Gir Somnath: ગુજરાતના લોકસાહિત્યકાર દેવાયત ખવડ માટે મુશ્કેલીઓ વધી ગઈ છે. ગીર સોમનાથ જિલ્લામાં થયેલા મારામારીના કેસમાં વેરાવળ સેશન્સ કોર્ટે તેમના જામીન રદ કર્યા છે. થોડા દિવસ પહેલાં તાલાલા ગીરમાં દેવાયત ખવડ અને તેમના સાથીઓએ એક યુવક પર હુમલો કર્યો હતો, જે બાદ નીચલી કોર્ટએ દેવાયત ખવડ સહિત કુલ 15 આરોપીઓને જામીન મંજૂર કર્યા હતા. પરંતુ તાલાલા પોલીસે આ જામીન સામે વાંધો નોંધાવ્યો હતો.
તાલાલા પોલીસે નીચલી કોર્ટના નિર્ણય સામે રિવિઝન અરજી દાખલ કરી હતી. હવે વેરાવળ સેશન્સ કોર્ટે આ અરજી સ્વીકારી અને જામીન રદ કરવાનો નિર્ણય આપ્યો છે. નોંધનીય છે કે દેવાયત ખવડના વકીલે પણ જામીન રદ કરવાની માંગ સામે કોઈ વિરોધ નોંધાવ્યો નહોતો.
કોર્ટે આપવામાં આવેલા આ નિર્ણય બાદ દેવાયત ખવડને ફરીથી તાલાલા પોલીસ સમક્ષ હાજર થવું પડશે. આ ઘટનાએ તેમના જીવનમાં નવો વળાંક લાવ્યો છે અને હવે ટૂંક સમયમાં તેઓ તાલાલા પોલીસ મથકે સરેન્ડર કરશે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.
શું હતી ઘટના?
આ સમગ્ર ઘટના અમદાવાદ નજીકના સનાથલમાં શરૂ થઈ હતી, જ્યાં ધ્રુવરાજસિંહ ચૌહાણ અને દેવાયત ખવડ વચ્ચે ફેબ્રુઆરી મહિનાથી વિવાદ ચાલતો હતો. ડાયરામાં મળવાપાત્ર પૈસા આપવામાં આવ્યા છતાં નહીં પહોંચવાના મુદ્દે બંને વચ્ચે મતભેદ થયા હતા અને બંને પક્ષે ફરિયાદ નોંધાવી હતી. આ મનદુઃખ હજી સુધી ચાલી રહ્યું હતું.
આ વચ્ચે 11 ઓગસ્ટના રોજ ધ્રુવરાજસિંહ ચૌહાણ ભાવનગરથી તાલાલા તાલુકાના ચિત્રોડ નજીક આવેલા એક રિસોર્ટમાં ગયો હતો. બીજા દિવસે સવારે લગભગ 11 વાગ્યે ધ્રુવરાજસિંહ અને તેના બે મિત્રો કિયા કારમાં સોમનાથ જતાં હતાં ત્યારે આગળથી ફોર્ચ્યુનર અને પાછળથી ક્રેટા કાર ચાલકોએ તેની કારને ટક્કર મારી હતી. થોડા સમય બાદ બંને કારમાંથી દેવાયત ખવડ સહિત 12-15 શખસો પાઇપ અને ધોકા લઈને નીચે ઉતરી આવ્યા અને ધ્રુવરાજસિંહની કારમાં તોડફોડ કરી તેમજ તેને પણ ઢોર માર માર્યો હતો.
ધ્રુવરાજસિંહે આરોપ લગાવ્યો કે, અગાઉ તેને ઇન્સ્ટાગ્રામ પર ધમકી આપવામાં આવી હતી કે તે ગીરમાં ન આવે, પરંતુ તેણે આ ધમકીને ગંભીરતાથી લીધી નહોતી. તેણે જણાવ્યું કે, ‘દેવાયત ખવડ અને તેના સાથીઓએ મારી રેકી કરી હતી. હું મારા મિત્રના રિસોર્ટમાં રોકાયો હતો ત્યારે પણ તેઓ ત્યાં આવ્યા હતા અને મને શોધતા હોવાનું જણાવી ગયા હતા. છતાં પણ મેં આ બાબત પર ધ્યાન આપ્યું નહોતું અને પાછળથી તેઓએ હુમલો કર્યો.’
આ ઘટનાએ માત્ર એક વ્યક્તિના જીવનને જ નહીં, પણ સમગ્ર રાજ્યમાં ચકચાર મચાવી દીધી છે. હવે દેવાયત ખવડના જામીન રદ થતાં કેસને લઈને રાજકીય અને સામાજિક ચર્ચાઓ તેજ બની છે.
આ પણ વાંચો
- Srilankaના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ મહિન્દા રાજપક્ષેને સરકારી નિવાસસ્થાનમાંથી કાઢી મૂકવામાં આવ્યા, વિશેષાધિકારો પણ સમાપ્ત થયા
- Trump ટેરિફથી રૂપિયાની હાલત વધુ ખરાબ થઈ ગઈ છે, ભારતીય ચલણ ડોલર સામે સપાટ પડી ગયું છે
- Mauritius: ભારત-મોરેશિયસ દ્વિપક્ષીય વાટાઘાટો: પીએમ મોદીએ કહ્યું- બંને દેશો ફક્ત ભાગીદાર નથી, તેઓ એક પરિવાર છે; ઘણા મુદ્દાઓ પર ચર્ચા થઈ
- Rahul Gandhi પોતાની સુરક્ષા પ્રત્યે ગંભીર નથી, 9 મહિનામાં 6 વખત સુરક્ષા પ્રોટોકોલ તોડ્યો… CRPF એ ખડગેને પત્ર લખ્યો
- Gir Somnath: મારામારી મામલે દેવાયત ખવડના જામીન રદ, વેરાવળ સેશન્સ કોર્ટનો નિર્ણાયક ચુકાદો