Gujarat: ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં સપ્ટેમ્બર 2012માં સુરક્ષા સેતુ સોસાયટીની સ્થાપના કરવામાં આવી ત્યારથી રાજ્યભરમાં તેનો નોંધપાત્ર પ્રભાવ પડ્યો છે અને રાજ્ય કોમ્યુનિટી પોલીસિંગમાં મોખરે રહ્યું છે. સુરક્ષા સેતુ સોસાયટી પહેલ હેઠળ મહિલા સુરક્ષા અને સશક્તિકરણ, બાળકોની સુરક્ષા, વરિષ્ઠ નાગરિકો અને વિદ્યાર્થીઓનું કાઉન્સેલિંગ વગેરે જેવી પ્રવૃત્તિઓ કરવામાં આવે છે. આનાથી પોલીસ અને સમુદાય વચ્ચેનું જોડાણ મજબૂત બન્યું છે અને રાજ્યમાં જાહેર સલામતીમાં વધારો થયો છે.
સુરક્ષા સેતુ સોસાયટી માટે ₹20થી ₹30 કરોડનું વાર્ષિક બજેટ ફાળવવામાં આવ્યું
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ ગુજરાત સરકાર રાજ્યના નાગરિકોની સુરક્ષા માટે પ્રતિબદ્ધ છે. રાજ્ય સરકાર દ્વારા સુરક્ષા સેતુ સોસાયટી માટે ₹20થી ₹30 કરોડનું વાર્ષિક બજેટ ફાળવવામાં આવ્યું છે. છેલ્લા 12 વર્ષથી આ પહેલ જનતાને સશક્ત બનાવવા અને જાહેર સલામતી વધારવાના મિશન સાથે કાર્યરત છે.
સુરક્ષા સેતુ સોસાયટીની આ કામગીરીનો સમાજ પર પડી રહ્યો છે હકારાત્મક પ્રભાવ
મહિલા સ્વરક્ષણ અને સશક્તિકરણ: મહિલાઓને સ્વરક્ષણ અને સશક્તિકરણ માટે જુડો, કરાટેની તાલીમ આપવામાં આવે છે. 2024-25માં 98,852 મહિલાઓને સેલ્ફ-ડિફેન્સની તાલીમ આપવામાં આવી હતી.
મહિલા બુટલેગરોનું પુનર્વસન: દારૂના વ્યવસાયમાં રોકાયેલી 478થી વધુ મહિલાઓને આ વ્યવસાય છોડાવીને તેમનું પુનર્વસન કરવામાં આવ્યું છે. સુરક્ષા સેતુની આ કામગીરી ગુના ઘટાડવામાં અને સામાજિક સ્થિરતાને પ્રોત્સાહન આપવામાં મદદરૂપ બને છે.
સ્ટુડન્ટ પોલીસ કેડેટ યોજના: વિદ્યાર્થીઓમાં સાહસિકતા કેળવવા અને તેમને વિવિધ વિષય ઉપર પ્રશિક્ષણ આપવા માટે ધોરણ 8 અને 9 ના વિદ્યાર્થીઓને સ્ટુડન્ટ પોલીસ કેડેટ યોજનાનો લાભ આપવામાં આવે છે, જેના હેઠળ લગભગ 45,579 વિદ્યાર્થીઓને આવરી લેવામાં આવ્યા છે.
ટ્રાફિક અવેરનેસ પ્રોગ્રામ: સમગ્ર ગુજરાતમાં 1,62,000થી વધુ નાગરિકોને માર્ગ સલામતી વિશે શિક્ષિત કરવામાં આવ્યા છે, જે સુરક્ષિત ડ્રાઇવિંગ અને અકસ્માત નિવારણમાં ફાળો આપે છે.
વરિષ્ઠ નાગરિકોનું કાઉન્સેલિંગ: લગભગ 79,931 વરિષ્ઠ નાગરિકોનું કાઉન્સેલિંગ કરીને કાયદાનું અમલીકરણ સુનિશ્ચિત કરવામાં આવ્યું છે.
વિદ્યાર્થી પરામર્શ અને પોલીસ સ્ટેશન વિઝિટ: સુરક્ષા સેતુ સોસાયટી દ્વારા લગભગ 49,014 વિદ્યાર્થીઓનું કાઉન્સેલિંગ કરવામાં આવ્યું છે, અને 94,800થી વધુ બાળકોએ પોલીસ સ્ટેશનની મુલાકાત લીધી છે. આનાથી તેમની પોલીસ દળ પ્રત્યેની સમજ અને કાયદા પ્રત્યે સન્માનને પ્રોત્સાહન મળ્યું છે.