Chaitar Vasava :આમ આદમી પાર્ટીના ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ આજે વિધાનસભામાં પત્રકાર પરિષદ યોજી જણાવ્યું હતું કે, આજે મેં શિક્ષણ મંત્રીને કેટલાક ગંભીર સવાલો કર્યા હતા અને સરકાર તરફથી તેમના જવાબો મળ્યા હતા. નર્મદા અને દાહોદ જિલ્લો દેશના અતિ પછાત જિલ્લાઓમાંના એક જિલ્લામાંથી છે. આ જિલ્લાઓમાં શિક્ષણનું સ્તર ખરાબ હોવાથી આ જિલ્લાઓ પછાત રહી ગયા છે. તો મેં શિક્ષકો મુદ્દે સવાલ કર્યો હતો અને તેના જવાબમાં સરકાર તરફથી જોવા મળ્યો હતો કે નર્મદામાં 549 શિક્ષકોની ઘટ છે અને દાહોદમાં 1284 શિક્ષકોની ઘટ છે. ત્યારબાદ પેટા પ્રશ્નમાં અમે પૂછ્યું કે કેટલી શાળાઓ એક શિક્ષકથી ચાલે છે તો જવાબ મળ્યો કે નર્મદા જિલ્લામાં 145 શાળાઓ એક શિક્ષકથી ચાલે છે. વિચાર કરો કે એક શાળામાં 1-5 ધોરણ હોય કે 1-8 ધોરણ હોય તો એ એક શિક્ષક કઈ રીતે બધાને ભણાવશે? અને એ શિક્ષક તો સરકારી મીટીંગોમાં જશે કે SIRની કામગીરી કરવા જશે તો એવા સમયે બાળકોને કોણ ભણાવશે? ગરવી ગુજરાતની આ વરવી વાસ્તવિકતા છે કે નર્મદા હોય, દાહોદ હોય, છોટાઉદેપુર હોય, પંચમહાલ હોય ભરૂચ હોય કે ડાંગ હોય આ દરેક જગ્યાએ આદિવાસી વિસ્તારોમાં શિક્ષકોની ઘટ છે અને સરકારે આજે આ સ્વીકાર્યું. એની વૈકલ્પિક વ્યવસ્થાઓ મુદ્દે સરકાર જણાવે છે કે હજુ એ કામ વિચાર હેઠળ છે. આના પરથી દેખાઈ રહ્યું છે કે સરકારમાં ગંભીરતા નથી.
વધુમાં ધારાસભ્ય Chaitar Vasavaએ જણાવ્યું હતું કે શાળાઓમાં વિદ્યાર્થીઓ માટે ઓરડાઓ પણ નથી ઘણા બાળકો ભાડાના મકાનમાં ભણે છે, ઝાડ નીચે બેસીને ભણે છે, ઓટલા પર બેસીને ભણે છે અને ઘણી શાળાઓમાં એક ક્લાસમાં ચાર-ચાર ધોરણના બાળકો બેસીને ભણતા હોય છે. દર વર્ષે બજેટોમાં હજારો કરોડોની જોગવાઈ કરવામાં આવે છે તો પછી આદિવાસી વિસ્તારોમાં શાળાઓના ઓરડાઓ કેમ બનાવવામાં આવતા નથી? આદિવાસી વિસ્તારોમાં શિક્ષકોની ભરતી કેમ કરવામાં આવતી નથી? આજે મંત્રીએ જણાવ્યું કે જ્ઞાન સહાયકો દ્વારા ભરતી કરીશું, હકીકત એ છે કે જ્ઞાન સહાયકએ 11 માસના શિક્ષકની ભરતીની યોજના છે. જો શિક્ષક પોતે કરાર પર હશે અને કાયમી નહીં હોય અને એ શિક્ષકને પોતાના કેરિયરની ચિંતા હશે તો પછી એ બાળકોને સારી રીતે કઈ રીતે પણ આવશે? આ સવાલ અમે ગુજરાતની સરકારને પૂછીએ છીએ. 30 વર્ષની ભાજપની સરકાર આદિવાસી વિસ્તારોમાં સરકારી શાળાઓના ઓરડા પૂરા પાડવામાં અને શિક્ષકો પૂરા પાડવામાં સરકાર સદંતર નિષ્ફળ ગઈ છે માટે હવે જનતાએ જાગવું પડશે અને સરકાર પાસે જવાબ માંગવો પડશે.





