Nikunj Savaliya AAP: આમ આદમી પાર્ટીના અમરેલી જિલ્લા પ્રમુખ નિકુંજ સાવલિયાએ એક અત્યંત ગંભીર મુદ્દા પર વિડીયોના માધ્યમથી પોતાની વાત રજૂ કરતા જણાવ્યું હતું કે, અમરેલી જિલ્લામાં બેનંબર અને ભેળસેળીયા તત્વો હવે તમામ હદો વટાવી ચૂક્યા છે. અન્નદાતા ખેડૂત, જે રાત-દિવસ પરસેવો પાડીને કણમાંથી મણ પેદા કરે છે અને સમાજની આંતરડી ઠારે છે, એ જ અન્નદાતાને છેતરવાનો ગંદો ખેલ હવે ખુલ્લેઆમ ચાલી રહ્યો છે. લોકોમાં કહેવત છે કે જે અન્નદાતાની આંતરડી બાળે છે, તેને સાત પેઢી સુધી તેનો ભોગવટો કરવો પડે છે. છતાં પણ ભેળસેળીયાઓને કોઈ ડર નથી. તાજેતરમાં બાબરા તાલુકાના ખંભાળા ખાતેથી ઇફકોની થેલીમાં નકલી ખાતર મળ્યા બાદ તંત્ર થોડું જાગ્યું અને ત્યારબાદ અમરેલીની બાજુમાં આવેલા મોટા આંકડિયા ગામેથી ડુપ્લીકેટ ખાતર બનાવતી ફેક્ટરી ઝડપાઈ છે. ત્યારબાદ અમરેલી SOGની ટીમે દરોડો પાડી મુદ્દામાલ ઝડપી પાડ્યો છે: મુદ્દામાલમાં જણાવીએ તો, હલકી ગુણવત્તાનું એમોનિયમ સલ્ફેટ ખાતર – 50 થેલીઓ, POLYHALITE-IPL ખાતર ભરેલી બેગ – 25, ગુજરાત સરદાર ફર્ટિલાઇઝરની ખાલી બેગ – 5,600, હલકી ગુણવત્તાનું ખાતર બનાવવાની મશીનરી – 3 નંગ, કુલ મુદ્દામાલની કિંમત – ₹16,74,000. આ સમગ્ર નકલી ખાતર “નીરીમાં એગ્રી પ્રોડક્ટ” નામની કંપનીમાંથી ઝડપાયું છે.
મોટા આંકડિયા – પીપળલગ રોડ પરથી આ ડુપ્લીકેટ ખાતરની ફેક્ટરી ઝડપાઈ છે. આ કેસમાં ભરત ચીમન ધાનાણી નામનો મુખ્ય આરોપી હાલ ફરાર છે. અહીં સૌથી ગંભીર અને ચોંકાવનારો પ્રશ્ન એ છે કે — જે ઇફકો જેવી અગ્રેસર ખાતર કંપનીના ચેરમેન પોતે અમરેલીના છે, જે રાજ્યના કૃષિ મંત્રી પણ અમરેલી જિલ્લાના પ્રભારી છે અને જે વિસ્તારમાંથી આ ફેક્ટરી ઝડપાઈ છે તે વિસ્તારના ધારાસભ્ય પણ મંત્રી છે — તો શું તેમને આ ગેરકાયદે ધંધાની કોઈ ખબર નહોતી? અથવા પછી ભાજપના શાસનમાં ખુલ્લેઆમ “લૂંટો જેટલું લૂંટી લો”નો સત્તાવાર સંદેશ છે? અન્નદાતા ખેડૂત સાથે થયેલી આ છેતરપિંડી માત્ર ગુનો નથી, પરંતુ સીધો વિશ્વાસઘાત છે. આમ આદમી પાર્ટીની માંગ છે કે આ મામલે ઉચ્ચસ્તરીય તપાસ, ફરાર આરોપીની તાત્કાલિક ધરપકડ અને આવા ભેળસેળીયા નેટવર્ક પાછળ રહેલા રાજકીય સંરક્ષણનો ખુલાસો થવો જ જોઈએ. અન્નદાતાને લૂંટનાર સામે કડક કાર્યવાહી નહીં થાય તો ખેડૂતો રસ્તા પર ઉતરવા મજબૂર થશે — અને તેની સંપૂર્ણ જવાબદારી સરકારની રહેશે.





