Isudan Gadhvi News: કેન્દ્રીય મંત્રી સી આર પાટીલે AAP પર કરેલા નિવેદન મુદ્દે આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ Isudan Gadhviએ સી આર પાટીલ પર વળતો પ્રહાર કરતાં જણાવ્યું હતું કે ભાજપના મંત્રી સી આર પાટીલે આડકતરી રીતે આમ આદમી પાર્ટી ઉપર આક્ષેપ કરતા કહ્યું કે “દિલ્હીથી પાર્ટી આવી અને એમને અમે ભૂંડી રીતે હાર અપાવી હતી.” તો તમે થોડો ઇતિહાસ વાંચજો ભાજપને 2 સીટ લાવવા માટે 27 વર્ષ લાગ્યા હતા. જ્યારે આમ આદમી પાર્ટીને એક વર્ષની અંદર ગુજરાતમાં પાંચ સીટ સાથે ૪૧ લાખ મત મળ્યા છે જે અગાઉના મુખ્યમંત્રીઓએ પાર્ટી બનાવી એમને પણ નથી મળ્યા. તમને એટલો બધો અહંકાર આવી ગયો છે કે વારંવાર તમે કહો છો કે ડિપોઝિટ જપ્ત થઈ ગઈ. પંજાબ અને કેરેલામાં તમારી ડિપોઝિટ કેવી રીતે જપ્ત થઇ હતી, એ આખુ ભારત જાણે છે. તમને ગુજરાતની જનતાએ 156 સીટ આપી, તોડફોડ કરીને તમે 161 કરી પરંતુ તમે ગુજરાતમાં કર્યું છે શું? તમને ગુજરાતમાં 182 સીટ આપી દઈએ તો પણ શું કરશો? એ જ પૈસાનો તોડ, બ્રિજમાં કૌભાંડ, ખેડૂતોને પાયમલ કરવાનું, બેરોજગાર ઉપર લાઠીચાર્જ કરવાનો અને જે લોકો નોકરી માંગે તેઓને ધમકી આપવાની પોલીસથી માર મરાવવાનો અને ખોટી ફરિયાદો કરવાની આ જ ધંધો તમે કરશો.

દીકરીઓ ઉપર બળાત્કાર થાય તેની ફરિયાદ લખવામાં આવે નહીં, હત્યાઓ થાય, તમે ગુજરાતમાં 182 સીટ લાવો તો પણ આ જ કરશો. હું આપને કહેવા માંગુ છું કે 161 આવ્યા પછી પણ તમે ગુજરાતનું દિલ નથી જીતી શક્યા. આમ આદમી પાર્ટી એક સીટ પર પેટા ચૂંટણી જીતી અને આખા ગુજરાતના સાત કરોડ નાગરીકો આમ આદમી પાર્ટીના જીતનો જશ્ન મનાવી રહ્યા છે. લોકો જશ્ન એટલા માટે મનાવી રહ્યા છે કારણકે અમે લોકો માટે લડીએ છીએ. અમે હારી છો કે જીતીશું એ ખબર નથી એ તો જનતા ઉપર આધાર રાખે છે. ગુજરાતની જનતા એ નક્કી કરશે પરંતુ તમારો અહંકાર એક દિવસ ગુજરાતની જનતા જરૂર ભસ્મીભૂત કરશે.