Gopal Italia News: ગુજરાત વિધાનસભાના ચોમાસા સત્રનો આજે છેલ્લો દિવસ છે. આજના દિવસની ચર્ચામાં ભાગ લેવા માટે વિસાવદરના ધારાસભ્ય Gopal Italia વિધાનસભા ખાતે પહોંચ્યા હતા વિધાનસભાની અંદર જતા પહેલા ગોપાલ ઇટાલીયાએ પત્રકાર મિત્રો સાથે વાત કરતા જણાવ્યું હતું કે, ગઈકાલે વિધાનસભામાં ખેડૂત વિરોધી, ગામડા વિરોધી, સહકાર ક્ષેત્ર વિરોધી જન વિશ્વાસ વિધેયક પસાર કરવામાં આવ્યો મેં એનો પુરજોર વિરોધ કર્યો કે ખોટું કરનાર વ્યક્તિને દંડ નહીં પરંતુ જેલની સજા મળવી જોઈએ. ”જનવિશ્વાસ વિધેયક” હકીકતમાં “જન અવિશ્વાસ વિધેયક” છે. ભરપૂર વિરોધ બાદ પણ ભાજપે બહુમતીના જોરે કાયદાને પાસ કરાવ્યો.

ધારાસભ્ય Gopal Italiaએ કહ્યું હતું કે, ગઈકાલે વિધાનસભામાં જન વિશ્વાસ વિધેયક નામનું એક બિલ રજુ કરવામાં આવ્યું હતું હકીકતમાં જનતામાં વિશ્વાસ નહીં પરંતુ અવિશ્વાસ વધે તેવો કાયદો ગઈકાલે વિધાનસભામાં બનાવવામાં આવ્યો છે. મેં વિરોધ કર્યો હતો પરંતુ ભાજપની બહુમતી હોવાથી આ કાયદો બનાવવામાં આવ્યો છે. કાયદો એવો છે કે ગુજરાતના સહકારી વિભાગમાં કોઈપણ સહકારી મંડળી, દૂધ મંડળી, ખાંડ મંડળી, ખેતી મંડળીમાં કોઈપણ સભ્ય ખોટા ડોક્યુમેન્ટના આધારે સભાસદ, ડિરેક્ટર કે ચેરમેન બની જાય તો એને હવે જેલની સજા નહીં કરવામાં આવે અને ફક્ત ₹5,000નો દંડ ફટકારવામાં આવશે. મેં આ બાબતનો ખૂબ જ વિરોધ કર્યો. મેં વિરોધ કરીને કહ્યું કે કોઈ વ્યક્તિ ખોટા ડોક્યુમેન્ટ આપીને સભાસદ, ડિરેક્ટર કે ચેરમેન બની જાય છે તો તેને જેલમાં પુરવો જોઈએ.

બીજી વાત કે ખેડૂતના નામે લોન લેવા માટે પણ ખોટા ડોક્યુમેન્ટનો ઉપયોગ થાય છે. ખોટા ડોક્યુમેન્ટમાં ફક્ત કાગળ નહીં, ખેડૂતની ખોટી સહી કરવી, ખેડૂતનો ખોટું ખાતું ખોલાવવું, ખેડૂતના ફોટાનો ઉપયોગ કરવો, આ તમામ પણ ખોટી પ્રોસેસ છે. તેના માટે પણ સરકારે એવો કાયદો કર્યો કે ખોટા ડોક્યુમેન્ટ બનાવનાર વ્યક્તિ જો ડોક્યુમેન્ટ અને સરકારી રેકર્ડનો નાશ કરે તો એને જેલ સજા નહીં પરંતુ પંદરથી વીસ હજાર રૂપિયાનો ફક્ત દંડ જ કરવામાં આવશે. આના પરથી સ્પષ્ટ થાય છે કે ભાજપ સરકારે ગઈકાલે ખેડૂત વિરોધી કાળો કાયદો પસાર કર્યો છે. આ સાથે કોઈ વ્યક્તિ ગેરકાયદેસર બાંધકામ કરે છે તો તેને જેલની સજા નહીં કરવાની પરંતુ તેની પાસેથી ફક્ત 50,000નો દંડ વસૂલવામાં આવશે. આનાથી ગેરકાયદેસર બાંધકામ કરનારાઓની હિંમત વધશે. માટે મેં આ બાબતનો પણ વિરોધ કર્યો. સરકારે “જન વિશ્વાસ વિધેયક” નામ આપ્યું છે પરંતુ આ “જન અવિશ્વાસ વિધેયક” છે.