GOG: કલાયમેટ ચેન્જ વિભાગના મંત્રી શ્રી મૂળૂભાઈ બેરા એ જણાવ્યું છે કે, ગ્લોબલ વોર્મિંગ અને કલાઇમેટ ચેન્જ એ વૈશ્વિક સમસ્યા છે ત્યારે આ સમસ્યા સામેના પડકારોને પહોંચી વળવા માટે તથા ઇકો ફ્રેન્ડલી દેશના નિર્માણ માટે આપણે સૌ એ સંકલ્પબદ્ધ બનવું પડશે એ આજના સમયની તાતી જરૂરીયાત છે.

વિધાનસભા ખાતે કલાયમેટ ચેન્જ વિભાગની માંગણીઓ રજૂ કરતા જણાવ્યું હતું કે, ગુજરાતના પનોતા પુત્ર, તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીના દૂરંદેશી ભર્યા અભિગમથી વર્ષ ર૦૦૯ માં ગુજરાતમાં કલાઇમેટ ચેન્જ માટે એક અલાયદા વિભાગ ની સ્થાપના કરીને માત્ર ભારત દેશમાં જ નહિ પરંતુ સમગ્ર એશિયા ખંડમાં કલાઇમેટ ચેન્જ વિભાગ ગુજરાતમાં શરૂ કરી દેશ અને દુનિયાને નવી દિશા આપી હતી. જેને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સુપેરે આગળ વધારી રહ્યા છે.

તેમણે ઉમેર્યુ કે, ગુજરાતમાં રિન્યુએબલ એનર્જી પોલિસી-૨૦૨૩ હેઠળ રાજયની કુલ પવન ઉર્જાની સ્થાપિત ક્ષમતા ૧૨,૫૧૦ મેગાવોટ થઈ છે. પવન ઊર્જા ક્ષેત્રે ગુજરાતે દેશમાં પ્રથમ સ્થાન હાંસલ કર્યું છે. અને આ જ રીતે રાજ્યની કુલ સૌર ઉર્જાની સ્થાપિત ક્ષમતા  ૧૭,૫૮૦ મેગાવોટ થઈ છે, જે દેશભરમાં બીજા સ્થાને છે. રાજયની સમગ્ર પુનઃ પ્રાપ્ય ઉર્જાની કુલ સ્થાપિત ક્ષમતા ૩૨,૩૦૩ મેગાવોટ સાથે દેશમાં બીજા ક્રમે છે.

આજ રીતે ગુજરાતે વર્ષ ૨૦૧૫ થી બેટરી સંચાલીત વાહનો માટે સબસીડી સહાય યોજના શરૂ કરી હતી જે યોજના અંતર્ગત રાજયની શાળાઓમાં ધોરણ ૧૧-૧ર તેમજ કોલેજ સુધીના વિદ્યાર્થીઓ માટે બેટરી ઓપરેટેડ દ્રીચક્રી વાહન ખરીદવા માટે રૂા.૧ર,૦૦૦/- પ્રતિ વાહન સબસીડી ચૂકવવામાં આવે છે. અત્યાર સુધીમાં ૫૦ હજાર કરતાં વધુ  વિદ્યાર્થીઓને અઠ્ઠાવન કરોડ જેટલી  સબસીડી સહાય તેમના બેન્ક ખાતામાં સીધી ચૂકવવામાં આવી છે.  આ ઉપરાંત વર્ષ ૨૦૨૫-૨૬ માં ૭૫૦૦ વિદ્યાર્થીઓને ઇલેક્ટ્રિક દ્વિચક્રી વાહન ખરીદવાની સહાય માટે નવ કરોડ જોગવાઇ કરાઈ છે.

તેમણે કહ્યું કે, પર્યાવરણ ના જતન માટે રાજ્ય સરકારે સુધારેલ સ્મશાનભઠ્ઠી બેસાડવાની યોજના અમલી કરી છે જે અંતર્ગત અત્યાર સુધીમાં ૯૨૨૦ કરતાં વધુ સુધારેલ સ્મશાનભઠ્ઠી બેસાડવામાં આવી છે, જ્યારે આગામી વર્ષ ૨૦૨૫-૨૬ દરમિયાન અત્યાર સુધીની મહત્તમ વાર્ષિક ૧૫૦૦ સુધારેલી સ્મશાનભઠ્ઠી બેસાડવા માટે નવ કરોડની જોગવાઈ કરી છે.

