ કરવામાં આવે અને જવાબદાર અધિકારીઓ સામે પગલાં ભરવામાં આવે અને ચોથી માંગ છે કે ખેડૂતો ઉપર કરેલા ખોટા કેસ તાત્કાલિક પાછા ખેંચવામાં આવે. જો ખેડૂતોના હિતમાં યોગ્ય નિર્ણય નહીં લેવામાં આવે અને સરકાર તાત્કાલિક કોઈ લેખિત બાંહેધરી નહીં આપે તો આમ આદમી પાર્ટી ખેડૂતોના હિતમાં ગુજરાત વ્યાપી આંદોલન શરૂ કરશે તેવી ચીમકી ઉચ્ચારી છે.





