ગઢડા. ગઢડા (સ્વામીના) સ્વામિનારાયણ મંદિરમાં આશરે ચાર પાંચ વર્ષથી પાર્ષદ તરીકે રહેતો એક પાર્ષદ સહિત આઠ લોકો જુગાર રમતા ઝડપાયા હતા. આ પાર્ષદ તેના રૂમમાં મળતિયાઓ બોલાવી જુગારધામ ચલાવતો હોવાનું પણ જાણવા મળ્યું છે. પોલીસે આઠેયની ધરપકડ કરી ૧.૧૦ લાખની મતા જપ્ત કરી છે.

ગઢડા શહેરમાં આવેલા જુના મંદિર ખાતે ઉતારા વિભાગમાં રૂમ નંબર-૫૦૯ માં સ્વતંત્ર રીતે પાર્ષદ તરીકે રહેતા હરિકૃષ્ણ ગભરૂભાઈ વાઘ ઉર્ફે પાર્ષદ હરીકૃષ્ણ ગુરૂ છત્રભુજદાસજી સ્વામી (ઉ.વ.૨૪) પોતાના સ્વતંત્ર રૂમમાં જુગારનો અખાડો ચલાવતા હોવાની બાતમીના આધારે પોલીસે દરોડો પાડ્યો હતો. દરમિયાન હરીકૃષ્ણ ગભરૂભાઈ વાઘ ઉર્ફે પાર્ષદ હરીકૃષ્ણ ગુરૂ છત્રભુજદાસજી સ્વામી, જીગ્નેશ તળશીભાઈ કાવઠીયા (ઉ.વ.૪૧), રાજેશ બચુભાઈ સાવલીયા (ઉ. વ.૪૩), લાલજી ભગવાનભાઈ વાઘેલા (ઉ.વ.૪૦), પરેશ બાલાભાઈ જોગાણી (ઉ.વ.૩૭), કેવલ ગુણવંતભાઈ કાવઠિયા (ઉ. વ.૨૭), પંકજ બાબુભાઈ કાવઠીયા (ઉ.વ.૪૦), પુર્વેશ બાબુભાઈ જોગાણી (ઉ.વ.૩૦) જુગાર રમતા ઝડપાયા હતા. પોલીસે રોકડ રકમ ૧,૧૦,૮૦૦, આઠ મોબાઈલ ફોન મળીને કુલ રકમ રૂપિયા ૧,૭૦,૮૦૦ના મુદ્દામાલ જપ્ત કરીને વધુ તપાસ હાથ ધરી છે.