એ જ રીતે સરકારી ઇમારતો પર સોલાર સિસ્ટમ લગાવવાની યોજના અંતર્ગત અત્યાર સુધીમાં કુલ ૩૮૧૫  કરતાં વધુ સરકારી ઇમારતો પર  ૬૫ મેગાવોટ કરતાં વધુ સોલાર રૂફટોપ સિસ્ટમની સ્થાપના કરવામાં આવી છે. વર્ષ  ૨૦૨૫-૨૬ માં સરકારી ઇમારતો પર સોલર રૂફટોપ સ્થાપિત કરી ૧૪ મેગાવોટની ક્ષમતા ઊભી કરવા માટે પંચાવન કરોડની જોગવાઇ કરી  છે. 

રાજ્યમાં સરકારી ઇમારતો પર કેપેક્ષ (CAPEX) મોડેલ હેઠળ સોલાર રૂપટોફ પ્રોજેક્ટ માટે વર્ષ ૨૦૨૫-૨૬ માં ૩૭ મેગાવોટની ક્ષમતા ઊભી કરવા રૂ. ૧૪૬ કરોડની જોગવાઇ કરી છે. સંસ્થાકીય બાયોગેસ પ્લાન્ટ માટે સબસીડી (સહાય) યોજના અંતર્ગત અત્યાર સુધી કુલ ૬૧૩ કરતાં વધુ પ્લાન્ટ સ્થાપવા સબસીડી સહાય ચૂકવવામાં આવી છે. વર્ષ ૨૦૨૫-૨૬માં ૭૦ વિવિધ  સંસ્થાઓમાં બાયોગેસ પ્લાન્ટની સ્થાપના માટે રૂ.૧૨ કરોડની સબસીડી સહાયની જોગવાઈ  કરેલ છે.       

મંત્રી શ્રી એ ઉમેર્યું કે, કલાઇમેટ ચેન્જ મુદ્દે સમાજમાં જાગૃતિ આવે અને સમાજને ઉપયોગી થાય તેવાં ઉમદા કાર્યો તથા સંશોધનો કરનારા લોકોને બિરદાવવાના હેતુથી વર્ષ ૨૦૨૩-૨૪ દરમિયાન પ્રથમ વાર ૧૦ લોકોને અલગ અલગ ૬ કેટેગરીમાં કલાઇમેટ ચેન્જ એવોર્ડ દ્વારા પુરસ્કૃત કરાયા હતા. વર્ષ  ૨૦૨૫-૨૬માં ૧૦ કેટેગરીમાં કલાઇમેટ ચેન્જ એવોર્ડ દ્વારા પુરસ્કૃત કરવા રૂ. પચીસ લાખની જોગવાઇ કરાઈ છે.

તેવી જ રીતે વર્ષ ૨૦૨૫-૨૬ના બજેટમાં નવી બાબતો પ્રોજેક્ટ માટે રૂપિયા ૧૬૫.૧૦ કરોડની જોગવાઈ કરવામાં આવી છે જે અંતર્ગત સર્ક્યુલર ઇકોનોમી ને પ્રોત્સાહિત કરવા માટે, ગ્રીન સેક્ટરના કાર્યો માટે, કૌશલ્ય વિકાસ અને ક્ષમતા નિર્માણ ના અભ્યાસક્રમો શરૂ કરવા માટે, બાયોમાસની સંભવિત ઉપલબ્ધતાની ચકાસણી માટે, સોલાર વેસ્ટ અને ઈ વેસ્ટ માંથી કીમતી સામગ્રી પ્રાપ્ત કરવાની માર્ગદર્શિકા તૈયાર  કરવા માટે જોગવાઈ કરેલ છે. તે ઉપરાંત નવી બાબતોમાં ગ્રીન ટેકનોલોજી ને પ્રોત્સાહન આપવા અને રાજ્યમાં ક્લાઈમેટ ચેન્જ સંબંધિત સમસ્યાઓના નિવારણ માટે ક્લાઈમેટ ચેન્જ ફંડની સ્થાપના કરવા રૂપિયા ૨૫ કરોડ, જિલ્લાઓમાં ક્લાઈમેટ ચેન્જની અસર ઘટાડવા માટે પગલા અને મિશન લાઈફ પ્રવૃત્તિના પ્રચાર માટે રૂપિયા 33 કરોડ જોગવાઈ કરવામાં આવી છે. 

ગુજરાત વિધાનસભા ખાતે કલાયમેટ ચેન્જ વિભાગની માંગણીઓ પસાર કરાઈ હતી.