Chaitar Vasava news: આમ આદમી પાર્ટીના ડેડીયાપાડાના ધારાસભ્ય Chaitar Vasavaએ ગંભીર મુદ્દા પર વીડિયો દ્વારા પોતાની વાત રજૂ કરતા જણાવ્યું હતું કે, મનરેગા કૌભાંડ અંગે આજે ભાજપના નેતા મનસુખભાઈ વસાવાએ પોતાની સરકારમાં ગાંધીનગરથી લઈને ગ્રામ્ય કક્ષાએ કેટલું મોટું કૌભાંડ થાય છે તે ખુલ્લું પાડ્યું છે. આ બાબતે હું મનસુખભાઈ વસાવાને અભિનંદન આપું છું. અગાઉ જ્યારે મેં આ કૌભાંડ ખુલ્લું પાડ્યું હતું, ત્યારે મનસુખભાઈ વસાવા એજન્સીઓનો બચાવ કરતા હતા. પરંતુ હવે મનસુખભાઈ વસાવાએ જણાવ્યું કે, મનરેગા કૌભાંડમાં સામેલ બધી એજન્સીઓ તેમને સારી રીતે ઓળખે છે, તેઓએ સર્કિટ હાઉસમાં આ લોકો સાથે મુલાકાત પણ કરી છે અને તેમને ગાંધીનગરના મંત્રીઓથી લઈને સાંસદો, ધારાસભ્યો, સચીવો, નિયામક, ટીડીઓ અને ડીડીઓ સુધી કેટલાને કેટલા હપ્તા આપ્યા છે તેની સંપૂર્ણ જાણકારી છે. જો મનસુખભાઈ વસાવાને પહેલેથી આ તમામ માહિતી હતી અને હવે તેઓ તેની ખાતરી આપી રહ્યા છે તો મારી તેમની પાસે વિનંતી છે કે આ સમગ્ર માહિતી જનતા સમક્ષ જગજાહેર કરવામાં આવે.
નેતાઓની મિલીભગરથી ચાલતી તમામ એજન્સીઓએ રેતી, કપચી, સળિયા જેવી કોઈ પણ વસ્તુ પૂરું પાડ્યા વગર બોગસ રોયલ્ટી અને જીએસટીના બીલો પાસ કરાવી કરોડો રૂપિયા પચાવી પાડ્યા છે. આ પૈસાનો વ્યવહાર ઘણા નેતાઓ અને અધિકારીઓ વચ્ચે થયો છે અને આ કૌભાંડ છેલ્લા પાંચ વર્ષથી સતત ચાલી રહ્યું છે. આ એજન્સીઓના ખાતામાં 2500 કરોડ રૂપિયા જમા થયા છે, માટે આ સમગ્ર કૌભાંડની સંપૂર્ણ તપાસ થાય તેવી અમારી સ્પષ્ટ માંગ છે. આ કૌભાંડમાં આઉટસોર્સિંગના કર્મચારીઓને આરોપી બનાવવામાં આવે છે અને ઘણી જગ્યાએ પંચાયતો પર પણ દોષનો ટોળો નાખવામાં આવે છે. મટિરિયલ પૂરું પાડ્યા વગર જે લોકોના બિલ પાસ થયા છે અને જે લોકોએ આ પ્રોજેક્ટની દેખરેખ રાખવાની હતી એવા તમામ અધિકારીઓ પર પણ યોગ્ય તપાસ થાય તેવી અમારી સ્પષ્ટ માંગ છે. મટિરિયલ પૂરું પાડવામાં પંચાયત કે સરપંચ ક્યાંય પણ જવાબદાર નથી. આ કૌભાંડમાં ભાજપના મોટા નેતાઓ, સાંસદો, મંત્રીઓ અને ધારાસભ્યોના નામો બહાર આવવાના છે, તેથી અમારી સ્પષ્ટ માંગ છે કે હાઈકોર્ટના નિવૃત્ત જજની અધ્યક્ષતામાં CBI, ED અને GST વિભાગને સાથે રાખીને નિષ્પક્ષ અને ઝીણવટપૂર્વક તપાસ કરવામાં આવે.
જ્યારે કોઈ વ્યક્તિ નાનો ગુનો પણ કરે છે ત્યારે દાદાનું બુલડોઝર એના ઘરે પહોંચી જાય છે અને રાજ્યના ગૃહમંત્રીએ જાહેરાતો કરે છે કે કોઈ ચમરબંધીઓને છોડવામાં નહીં આવે. તો હવે આ સરકાર પાસે ખુબ જ સારો અવસર છે કે તેઓ તેમની શૂન્ય ભ્રષ્ટાચારની નીતિને સાબિત કરે અને દાદાના બુલડોઝરના પાવરને પણ સાબિત કરે. આ કૌભાંડમાં સરકાર સંપૂર્ણ નિષ્પક્ષ રહીને ઝીણવટપૂર્વક તપાસ કરાવે અને જે લોકો જવાબદાર હોય, ચાહે તે સરકારના હોય કે વિપક્ષના કે સંગઠનના કે પછી કોઈપણ અધિકારી હોય, બધા પર કડક કાર્યવાહી કરી બતાવે તેવી અમારી માંગ છે.