AAP Isudan Gadhvi News: થોડા સમય પહેલા બરડા ડુંગરમાં અંદાજિત 13 સિંહ મૂકવામાં આવ્યા છે જેનાથી માલઘારીઓ પરેશાન છે. માલધારીને હિજરત કરવુ પડે તેવી પરિસ્થિતિ થઈ છે. આ મુદ્દે જાણકારી મળતા AAP પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ માલધારી લોકોની મુલાકાત લીધી હતી અને લોકોની સમસ્યા જાણી હતી. Isudan Gadhviએ આ મુદ્દે વાત કરતા કહ્યું હતું કે, આઝાદીના 78 વર્ષ બાદ પણ બધાનો વિકાસ થયો છે પરંતુ માલધારીઓનો વિકાસ થયો નથી. માલધારીઓને રાત દિવસ હેરાન પરેશાન કરવામાં આવે છે. બરડા ડુંગર પર અત્યારે 13 સિંહને મૂકવામાં આવ્યા છે. જેના લીધે અહીંયા નેસમાં વસતા માલધારીઓને મુશ્કેલી પડી રહી છે. બરડા ડુંગર પર વસતા માલધારીઓને અહીંયાથી હટાવવા માટે આ સરકારની મંશા હોય એવું લાગી રહ્યું છે. આ માલધારીઓ દોઢ લાખ રૂપિયામાં ભેંસ ખરીદે છે અને રોજનું 15 લીટર આ ભેંસ દૂધ આપતી હોય છે જેના પર માલધારીના પરિવારનો જીવનનિર્વાહ થાય છે પણ જ્યારે સિંહ ભેંસનું મારણ કરી જાય છે ત્યારે તેમને નુકસાન થાય છે. આ માલધારીઓ પોતાના માલ ઢોરની આવક ઉપર નિર્ભર છે. જો માલધારીઓને તાત્કાલિક તેની સહાય ચૂકવવામાં આવે તો તેઓ પોતાનો જીવન નિર્વાહ ગુજારી શકે. માલધારીઓને એક તરફ ડેરીવાળા મારી રહ્યા છે અને બીજી તરફ સરકાર મારી રહી છે આવી પરિસ્થિતિમાં માલધારી જાય કયાં? સરકાર આવીને સર્વે કરી જાય છે પરંતુ તાત્કાલિક સહાય મળતી નથી અને સહાય મળે તો સહાય પેટે ફક્ત 15 થી 20 હજાર રૂપિયા જ મળે છે. અહીંયા ડેવલપમેન્ટ કરવામાં આવી રહ્યું છે પરંતુ સ્થાનિકોને રોજગારી મળી રહી નથી. માલધારીઓ ખૂબ જ દયનિય પરિસ્થિતિમાં રહી રહ્યા છે સરકારે તેમનો ઉદ્ધાર કરવાની જરૂર છે તેમનો વિકાસ કરવાની જરૂર છે.

AAP નેતા ઈસુદાન ગઢવીએ વધુમાં કહ્યું હતું કે, ભાજપે સિંહને મૂકીને માલધારીઓને ખસેડીને પોતે આ જગ્યાનો કબજો લઈ લેવાનું ષડયંત્ર રચ્યું છે. બરડામાં રહેતા માલધારીઓ જે રોજગારી મેળવે છે એને ખતમ કરવાનો આ પ્લાન છે. વન વિભાગ કાયદા બતાવીને રોડ રસ્તા કે સારી શાળા બનાવવા દેતું નથી. આ માલધારીઓને કોઈપણ પ્રકારની સરકારી યોજનાનો લાભ મળતો નથી. છોકરાઓને ભણાવવા માટે પણ પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. જંગલમાં રહેતા હોવાથી વન વિભાગ તેમને મકાન બાંધવાની પણ પરવાનગી આપતું નથી પરંતુ વન વિભાગના લોકો માટે બંગલાઓ બને છે. આ વિસ્તારમાં હવે સિંહ હોવાથી બાળકોને સ્કૂલે જવું હોય, માતા બહેનોને ઘરની બહાર નીકળવું હોય તો પણ તકલીફ પડે છે. માલધારીઓ ઢોર ચરાવવા જાય ત્યારે સિંહ આવીને મારણ કરી જાય છે એટલે એમની રોજગારી છીનવાઈ જાય છે. 20 વર્ષમાં માંડ પાંચ ભેંસની ખરીદી કરી હોય અને જો એમાં બે ભેંસનું સિંહ મારણ કરી જાય તો આ માલધારી નો ધંધો બંધ થઈ જાય છે. હું સરકારને વિનંતી કરું છું કે તમે કોઈ એક ચોક્કસ વિસ્તાર સિંહ માટે રાખો અને એમને કોર્ડન કરીને રાખો અને ત્યાં સિંહ દર્શન કરાવડાવો. ગીરમાંથી સિંહ હવે ધારી સુધી પહોંચી ગયા છે કારણ કે ત્યાં એમને મારણ મળતું નથી તેથી હવે તેઓ માલધારીના વિસ્તારમાં મારણ માટે આવી ચડ્યા છે. જે માલધારીઓના ઢોર સિંહે મારણ કર્યું એને એક વર્ષ થઈ ગયું હોવા છતાં પણ કોઈને સહાયનો એક રૂપિયો મળ્યો નથી. તમે સિંહ માટે આટલું કરો છો તો આ માલધારીઓ માટે પણ કંઈક કરો એવી હું સરકારને વિનંતી કરું છું તેવું ઇસુદાન ગઢવીએ સરકારને જણાવ્યું હતું.