દેવભૂમિ દ્વારકામાં સતત ત્રીજા દિવસે પણ મેઘરાજા ધમાકેદાર બેટિંગ પર ઉતર્યા છે. બપોરે 2 થી 4 વાગ્યા વચ્ચેના માત્ર બે કલાકમાં જ 5 ઇંચ વરસાદ પડતા નગરનાં રસ્તાઓ નદીઓમાં ફેરવાઈ ગયા હતા. સાંબેલાધાર વરસાદ સાથે પવનના સુસવાટાં ફૂંકાતા અનેક વિસ્તારોમાં જળબંબાકાર જેવી પરિસ્થિતિ સર્જાઈ છે. હવામાન વિભાગે દ્વારકા સહિત રાજ્યના 8 જિલ્લામાં રેડ એલર્ટ અને 13 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે.
2 થી 4 વાગ્યા વચ્ચેનો વરસાદ
આજે માત્ર બે કલાકમાં દેવભૂમિ દ્વારકામાં 4 ઇંચથી વધુ વરસાદ પડ્યો હતો. કચ્છના માંડવીમાં 1.61 ઇંચ, જામનગરના જામજોધપુરમાં 1.42 ઇંચ, જ્યારે નખત્રાણામાં 1 ઇંચ વરસાદ નોંધાયો હતો. અન્ય તાલુકામાં સરેરાશ 1 ઇંચ કરતાં ઓછો વરસાદ પડ્યો છે.
દ્વારકા શહેરમાં પાણી ભરાયા
ભારે વરસાદને કારણે દ્વારકાના ઇસ્કોન ગેટ, ભદ્રકાળી ચોક સહિતના વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. જગત મંદિર અને છપ્પન સીડી પરથી વહેતા વરસાદી પાણીના નજારા જોવા લોકો ઉમટી પડ્યા હતા. વરસાદથી વાહનચાલકો અને રાહદારીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.
ગામડાંમાં જળબંબાકાર
દેવભૂમિ દ્વારકાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ મેઘરાજા ત્રાટક્યા છે. જામ કલ્યાણપુર, લાંગા સહિતના ગામોમાં ખેતરો પાણીમાં ગરકાવ થઈ ગયા છે. ભાટિયા, રાવલ, ટંકારિયા, પાનેલી, ભોગાત, નાવદ્રા અને ધૂમથર જેવા ગામોમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો.
રેડ એલર્ટ જાહેર
હવામાન વિભાગે કચ્છ, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જુનાગઢ, ગીર સોમનાથ, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં સાંજે 7 વાગ્યા સુધી રેડ એલર્ટ જાહેર કર્યું છે.
ઓરેન્જ એલર્ટ
બનાસકાંઠા, અરવલ્લી, મહિસાગર, દાહોદ, પંચમહાલ, વડોદરા, છોટા ઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી અને ડાંગ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યો છે. અન્ય જિલ્લામાં યલો એલર્ટ છે.
સવારે 6 થી બપોરે 2 સુધીનો વરસાદ
આજે સવારે 6 થી બપોરે 2 વાગ્યા સુધી કલ્યાણપુરમાં 4.25 ઇંચ, જૂનાગઢના માંગરોળમાં 3.75 ઇંચ અને ઉમરગામમાં 1.75 ઇંચ વરસાદ નોંધાયો છે. કુલ 39 તાલુકામાં વરસાદ પડ્યો હતો, જેમાંથી 23 તાલુકામાં અડધા ઇંચથી વધુ વરસાદ થયો છે. કલ્યાણપુરમાં થયેલા સાર્વત્રિક વરસાદથી ખેડૂતોમાં ખુશી છવાઈ છે. કપાસ, મગફળી અને સોયાબીન જેવા પાક માટે આ વરસાદ ‘કાચા સોના’ સમાન સાબિત થયો છે.
આ પણ વાંચો
- Ahmedabad ના સહજાનંદ માર્કેટમાં વેપારીએ કારીગર પાસેથી ₹5.5 લાખનું સોનું છેતર્યું
- Chattisgarh: ટોચના માઓવાદી નેતા રાજુ સલામ સહિત ૧૦૦ થી વધુ નક્સલીઓએ આત્મસમર્પણ કર્યું! તેમણે બીએસએફ કેમ્પમાં હથિયારો મૂક્યા
- Zelensky: ઝેલેન્સકી-ટ્રમ્પ મુલાકાત પહેલા યુક્રેનિયન પ્રતિનિધિમંડળે અમેરિકામાં શસ્ત્ર કંપનીઓની મુલાકાત લીધી
- France શું ફ્રાન્સમાં લોકશાહીનો અંત આવશે? લુઇસ XVI ના વંશજ ઉથલપાથલ વચ્ચે સક્રિય થયા
- taliban: પાકિસ્તાને તાલિબાનના ‘બારીકોટ’ કેમ્પ પર હુમલો કર્યો, નુકસાનની તસવીરો સામે આવી