GCAS: આજે ગાંધીનગર ખાતે ઉચ્ચ અને ટેકનીકલ શિક્ષણ મંત્રીશ્રી ઋષિકેશ પટેલની અધ્યક્ષતામાં GCAS(ગુજરાત કોમન એડમિશન સર્વિસિધ) એડમિશન પોર્ટલની સર્વગ્રાહી સમીક્ષા બેઠક યોજાઇ હતી. 

આ  બેઠકમાં શિક્ષણ રાજ્ય મંત્રી શ્રી પ્રફુલભાઇ પાનશેરીયા, અધિક મુખ્ય સચિવ શ્રીમતી સુનયના તોમર, રાજ્યની તમામ સરકારી યુનિવર્સિટીઝના વાઇસ ચાન્સેલર પણ જોડાયા હતા. 

ગત્ વર્ષે રાજ્યની સરકારી યુનિવર્સિટીઝમાં એડમિશન માટે લોન્ચ કરવામાં આવેલ GCAS પોર્ટલ મારફતે શૈક્ષણિક વર્ષ 2025-26 માટેની એડમિશન પ્રક્રિયા ઘોરણ-12 ગુજરાત બોર્ડના પરિણામ બાદ હાથ ધરવામાં આવનાર છે. 

જેમાં પ્રો-એક્ટિવલી તમામ તૈયારીના ભાગરૂપે આજે યોજાયેલ સમીક્ષા બેઠકમાં ગત્ વર્ષે ધ્યાનમાં આવેલ ત્રુટિઓ, પ્રવેશ સલાહકાર સમિતિની ભલામણો તેમજ મંત્રીશ્રીની સૂચનાને પગલે વિભાગને સમગ્ર પ્રક્રિયા સઘન અને સરળ બનાવવા માટે સોંપવામાં આવેલી કામગીરીની વિગતવાર સમીક્ષા કરાઇ હતી. 

આ બેઠકમાં ઉપસ્થિત તમામ વાઇસ ચાન્સેલરશ્રીઓને સ્થાનિક સ્તરે તેમની વિવિધ કૉલેજમાં એડમિશન માટે આવતા એકપણ વિદ્યાર્થીને હાલાકી ન પડે તે પ્રકારની વ્યવસ્થા હાથ ધરવા મંત્રીશ્રી ઋષિકશ પટેલે સૂચના આપી હતી. 

રાજ્યના તમામ સરકારી યુનિવર્સિટીધ સંચાલિત કૉલેજમાં ફ્રી ફોર્મ ફિલીંગ અને વેરીફેકશન સેન્ટર્સ કાર્યરત કરવાની અગાઉ આપવામાં આવેલી સૂચનાનું પણ રીવ્યું કરવામાં આવ્યું હતુ. આ યુનિવર્સિટીઝમાં કુલ 1838 જેટલા ફ્રી ફોર્મ ફિલીંગ સેન્ટર અને કુલ 1796 જેટલા વેરિફિકેશન સેન્ટર્સ કાર્યરત થનાર છે. 

તદ્ઉપરાંત અન્ય 12 થી 14 જેટલા માંપદંડો અને એડમિશન પોર્ટલ સંલ્ગન કામગીરીનું રીવ્યું કરીને બાકીની કામગીરીને 15 એપ્રિલ સુધી પુર્ણ કરવા મંત્રીશ્રીએ સૂચના આપી હતી. 

GCAS મારફતે એડમિશન મેળવવા માટે માહિતી મેળવવા કે પડતી મુશકેલીઓની રજુઆત કે ફરિયાદ કરવા માટે રાજ્ય સ્તરીય તેમજ યુનિવર્સિટી સ્તરે હેલ્પલાઇન પણ કાર્યરત કરવામાં આવનાર છે. 

અત્રે ઉલ્લેખનીય છે કે, સરકારી યુનિવર્સિટીઝની કૉલેજમાં એડમિશન મેળવવા માટે વન સ્ટોપ સોલ્યુશન સેન્ટર તરીકે GCAS પોર્ટલનો ગત્ વર્ષે શુભારંભ કરવામાં આવ્યો છે.જેમાં ગત્ વર્ષે યુ.જી. અને પી.જી.માં થઇને કુલ 4.55 લાખ જેટલા વિદ્યાર્થીઓએ એડમિશનનો લાભ લીધો હતો.