Parthivrajsinh Kathwadia Congress: રાજીવ ગાંધી ભવન ખાતે વિશેષ પત્રકાર પરિષદને સંબોધતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવક્તા ડો પાર્થિવરાજસિંહ કઠવાડીયાએ જણાવ્યું હતું કે ઈરાન ઈઝરાયેલ અમેરિકા યુદ્ધના લીધે સમગ્ર વિશ્વનો વેપાર કટોકટી ની સ્થિતિમાં મુકાઈ ગયો છે. એક્સપોર્ટ ઈમ્પોર્ટ ના ઉદ્યોગ ઉપર ગંભીર આફત આવી પડી છે. યુદ્ધની સ્થિતિ ના લીધે યુ.એ.ઇ ના ખોરફક્કન પોર્ટ અને ઓમાનના સોહાર પોર્ટ ઉપર દક્ષિણ એશિયાઈ દેશોના ૨૯૦૦૦ થી વધુ કન્ટેનર અટવાઈ પડ્યા છે જેમાં ગુજરાત ભારતના ૫૫૦૦ વધુ કન્ટેનરો છે. ગુજરાત ભારત બટાકા, તરબૂચ, માછલી, સી ફૂડ, શાકભાજી, ડેરી પ્રોડક્ટ જેવી નાશવંત (perishable) કોમોડિટી એક્સ્પોર્ટ કરે છે. ખોરફક્કન પોર્ટ ઉપર ૮૦૦ થી વધુ રીફર કન્ટેનરો એટલે રેફ્રિજરેટેડ કન્ટેનરો ઉતારી દેવામાં આવ્યા છે. જે કન્ટેનરોને ને ઠંડા રાખવા માટે ઇલેક્ટ્રિક પ્લગ્સ ની વ્યવસ્થાની જરૂર હોય છે ત્યારે તે પોર્ટ ની કેપેસિટી ઓછી હોવાથી પોર્ટ ઉપર માત્ર ૧૨૦ જેટલા પ્લગ્સ ઉપલબ્ધ છે ત્યારે તે પોર્ટ ઉપર નો નાશવંત માલ સંપૂર્ણ સડી કે બગડી જાય તેવી પરિસ્થિતિમાં છે. કન્ટેનરો ને પાછા બેક ટુ ટાઉન એટલે ભારત લાવવાનો મોટો ખર્ચ ઉપાડવો પડે તેવી પરિસ્થિતિ છે. પ્રતિ કન્ટેનર દીઠ આશરે ૫૦૦૦૦૦ નો ખર્ચ થાય તેમ છે. જો બંને પોર્ટ ઉપરનાં ૫૫૦૦ કન્ટેનરો ના પાછા ભારત લાવવામાં આવે તો તેનો ખર્ચ ૨૭૫ કરોડ એક્સપોર્ટરો ના માથે જાય તેવી પરિસ્થતિ છે. કેટલીક કોમોડિટીમાં માં કન્ટેનરની કિંમત કરતા પાછા લાવવાની કિંમત વધી જાય છે તેવી પરિસ્થિતિ ઊભી થઈ છે.

રમઝાન ઈદ ના સમયે ગુજરાતના ખાસ કરી અમદાવાદ અને સુરતના ગારમેન્ટ કપડા ઉદ્યોગ ગલ્ફ દેશો જોડે ૧૫૦૦ કરોડ નો વેપાર કરે છે. યુદ્ધના લીધે ગારમેન્ટ એક્સ્પોર્ટ ઉદ્યોગને ૧૫૦૦ કરોડ ના નુકશાનનો ફટકો પડે તેવી સ્થિતિમાં આવી ગયું છે. સમયે માલ ના પહોંચે, ઓર્ડર રદ્દ થાય અને કન્ટેનરો અટવાવવાથી ગારમેન્ટ ઉદ્યોગ ની સ્થિતી ડામાડોળ થઈ છે. ગુજરાત રાજ્યમાં થી કેસર કેરી અને અન્ય કેરીનો આશરે ૫૦૦ કરોડનો ગલ્ફ જોડે વેપાર થાય છે. યુદ્ધ લંબાશે તો કેરી ના એક્સ્પોર્ટ ઉપર ગંભીર અસર કરશે. જેના લીધે કેરી એક્સપોર્ટરો સહિત સૌરાષ્ટ્ર, કચ્છ અને દક્ષિણ ગુજરાતના ખેડૂતો ઉપર વ્યાપક અસર થશે.યુદ્ધની પરિસ્થિતિમાં એક્સપોર્ટરો બરબાદ થઈ જાય તેવી પરિસ્થિતિમાં કેન્દ્ર સરકાર દ્વારા એક્સપોર્ટરોને બચાવવા રાહત પેકેજ માટે ની વ્યવસ્થા ઉભી કરવી જોઈએ, ત્યાં સરકાર મગ નું નામ મરી નથી પાડતી. યુવા પેઢી જે સ્ટાર્ટ અપ ના નામે એક્સપોર્ટ ઈમ્પોર્ટ જોડે જોડાયેલી હશે તેને આ નુકશાનની અસર ના ભોગવવી પડે તે દિશામાં સરકારે વિચારવું જોઈએ.