Gandhinagar: સચિવાલય-ગાંધીનગર ખાતે ફરજ બજાવતા અધિકારી- કર્મચારીઓના બાળકોને સ્વસ્થ અને સલામત વાતાવરણ મળી રહે તે હેતુથી સચિવાલયના બ્લોક નં.૧૦ ના બીજા માળે “કુંજવાટિકા” શિશુ સંભાળ કેન્દ્રનું સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી શ્રીમતી ભાનુબેન બાબરીયા અને રાજ્ય મંત્રી શ્રી ભીખુસિંહજી પરમારના હસ્તે લોકાર્પણ કરાયું હતું. આ “કુંજવાટિકા”નું રૂ. ૪૮ લાખના ખર્ચે નવીનીકરણ કરવામાં આવ્યું છે.
આ પ્રસંગે મંત્રી શ્રીમતી ભાનુબેન બાબરીયાએ જણાવ્યું હતું કે, “કુંજવાટિકા”માં નાના ભુલકાઓને પ્રેમ, સંસ્કાર, વાત્સલ્ય સાથે પૌષ્ટિક આહાર આપવામાં આવે છે. આ શિશુ સંભાળ કેન્દ્રથી સચિવાલયમાં કામ કરતી મહિલાઓ પોતાના કામ અને બાળક બંનેને યોગ્ય ન્યાય આપી શકશે.
મંત્રીશ્રીએ ઉમેર્યું હતું કે, સરકારી કચેરી કે સંસ્થામાં નોકરી કરતી મહિલાઓની સંખ્યા ઉત્તરોતર વધી રહી છે. આ સંજોગોમાં નોકરી કરતી મહિલાઓના બાળકોનો યોગ્ય ઉછેર થાય તે માટે તેમના કાર્યસ્થળે જ સરકાર દ્વારા શિશુ સંભાળ કેન્દ્રો ઉભા કરવા જરૂરી બન્યા છે. જેથી નોકરી કરતી મહિલાઓ સંપૂર્ણ નિશ્ચિત થઈને બાળકોને શિશુ સંભાળ કેન્દ્રોમાં મોકલી શકે છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ હેઠળના સમાજ સુરક્ષા પ્રભાગ દ્વારા સચિવાલય સંકુલ અને અમદાવાદ ખાતે કુલ ચાર શિશુ સંભાળ કેન્દ્ર કાર્યરત છે. જેમાં બે નવા સચિવાલય, એક જુના સચિવાલય અને એક અમદાવાદ, બહુમાળી ભવન ખાતે શિશુ સંભાળ કેન્દ્ર ગ્રાન્ટ ઇન એઇડ ધોરણે કાર્યરત છે.
આ શિશુ સંભાળ કેન્દ્રોમાં ૧૦૨ બાળકોની સાર સંભાળ રાખવામાં આવી રહી છે. આ કેન્દ્રોમાં નોકરી કરતી મહિલાઓના ૬ વર્ષ સુધીના બાળકને પ્રવેશ આપવામાં આવે છે. આ બાળકોના સારા સ્વાસ્થ્ય માટે સવારે દૂધ, બપોરે જમવાનું અને ત્યારબાદ નાસ્તો પણ આપવામાં આવે છે.
આ પ્રસંગે ગાંધીનગર મહાનગરપાલિકાના મેયર શ્રીમતી મીરાબેન પટેલ, જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી શિલ્પાબેન પટેલ, ધારાસભ્ય શ્રી રીટાબેન પટેલ સહિત સમાજ સુરક્ષા પ્રભાગના અધિકારીશ્રી તથા કર્મચારીશ્રીઓ ઉપસ્થિત રહ્યાં હતા.