Isudan Gadhvi News: આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ Isudan Gadhviએ ખેડૂતોના મુદ્દે મહત્વ પૂર્ણ વાત કરતા જણાવ્યું હતું કે, સરકારની નીતિ અને ભાજપના નેતાઓની નિયત ખરાબ હોવાથી ખેડૂતોને ચારે બાજુથી માર પડે છે. ખેડૂતો દિવસ રાત મહેનત કરે છે અને ભગવાન પણ તેમના ઉપર રૂઠે છે અને કમોસમી વરસાદ થાય છે. જો તૈયાર થયેલા પાકને APMCમાં લઈ જવામાં આવે તો ત્યાં કડદા કરવામાં આવે છે કટકીઓ કરવામાં આવે છે. ચારે તરફથી લૂંટ ચલાવવામાં આવે છે. ખાતર બિયારણ મોંઘા કરી દીધા છે. આ બધા પ્રશ્નો માટે ધીરે ધીરે બધા ખેડૂતો એક થઈ રહ્યા છે જેનાથી જે લોકો ખેડૂત વિરોધી છે તેમના પેટમાં તેલ રેડાયુ છે. બોટાદમાં કડદા પ્રથાના વિરોધમાં તમામ ખેડૂતો એક થયા. ખેડૂત નેતા રાજુ કરપડા અને પ્રવીણ રામને જેલમાં જવું પડ્યું પરંતુ ગુજરાતમાં કડદા પ્રથાની ચર્ચા શરૂ થઈ અને ખેડૂતો જાગૃત થયા. ખેડૂતોને હેક્ટર દીઠ 50,000ની સહાય મળવી જોઈએ, ઉદ્યોગપતિઓના દેવા માફ થાય તો ખેડૂતોના દેવા કેમ માફ થાય નહીં તેવા વિવિધ પ્રશ્નોને લઈને કિસાન મહાપંચાયત યોજાઈ હતી. જેમાં એક લાખથી વધારે ખેડૂતો આવ્યા હતા. જેનાથી સરકારે ઝુકી જવું પડ્યું અને ફૂલ નહીં તો ફૂલની પાંખડી આપી. આ 10000 કરોડનું સહાય પેકેજ લોલીપોપ છે એક વીઘાના 3000 લેખે શું થવાનું?
પ્રદેશ પ્રમુખ Isudan Gadhviએ વધુમાં જણાવ્યું હતું કે, આમ આદમી પાર્ટીએ નક્કી કર્યું છે કે અમે તમારા હક અને અધિકાર માટે અમે લડીશું. પરંતુ જીત ત્યારે જ મળશે જ્યારે આપણે એક થઈશું. આવતીકાલે ખંભાળિયા વિધાનસભાના ભાણવડ પાસેના ત્રણ પાટીયાથી જામજોધપુર વચ્ચે આંબરડી ગામના પાટીયા પાસે કિસાન મહાપંચાયત યોજાવાની છે. જો આપણે એક થઈશું તો જ આ લૂંટ બંધ કરાવી શકીશું. હું જામનગર, પોરબંદર, દ્વારકા તમામ જિલ્લાના ખેડૂતોને વિનંતી કરું છું કે તમે બધા જ્ઞાતિ, જાતિ, ધર્મ ભૂલીને એક થાવ એટલે ફરીથી ભાજપના પેટમાં તેલ રેડાશે. તો આપણે સૌએ આવતીકાલે બપોરે ત્રણથી સાડા ત્રણ વાગ્યે કિસાન મહાપંચાયતમાં ભેગા થવાનું છે. આપણે ભેગા થઈ શકીએ નહીં સભા સુધી પહોંચી શકે નહીં એના માટે તમામ પ્રયત્નો કરવામાં આવશે. આ કિસાન મહાપંચાયતમાં હું પોતે હાજર રહીશ મારી સાથે અમારા વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઈટાલિયા, જામજોધપુરના ધારાસભ્ય હેમંત ખવા, ફ્રન્ટલ સંગઠન પ્રદેશ મહામંત્રી સામત ગઢવી, પ્રદેશ સંગઠન મહામંત્રી મનોજ સોરઠીયા, પ્રદેશ મહામંત્રી અને ખેડૂત નેતા સાગર રબારી અને આપ નેતા પરેશ ગોસ્વામી સહિતના પ્રદેશ નેતાઓ ઉપસ્થિત રહેવાના છે.





