Donald Trump Tariff : અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે દિવાળી પૂર્વે જ દવા ઉદ્યોગ પર 100 ટકા ટેરિફ લાદવાની જાહેરાત કરી છે. આ નિર્ણયથી દેશભરના ફાર્મા ઉદ્યોગોમાં ચિંતાની લાગણી છે, કારણ કે તેનો વ્યાપક અસરકારક પ્રભાવ ગુજરાત પર પણ પડી શકે છે. અમેરિકા ભારતમાંથી દર વર્ષે આશરે 12 અબજ ડોલરની દવાઓ તથા અન્ય ફાર્માસ્યુટિકલ પ્રોડક્ટ્સની આયાત કરે છે, જેમાં ગુજરાતનો ફાળો નોંધપાત્ર છે.
ગુજરાત ભારતના ફાર્માસ્યુટિકલ ઉત્પાદન ક્ષેત્રમાં 33 ટકા હિસ્સો ધરાવે છે, જ્યારે અમેરિકામાં થતી નિકાસમાં તેનો હિસ્સો લગભગ 30 ટકા જેટલો છે. વડોદરા ફાર્માસ્યુટિકલ મેન્યુફેકચરર એસોસિએશનના પ્રમુખ ભરત દેસાઈએ જણાવ્યું કે, ગુજરાતમાંથી જ ચાર અબજ ડોલરની ફાર્મા પ્રોડક્ટ્સની નિકાસ અમેરિકામાં થાય છે. તેમાં વડોદરા સહિત મધ્ય ગુજરાતના દવા ઉદ્યોગોનો ફાળો લગભગ 25 થી 30 ટકા છે. જો ટ્રમ્પનો આ ટેરિફ અમલમાં આવશે તો મધ્ય ગુજરાતની 10,000 કરોડ રૂપિયાથી વધુની નિકાસ પર સીધી અસર થઈ શકે છે.
જેનેરિક દવાઓ પર સ્પષ્ટતા બાકી
ટેરિફ અંગે હજી કેટલાક મુદ્દાઓ સ્પષ્ટ નથી. જાણકારોના જણાવ્યા મુજબ ટ્રમ્પની જાહેરાત મુજબ હાલ તો બ્રાન્ડેડ પેટન્ટેડ દવાઓ પર જ 100 ટકા ટેરિફ લાદવાની વાત છે. જોકે બ્રાન્ડેડ જેનેરિક દવાઓને લઈને હજી સ્પષ્ટતા નથી. ગુજરાત સહિત ભારતમાંથી અમેરિકામાં થતી નિકાસમાં 80 ટકા દવાઓ જેનેરિક કેટેગરીની છે. જો આ દવાઓ ટેરિફમાંથી મુક્ત રહેશે તો ઉદ્યોગોને મોટો ફટકો નહીં પડે. પરંતુ બ્રાન્ડેડ જેનેરિક દવાઓને પણ ટેરિફના કક્ષામાં લાવવામાં આવશે તો ચોક્કસપણે ભારતની નિકાસ પર ગંભીર અસર થશે.
અમેરિકા કઈ દવાઓ આયાત કરે છે
ભારત અને ખાસ કરીને ગુજરાતમાંથી અમેરિકામાં જે દવાઓની નિકાસ થાય છે તેમાં એન્ટી કેન્સર, એન્ટી ડાયાબિટિક, પેઇન કિલર, પેરાસિટામોલ, એન્ટી બાયોટિક્સ અને કાર્ડિઓવાસ્ક્યુલર ડિસિઝની દવાઓનો સમાવેશ થાય છે. આ તમામ દવાઓ અમેરિકામાં દર્દીઓ માટે અત્યંત જરૂરી છે અને તે ભારતમાંથી મોટા પાયે આયાત થાય છે.
અન્ય દેશોમાં પણ નિકાસ
ગુજરાતમાં બનતી દવાઓ ફક્ત અમેરિકામાં જ નહીં પરંતુ દક્ષિણ અમેરિકા, આફ્રિકા, યુરોપ તથા સાઉથ ઈસ્ટ એશિયાના અનેક દેશોમાં પણ નિકાસ થાય છે. જો અમેરિકાની નિકાસમાં ઘટાડો થશે તો ગુજરાતના ઉદ્યોગોને અન્ય દેશોના માર્કેટ પર વધારે ભાર મૂકવો પડશે. જોકે નવા બજારો ઉભા કરવામાં સમય લાગશે અને તાત્કાલિક અસર ઉદ્યોગ પર પડશે.
અમેરિકાને ભારતનો વિકલ્પ ઉભો કરવામાં વર્ષો લાગી શકે
સૂત્રોના જણાવ્યા મુજબ જો અમેરિકાએ ભારતમાંથી આયાત થતી તમામ દવાઓ પર 100 ટકા ટેરિફ લાદ્યો તો એ મુશ્કેલીમાં ફસાઈ જશે. હાલ પણ અમેરિકામાં વેચાતી દવાઓની કિંમત ભારત કરતા ચાર ગણી વધારે છે. અમેરિકાને ભારતના વિકલ્પ રૂપે કોઈ દેશ ઉભો કરવામાં ઓછામાં ઓછા 8 થી 10 વર્ષ લાગી શકે છે. અમેરિકા ઘરઆંગણે ભારત જેવી સસ્તી અને મોટા પાયે દવાઓનું ઉત્પાદન કરવા સક્ષમ નથી.
ગુજરાત માટે મોટો પડકાર
ટ્રમ્પનો આ નિર્ણય ગુજરાતના ફાર્મા ઉદ્યોગો માટે મોટો પડકાર બની શકે છે. હાલ ઉદ્યોગો બહાર પડનારા નોટિફિકેશનની રાહ જોઈ રહ્યા છે જેથી ચિત્ર વધુ સ્પષ્ટ થાય. પરંતુ જો બ્રાન્ડેડ જેનેરિક દવાઓ પર પણ ટેરિફ લાગશે તો લાખો કરોડ રૂપિયાના નિકાસ ધંધા પર સીધી અસર થશે. આમ, દિવાળી પહેલા ટ્રમ્પના આ નિર્ણયે ગુજરાતના દવા ઉદ્યોગમાં ચિંતા વધારી છે.
આ પણ વાંચો
- Accident: ભયાનક અકસ્માતમાં ચાર લોકોના મોત: ઉદયપુર-અમદાવાદ હાઇવે પર પાંચ વાહનો અથડાયા, જેના કારણે રસ્તા પર માંસના ટુકડા વિખેરાઈ ગયા
- Bangladeshમાં 15 સૈન્ય અધિકારીઓની અટકાયત, આતંકવાદના આરોપસર ધરપકડનો આદેશ જારી
- Israel: ડ્રોન ફૂટેજમાં બે વર્ષના યુદ્ધની અસર, પેલેસ્ટિનિયનો ખંડેરમાં પાછા ફર્યા; યુએસ સૈનિકો ઇઝરાયલમાં પહોંચ્યા
- Biden: ઝડપથી ફેલાતા પ્રોસ્ટેટ કેન્સર સામે લડી રહેલા ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ જો બિડેન રેડિયેશન અને હોર્મોન થેરાપીમાંથી પસાર થઈ રહ્યા છે
- Draupadi Murmu: “અમારી વાત સાંભળવામાં આવતી નથી,” રાષ્ટ્રપતિ મુર્મુએ સાસણ ગીરની મુલાકાત લેતા આદિવાસી મહિલાઓની ફરિયાદ