Gandhinagar: ગુજરાત વિધાનસભામાં જાહેર અગત્યની બાબતે ધ્યાન દોરતા કૃષિ મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ હેઠળ ભારત સરકાર દ્વારા કરાયેલા જી.એસ.ટી રીફોર્મ્સથી કૃષિ ક્ષેત્રને ખૂબ મોટી રાહત મળી છે. ખાસ કરીને ટ્રેક્ટર અને અન્ય કૃષિ સાધનોના ભાવમાં ઘટાડો થતાં ખેડૂતોને સીધો નાણાકીય લાભ થશે.
મંત્રીએ જણાવ્યું કે, કૃષિ માટે જરૂરી સાધનોમાં સૌથી મહત્વપૂર્ણ ટ્રેક્ટર અને તેના ટાયર્સ તેમજ અન્ય પાર્ટ્સ છે. અગાઉ ટ્રેક્ટર પર ૧૨ ટકા અને તેના ટાયર્સ તથા પાર્ટ્સ પર ૧૮ ટકા જીએસટી લાગતો હતો, જે હવે ઘટાડી ૫ ટકા કરવામાં આવ્યો છે. આ ફેરફારથી ટ્રેક્ટરની કિંમતમાં નોંધપાત્ર ઘટાડો થશે અને ખેડૂતોને ટ્રેક્ટર ખરીદી માટે રાજ્ય સરકારની રૂ. ૧,૦૦,૦૦૦ સુધીની સબસીડી ઉપરાંત અંદાજે રૂ. ૩૫ થી ૪૫ હજાર સુધીનો વધારાનો લાભ મળશે.
મંત્રી શ્રી પટેલે વધુમાં જણાવ્યું કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળ ગુજરાતમાં કૃષિ યાંત્રિકીકરણને પ્રોત્સાહન આપવા માટે અનેક યોજના અમલમાં મૂકવામાં આવી છે. હવે નવા જીએસટી રિફોર્મ્સથી ખેડૂતોને ટ્રેક્ટર ઉપરાંત ખેત ઓજારો અને સાધનોની ખરીદી માટે પણ મોટો ફાયદો થશે. તેમણે કહ્યું કે, “આ નિર્ણયથી રાજ્યના મહત્તમ ખેડૂતોને સહાય મળશે અને કૃષિ સાધનો ઉપલબ્ધતા સરળ બનશે.”
નવરાત્રિથી નવા દર અમલમાં
ભારત સરકાર દ્વારા જાહેર કરાયેલા જીએસટીના નવા દર આગામી પ્રથમ નવરાત્રિ એટલે કે તા. ૨૨ સપ્ટેમ્બરથી અમલમાં આવશે. રાજ્ય સરકારે ખેડૂત હિતલક્ષી નિર્ણય લઈ નવા દરનો લાભ રાજ્યની કૃષિ યાંત્રિકીકરણ યોજના હેઠળ સહાય મેળવનારા ખેડૂતો સુધી પહોંચે તે માટે ખાસ વ્યવસ્થા કરી છે. કૃષિ મંત્રીએ કહ્યું કે, “આ નિર્ણયથી ગુજરાતના લગભગ એક લાખ ખેડૂતોને ખરીદીની તક સાથે જીએસટી દર ઘટાડાનો નાણાકીય લાભ મળશે.”
સમય મર્યાદા લંબાવી
કૃષિ સાધનો ખરીદી માટે મંજૂરી મળેલા કેટલાક ખેડૂતો માટે સમય મર્યાદા ૨૨ સપ્ટેમ્બર પહેલાં પૂર્ણ થવાની છે. આવા ખેડૂતોને પણ નવા જીએસટી દરનો લાભ મળે તે માટે રાજ્ય સરકારે ખરીદીની સમય મર્યાદા આગામી ૩૦ દિવસ સુધી લંબાવી છે. આ પગલાથી ઘણા ખેડૂતો સમયસર સાધનો ખરીદી શકે અને ખેતી માટે જરૂરી સાધનો ઉપલબ્ધ થાય તે સુનિશ્ચિત થશે.
