આમ આદમી પાર્ટીના(AAP) ડેડીયાપાડાના ધારાસભ્ય Chaitar vasavaએ ગંભીર મુદ્દા પર વીડિયોના માધ્યમથી પોતાની વાત રજૂ કરતા જણાવ્યું હતું કે, 16 તારીખે રાત્રે મને એક ફોન આવ્યો અને શાંતિલાલ વસાવા નામના વ્યક્તિએ મારી સાથે ગાળાગાળી કરી હતી. તેની પૂરી હકીકત એવી છે કે ડેડીયાપાડા તાલુકાના નિંગટ ગામ ખાતે શિવમ પાર્ક હોટલ આવેલી છે, ત્યાં શાંતિલાલ વસાવા નોકરી કરતા હતા. તેમણે લોકસભા ચૂંટણી દરમિયાન આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ અને નેતાઓ તેમની હોટલમાં જમ્યા છે તેમ કરીને શાંતિલાલ અમારી પાસે આવ્યા હતા અને 50,000 નું બિલ રજૂ કર્યું હતું. જૂન મહિનામાં મેં એમને 50000 રૂપિયા ચૂકવ્યા હતા. 30,000 રૂપિયા મેં રોકડા આપ્યા હતા અને 20,000 રૂપિયા તેમની દીકરી સપનાના ખાતામાં ફોન પે કરીને આપ્યા હતા. પૈસા આપ્યા હોવા છતાં પણ તેમણે 16 તારીખે રાત્રે મને ફોન કરીને ગાળાગાળી કરી.

આ બાબતને લઈને મેં સ્થાનિક આગેવાન નરપતભાઈ, માધવ સિંહ અને માજી સરપંચને જાણ કરી. એ લોકોએ શાંતિલાલ ભાઈને સમજાવ્યા ગાળાગાળી કરવાના બદલે સવારે ધારાસભ્યને જઈને મળીશું તેમ કહ્યું. હકીકત એવી છે કે એમણે જે વાત કરી છે કે ચૈતરભાઈ વસાવાના માણસો તેમની હોટલમાં જમી ગયા છે તે વાત તદ્દન ખોટી છે. હું લોકસભા ચૂંટણી દરમિયાન ફક્ત એક બે દિવસ માટે જ ડેડીયાપાડા આવ્યો હતો. હું તે હોટલ પર ક્યારે ગયો નથી તેમ છતાં પણ તેઓ 50,000 રૂપિયા મારી પાસેથી લઈ ગયા છે. અને હવે તેઓ ફરીથી 1,28,000ની માંગણી કરે છે. આ તદ્દન ગેરવ્યાજબી માંગ છે.

શાંતિલાલભાઈ કહે છે કે તેમના ઘરે જઈને અમે તેમને ઢોર માર્યો છે તે વાત તદ્દન પાયાવિહોણી છે. જે રીતે શાંતિલાલભાઈએ અમારી સાથે ગાળાગાળી કરી તેનો વિડીયો અને તમામ પુરાવાઓ લઈને અમે પોલીસ સમક્ષ અરજી કરી છે. હોટલના માલિક સહિત તમામના નિવેદન લેવામાં આવે તો આ વાતનું સત્ય બહાર આવશે અને જે પણ જવાબદાર લોકો આમાં સંડોવાયેલા છે તેમના વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવે તેવી અમારી માંગ છે.