Ahmedabad Breaking News: અમદાવાદ: પ્રવર્તન નિદેશાલય (ED), અમદાવાદે મેસર્સ શ્રી ઓમ ફેબ અને અન્ય સામે 10.95 કરોડ રૂપિયાની બેંક છેતરપિંડીના કેસમાં PMLA, 2002 હેઠળ મોટી કાર્યવાહી હાથ ધરી છે. EDએ 08 અને 09 ઓક્ટોબર 2025ના રોજ અમદાવાદ, ગુજરાતમાં 6 સ્થળોએ તપાસ હાથ ધરી હતી. આ દરમિયાન, કરોડો રૂપિયાની સંપત્તિ સાથે સંકળાયેલા વાંધાજનક દસ્તાવેજો, આશરે 3 કરોડ રૂપિયાની કિંમતના સોના અને હીરાના ઘરેણાં જપ્ત કરવામાં આવ્યા હતા, તેમજ 23 લાખ રૂપિયાની મુદતી થાપણ (Fixed Deposit) પણ ફ્રીઝ કરવામાં આવી હતી.

બેંક લોનનો ખેલ: વ્યવસાય નહીં, લક્ઝરી જીવન પર ખર્ચ
EDની તપાસમાં ખુલાસો થયો છે કે અમદાવાદના વેપારી રણજીત કુમાર જે. લુનિયાએ તેમની ત્રણ ફર્મો- શ્રી ઓમ ફેબ, શ્રી બાબા ટેક્સટાઇલ અને શ્રી લક્ષ્મી ફેબના નામે બેંકોમાંથી કરોડો રૂપિયાની લોન લીધી હતી. આ ફર્મો ગ્રે ક્લોથના વેપાર સાથે સંકળાયેલી હોવાનું જણાવાયું હતું. જોકે, તપાસમાં જાણવા મળ્યું કે આ રકમનો ઉપયોગ વ્યવસાયમાં નહીં, પરંતુ વ્યક્તિગત લક્ઝરી જીવનશૈલી, મકાન, ઘરેણાં અને બુલિયન ખરીદવામાં કરવામાં આવ્યો હતો.
CBIની ફરિયાદ બાદ EDની એન્ટ્રી
આ કેસ ત્યારે પ્રકાશમાં આવ્યો જ્યારે ઓરિએન્ટલ બેંક ઓફ કોમર્સે આ ત્રણેય ફર્મો સામે CBIમાં ફરિયાદ નોંધાવી હતી. બેંકે આરોપ લગાવ્યો હતો કે આ ફર્મોએ બનાવટી દસ્તાવેજોના આધારે નકદ ઋણ સુવિધાઓ મેળવી હતી. CBIની તપાસ બાદ આ મામલો EDને સોંપવામાં આવ્યો, જેણે PMLA હેઠળ કાર્યવાહી શરૂ કરી.
જપ્ત સંપત્તિ અને આગળની તપાસ
EDની આ કાર્યવાહી દરમિયાન લોકરોમાંથી સોના અને હીરાના કિંમતી ઘરેણાં મળી આવ્યા, જેની અંદાજિત કિંમત 3 કરોડ રૂપિયા જેટલી છે. આ ઉપરાંત, 23 લાખ રૂપિયાની મુદતી થાપણ પણ ફ્રીઝ કરવામાં આવી છે. ED હવે આ કેસમાં વધુ તપાસ કરી રહી છે, જેથી છેતરપિંડીના આ નેટવર્કનો સંપૂર્ણ પર્દાફાશ થઈ શકે.