અન્ય સાધનો પર પણ રાહત
મંત્રીએ જણાવ્યું કે, કૃષિ માટે વપરાતા અનેક સાધનો અને ઓજારો પર પણ જીએસટી ઘટાડવામાં આવ્યો છે. અગાઉ ૧૨ ટકા જીએસટી લાગતો હતો, જે હવે માત્ર ૫ ટકા રહેશે. ખાસ કરીને ડ્રીપ અને સ્પ્રિંકલર સિંચાઈ સાધનો માટે પણ આ ઘટાડો કરવામાં આવ્યો છે, જેથી સૂક્ષ્મ પિયત પદ્ધતિ અપનાવનાર ખેડૂતોને સસ્તું સાધન મળી શકે.
સાથે જ સૂક્ષ્મ પોષક તત્વો અને જૈવિક જંતુનાશક દવાઓ પર પણ અગાઉના ૧૨ ટકા જીએસટી દરને ઘટાડીને ૫ ટકા કરવામાં આવ્યો છે. તેમજ એમોનિયા અને સલ્ફ્યુરિક એસિડ જેવી રાસાયણિક ખાતરના ઉત્પાદન માટે જરૂરી સામગ્રી પર લાગતો ૧૮ ટકા જીએસટી પણ ઘટાડીને ૫ ટકા કરવામાં આવ્યો છે. મંત્રી શ્રી પટેલે જણાવ્યું કે, “આ ફેરફારથી દેશી ઉત્પાદન વધશે અને ખેડૂતોને સમયસર તેમજ પૂરતા જથ્થામાં ખાતર ઉપલબ્ધ કરાવવું સરળ બનશે.”
ખેડૂતો માટે નવી આશા
કૃષિ મંત્રીએ અંતમાં કહ્યું કે, “આ સુધારા માત્ર ટેક્સ ઘટાડો નથી, પરંતુ કૃષિ ક્ષેત્રને મજબૂત બનાવવા માટેનું એક મોટું પગલું છે. રાજ્ય સરકાર ખેડૂતો માટે દરેક સંભવ સહાય પૂરી પાડવા પ્રતિબદ્ધ છે. નવા જીએસટી દરથી ખેડૂતોની ઉત્પાદન ક્ષમતા વધશે અને ખેતી વધુ સસ્તી તથા અસરકારક બનશે.”
આ નિર્ણયથી ગુજરાતના હજારો ખેડૂતોને રાહત મળી છે અને આગામી દિવસોમાં કૃષિ સાધનોની ખરીદીમાં વધારો થવાની શક્યતા છે. નવા દરો અમલમાં આવ્યા બાદ કૃષિ ક્ષેત્રમાં યાંત્રિકીકરણનું સ્તર ઊંચું જશે અને ખેડૂતોને વધુ નાણાકીય સહાય તેમજ જરૂરી સાધનો મળતાં ખેતીનો વિકાસ થશે.
આ પણ વાંચો
- Nepal: કાઠમંડુ એરપોર્ટ એક દિવસ પછી ફરી ખુલ્યું, મોટી સંખ્યામાં પ્રવાસીઓ ફસાયા, સેનાએ સૂચનાઓ આપી
- Ahmedabad: બાપુનગરમાં રામદેવપીર મંદિરની તોડફોડ, એક યુવક પકડાયો, તણાવ વચ્ચે પોલીસે કાર્યવાહી શરૂ કરી
- Hardik Patel: ૨૦૧૮ ના પાટીદાર અનામત આંદોલન કેસમાં ભાજપના ધારાસભ્ય હાર્દિક પટેલ સામે ધરપકડ વોરંટ
- Mahisagar: લુણાવાડામાં કરુણ ઘટના, પુત્રએ માતા-પિતા પર જીવલેણ હુમલો કર્યો, પિતાનું મોત, માતા ગંભીર ઈજાગ્રસ્ત
- Panchmahal: GFL ફેક્ટરીમાં ગેસ લીકેજ, 25થી વધુ લોકો અસરગ્રસ્ત, તંત્ર હરકતમાં