Gandhinagar: ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકાના બહિયલ ગામમાં બુધવારે મોડી રાતે નોરતા દરમિયાન હિંસક ઘટનાઓ સર્જાતા ભારે અફરાતફરી મચી ગઈ હતી. અહીં ગરબા કાર્યક્રમ ચાલી રહ્યો હતો ત્યારે બે જૂથો વચ્ચે સામાન્ય બાબતે થયેલી માથાકૂટ હિંસામાં પરિણમી હતી. અચાનક ગરબા મેદાનમાં પથ્થરમારો શરૂ થતાં લોકોમાં ભાગદોડ મચી હતી. ત્યારબાદ ટોળાએ દુકાનોમાં તોડફોડ કરી, વાહનોને નુકસાન પહોંચાડ્યું અને આગચંપી જેવી ઘટનાઓ અંજામ આપી હતી. ઘટનાના પગલે સમગ્ર ગામમાં તણાવનું વાતાવરણ છવાઈ ગયું હતું.

પ્રાથમિક તપાસમાં પોલીસે જણાવ્યું છે કે કોઈ વ્યક્તિએ સોશિયલ મીડિયા પર મૂકેલા સ્ટેટ્સને લઈને જૂથોમાં વિવાદ ઊભો થયો હતો. મોડી રાતે મામલો એટલો ઉગ્ર બની ગયો કે હિંસામાં 15 જેટલા પોલીસ વાહનોને પણ નિશાન બનાવવામાં આવ્યા. ટોળાને કાબૂમાં લેવા માટે પોલીસે ટિયર ગેસના 5 સેલ છોડ્યા હતા. આ ઘટનાઓ દરમિયાન પાંચ સ્થાનિક લોકોને ઇજા થઈ હોવાનું સામે આવ્યું છે, જેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.

હિંસા બાદ પોલીસ તંત્ર તાત્કાલિક હરકતમાં આવ્યું હતું. જિલ્લાના વરિષ્ઠ અધિકારીઓએ મોટી સંખ્યામાં પોલીસ ફોર્સ બહિયલ ગામમાં ખડકી દેવામાં આવી હતી. પરિસ્થિતિ નિયંત્રણમાં રહે તે માટે એસઆરપીની એક કંપનીને તહેનાત કરવામાં આવી છે. પોલીસએ રાત્રિભર કોમ્બિંગ ઓપરેશન ચલાવીને શંકાસ્પદ તત્વોને કાબૂમાં લેવાની કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસએ અત્યાર સુધીમાં આશરે 60 લોકોને રાઉન્ડઅપ કર્યા છે અને તેમની સામે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.

સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર, ત્રીજા નોરતાના દિવસે જ્યારે ગરબા ચાલતા હતા ત્યારે એક જૂથ દ્વારા અચાનક પથ્થરમારો કરવામાં આવ્યો હતો. આ હુમલો 3 બાજુથી એકસાથે કરવામાં આવ્યો હતો, જેના કારણે ભાગદોડ અને ભયનું માહોલ સર્જાયો હતો. પથ્થરમારમાં અનેક વાહનોના કાચ તૂટ્યા હતા અને 25 જેટલી ગાડીઓને ભારે નુકસાન થયું હતું. સ્થાનિક મહિલાઓને પણ આ હુમલામાં ઇજા થવાની માહિતી સામે આવી છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર, જ્યારે પોલીસ તંત્ર હિંસાને કાબૂમાં લેવા ગામમાં પ્રવેશ્યું ત્યારે ટોળાએ પોલીસ પર જ પથ્થરમારો શરૂ કરી દીધો હતો. પોલીસના વાહનોને પણ તોડફોડ કરીને નુકસાન પહોંચાડવામાં આવ્યું હતું. આથી પોલીસે વધુ ચુસ્તાઈ દાખવીને ટોળાને વિખેરવા માટે ટિયર ગેસનો મારો ચલાવ્યો હતો.

સવારે પરિસ્થિતિ થોડીક શાંત જોવા મળી હતી, પરંતુ ગામમાં હજી અજંપાનો માહોલ યથાવત છે. સુરક્ષા દળો ગામમાં પેટ્રોલિંગ કરી રહ્યા છે અને હિંસામાં સામેલ તત્વોને ઓળખવા માટે સીસીટીવી ફૂટેજ સહિતના પુરાવા એકત્રિત કરવામાં આવી રહ્યા છે.

આ ઘટનાએ ત્રીજા નોરતાના પવિત્ર પ્રસંગમાં ભંગ પાડી દીધો છે. નોરતાના ઉત્સવમાં જ્યાં ભક્તિ અને આનંદનું વાતાવરણ છવાયેલું રહેવું જોઈએ ત્યાં અચાનક પથ્થરમારો અને હિંસક ઘટનાઓ સર્જાતા લોકોમાં નિરાશા વ્યાપી ગઈ છે. હાલ પોલીસ તંત્ર તણાવગ્રસ્ત વિસ્તારમાં કડક નજર રાખી રહ્યું છે અને શાંતિ જળવાઈ રહે તે માટે દરેક જરૂરી પગલાં લઈ રહ્યું છે.

આ પણ વાંચો