Chaitar Vasava News: કેવડિયા ખાતે મોટી સંખ્યામાં કર્મચારીઓ પોતાની માંગોને લઇને ધરણા પ્રદર્શન કરી રહ્યા છે. આ કર્મચારીઓના ન્યાય માટે આમ આદમી પાર્ટી ડેડિયાપાડાનાં ધારાસભ્ય ચૈતર વસાવા પણ ધરણા પ્રદર્શનમાં જોડાયા હતા. આ તકે ધારાસભ્ય ચૈતર વસાવાએ મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે કેવડિયા ખાતે JBM અને જય પ્રકાશ (JP) કંપનીના કર્મચારીઓ પોતાની માંગણીઓને લઈને ધરણા પર બેઠા છે અને અમે તેમના સમર્થનમાં સંપૂર્ણ રીતે તેમની સાથે છીએ.તેમણે જણાવ્યું કે જય પ્રકાશ ગ્રુપમાં કામ કરતા કર્મચારીઓ પાસેથી દર મહિને 31 દિવસ કામ લેવાય છે, પરંતુ ઓવરટાઈમનું વળતર આપવામાં આવતું નથી. કર્મચારીઓને મળવાનું 12 ટકા પીએફ આજદિન સુધી જમા કરાયું નથી તેમજ મેડિકલ ક્લેમની સુવિધા પણ આપવામાં આવી નથી. હમણા એક વ્યક્તિને મગરે પકડ્યા હતા તેમને પણ વળતર આપવામાં આવ્યું નથી. ઘણા કર્મચારીઓ 30થી 35 વર્ષથી સેવા આપી રહ્યા હોવા છતાં માત્ર 12થી 13 હજાર રૂપિયાનું વેતન મેળવે છે અને સિનિયોરિટી મુજબનો પગાર વધારો આપવામાં આવતો નથી. કર્મચારીઓની માંગ છે કે કેટેગરી પ્રમાણે પગાર વધારો કરવામાં આવે, પીએફ ખાતામાં જમા કરાય, મેડિકલ ક્લેમ અને ઓવરટાઈમના રૂપિયા ચૂકવવામાં આવે તેમજ સરકારના ધોરણ મુજબ 8.33% બોનસ આપવામાં આવે.

ધારાસભ્ય Chaitar Vasavaએ વધુમાં જણાવ્યું કે JBM કંપનીના ડ્રાઈવરોનો પગાર કોઈ કારણ વગર 22 હજાર રૂપિયાથી ઘટાડીને 15 હજાર રૂપિયા કરવામાં આવ્યો છે, જે કર્મચારીઓ સાથે થતો અન્યાય છે. ડ્રાઈવરોને અગાઉ મુજબ પગાર, પગાર સ્લીપ, પીએફ, ગ્રેચ્યુઇટી અને વાર્ષિક ઇન્ક્રિમેન્ટ આપવામાં આવે તેવી માંગ છે. તેમણે જણાવ્યું કે કંપનીના વહીવટીતંત્ર સાથે ચર્ચા ચાલી રહી છે. જો સકારાત્મક નિર્ણય લેવામાં આવશે તો ધરણાં સમાપ્ત કરાશે, પરંતુ જો કર્મચારીઓના હક માટે નિર્ણય નહીં થાય તો આ આંદોલન યથાવત રહેશે. ગઈકાલે વહીવટીતંત્ર દ્વારા ખાતરી આપવામાં આવી હતી કે આજ રોજ સવારે 10 વાગ્યા સુધીમાં અંતિમ નિર્ણય આપવામાં આવશે. આજે ફરી બેઠક યોજાઈ હતી, જેમાં કંપની તરફથી એક મહિનાનો સમય માગવામાં આવ્યો હતો, પરંતુ કામદારો અને અમારા આગ્રહને પગલે અંતે 15 દિવસનો સમય મંજૂર કરવામાં આવ્યો છે. કંપની દ્વારા લેખિતમાં ખાતરી આપવામાં આવી છે કે 15 દિવસની અંદર તમામ માંગણીઓ અંગે અંતિમ નિર્ણય લેવામાં આવશે. કામદારોની મુખ્ય માંગણીઓમાં ઓવરટાઈમના રૂપિયા ચૂકવવા, બોનસ આપવા, મેડિકલ ક્લેમની સુવિધા ઉપલબ્ધ કરાવવી તથા આઠ કલાકથી વધુ કામ લેવાય તો તેનું ઓવરટાઈમ ચૂકવવાની માંગ સામેલ છે.