આજરોજ પાક નુકસાન વળતર મુદ્દે આમ આદમી પાર્ટીના કિસાન સેલના પ્રદેશ પ્રમુખ અને કિસાન નેતા Raju Kapradaની આગેવાનીમાં સુરેન્દ્રનગરનાં જિલ્લા ખેતીવાડી અધિકારીને આવેદનપત્ર આપવામાં આવ્યું. આમ આદમી પાર્ટી દ્વારા અતિવૃષ્ટિમાં ખેડૂતોને થયેલા નુકસાન મુદ્દે કરવામાં આવેલ સર્વેમાં થયેલી ગોલમાલ ઉજાગર કરવામાં આવી હતી અને સાથે જ આઠ દિવસનું અલ્ટીમેટમ આપવામાં આવ્યું છે. આ તકે કિસાન નેતા રાજુ કરપડાની સાથે સાથે મોટી સંખ્યામાં ખેડૂતો તથા આમ આદમી પાર્ટીના કચ્છ ઝોન કાર્યકારી પ્રમુખ કૈલાશદાન ગઢવી, મયુર સાકરીયા, રમેશ મેર, દેવકરણ જોગરાણા, અજીત ખોરાણી, કિશોરભાઈ, અશોક મકવાણા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
આ દરમિયાન આમ આદમી પાર્ટીના કિસાન સેલના પ્રદેશ પ્રમુખ અને કિસાન નેતા Raju Kapradaએ જણાવ્યું હતું કે, આજે અમે પાક નુકશાન વળતર મુદ્દે મોટી રેલી યોજી છે. રાજ્ય સરકારે ગ્રાન્ટ નહિ હોવાના કારણે અતિવૃષ્ટિમાં નુકસાન ભોગવનાર ખેડૂતોને ઓછું વળતર ચૂકવ્યું અને કેન્દ્ર સરકાર પાસેથી વધારે રકમની માંગણી નહિ કરી નથી. જેના કારણે સ્પષ્ટ થાય છે કે રાજ્ય સરકારને ખેડૂતોની ચિંતા નથી અને રાજ્ય સરકારે ખેડૂતો સાથે છેતરપિંડી કરી છે. સાયલા, ચુડા તાલુકાના માત્ર 300 જેટલા ખેડૂતોનો જ સહાયમાં સમાવેશ થયો, સામે ચોટીલા, થાનગઢ અને મૂળીમાં પિયત હોવા છતાં બિનપિયતના હિસાબે વળતર ચૂકવાયા છે. સાથે સાથે નુકશાનીના આંકડા બદલી નાખવામાં આવ્યા છે, જેના કારણે ખેડૂતોને ખૂબ જ નુકસાન થયું છે અને ખેડૂતો હાલ ખૂબ જ આક્રોશમાં છે. સર્વેમાં થયેલા ગોલમાલ મુદ્દે અમે જિલ્લા ખેતીવાડી અધિકારીને આઠ દિવસનું અલ્ટીમેટમ આપ્યું છે.