Gandhinagar: ગુજરાતના અનેક જિલ્લાઓ અને અમદાવાદમાં દબાણ હટાવ ઝુંબેશ બાદ હવે રાજ્ય સરકાર અને તંત્રએ પાટનગર ગાંધીનગર તરફ ધ્યાન કેન્દ્રિત કર્યું છે. આજે (18 સપ્ટેમ્બર) વહેલી સવારે જિલ્લા વહીવટી તંત્ર અને મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા 500થી વધુ પોલીસ જવાનોની હાજરીમાં સાબરમતી નદી કિનારે આવેલ વર્ષોથી સ્થાયી રહેણાંક દબાણો પર વિશાળ ડિમોલિશન અભિયાન ચલાવાયું. આ કાર્યવાહી હેઠળ પેથાપુર, ચરેડી અને GEB વિસ્તારમાં આવેલા 700થી વધુ કાચા-પાકા મકાનો જમીનદોસ્ત કરાયા છે.
ગરીબોના આશ્રય તૂટી પડ્યા, પણ સવાલો યથાવત્
તંત્રની આ કાર્યવાહી બાદ નાગરિકોમાં ભારે ચર્ચા શરૂ થઈ છે. લોકોનો આક્ષેપ છે કે ગાંધીનગર જેવી પ્લાન્ડ સિટીમાં અયોગ્ય કોમર્શિયલ બાંધકામો અને સેક્ટરોમાં થયેલા પાકા દબાણો સામે કોર્પોરેશન મૌન છે, જ્યારે નદી કાંઠે રહેનાર ગરીબોની જ ઝૂંપડપટ્ટીઓ અને કાચા મકાનો તોડવામાં આવી રહ્યા છે. સ્થાનિકોમાં એ પ્રશ્ન ઉઠી રહ્યો છે કે તંત્રનો બુલડોઝર શું માત્ર ગરીબોના ઘર સુધી જ મર્યાદિત છે?
ચુસ્ત બંદોબસ્ત વચ્ચે કાર્યવાહી
ગાંધીનગર જિલ્લા તંત્ર, મ્યુનિસિપલ કોર્પોરેશન અને પોલીસ વિભાગે સંયુક્ત રીતે આ ઓપરેશન હાથ ધર્યું હતું. કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે 500થી વધુ પોલીસ કર્મચારીઓ તહેનાત કરવામાં આવ્યા હતા. બુલડોઝર અને જેસીબી મશીનોની મદદથી ગેરકાયદેસર રીતે ઊભેલા મકાનો તથા અન્ય બાંધકામોને તોડી પાડવામાં આવ્યા.
નોટિસ છતાં ખાલી ન કરાતા કડક પગલું
સત્તાવાળાઓના જણાવ્યા મુજબ દબાણકારોને અગાઉ નોટિસ પાઠવવામાં આવી હતી અને સરકારી જમીન ખાલી કરવાની સૂચના આપવામાં આવી હતી. પરંતુ સમયમર્યાદા પૂરી થયા બાદ પણ જગ્યા ખાલી ન કરાતા અંતે વહીવટી તંત્રએ બળપ્રયોગ કરી કાર્યવાહી શરૂ કરી હતી.
સેક્ટરોના દબાણો સામે ક્યારે પગલું?
જ્યારે નદીકાંઠાના વિસ્તારોમાં રહેતા લોકોના મકાનો તોડી પાડવામાં આવ્યા છે, ત્યારે સેક્ટર-13, સેક્ટર-20 અને સેક્ટર-24 જેવા વિસ્તારોમાં નકશા બહારના પાકા બાંધકામો અને રસ્તા પરના દબાણો હજુ પણ અડગ છે. નાગરિકોમાં સવાલ ઉઠી રહ્યો છે કે આ પાકા અને પ્રભાવશાળી દબાણકારો સામે તંત્ર ક્યારે કાર્યવાહી કરશે?
અગાઉ પણ રાજ્યમાં ચાલી ચૂક્યા અભિયાન
ગાંધીનગર પહેલાં પણ જામનગર, દ્વારકા, રાજકોટ અને કચ્છ જિલ્લામાં સરકારી જમીન પરથી ગેરકાયદેસર દબાણ હટાવવાની મોટી ઝુંબેશ હાથ ધરાઈ હતી. સરકાર વારંવાર સ્પષ્ટ સંદેશ આપી ચૂકી છે કે રાજ્યમાં સરકારી જમીન પર કોઈપણ ગેરકાયદેસર દબાણ સહન નહીં કરવામાં આવે અને આવી કામગીરી આગલા સમયમાં પણ ચાલુ રહેશે.
અનેક પરિવારો બેઘર
આ વિશાળ ડિમોલિશન ડ્રાઇવ પછી સાબરમતી કિનારા પર વર્ષોથી વસવાટ કરતાં ઘણા પરિવારો બેઘર બન્યા છે. વિસ્તારમા ચકચાર મચી ગઈ છે. જોકે, તંત્રનું કહેવું છે કે માત્ર સરકારી જમીન પરના ગેરકાયદેસર બાંધકામોને જ તોડી પાડવામાં આવ્યા છે અને કાયદેસર રહેણાંક પર કોઈ અસર થવાની નથી.
આ પણ વાંચો
- Ethiopia crash: 6 વર્ષ પછી અમેરિકામાં બોઇંગ સામે કેસ શરૂ; આ અકસ્માતમાં એક ભારતીય મહિલા સહિત 157 લોકો માર્યા ગયા હતા
- Trump: મમદાનીને મત આપનાર કોઈપણ યહૂદી મૂર્ખ છે…” ભારતીય મૂળના મેયર ઉમેદવાર પર ટ્રમ્પનું વિવાદાસ્પદ નિવેદન
- Mehil Mistry: કોઈ પણ વ્યક્તિ સંસ્થાથી મોટો નથી…” મેહલી મિસ્ત્રીએ ટાટા ટ્રસ્ટ્સ છોડવાની જાહેરાત કરી
- Ahmedabad માં દ્રશ્યમના કાવતરાનો પર્દાફાશ: પતિને રસોડાના ફ્લોર નીચે દાટી દેવા બદલ મહિલા અને તેના પ્રેમીની ધરપકડ
- Agastsya nanda: અમિતાભ બચ્ચને તેમના પૌત્ર અગસ્ત્ય નંદા પર ગર્વ વ્યક્ત કર્યો અને ફિલ્મ ’21’ ની સફળતા માટે પ્રાર્થના કરી





