Isudan Gadhvi News: આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ Isudan Gadhviએ વિડીયોના માધ્યમથી ભાજપના વિકાસ સપ્તાહની ઉજવણી પર આકરા સવાલો ઉઠાવતા જણાવ્યું હતું કે, ભાજપે નરેન્દ્ર મોદીના શાસનના 24 વર્ષ પૂર્ણ થવાથી 7 થી 15 તારીખ સુધી વિકાસ સત્તાની ઉજવણી કરવાનું નક્કી કર્યું છે. મંત્રીઓ, ભાજપના નેતાઓ લોકોની વચ્ચે જઈને વિકાસ સત્તાની ઉજવણી કરશે અને પછી પ્રતિજ્ઞા લેશે. હું એમને પૂછવા માંગુ છું કે તમે એવો તે કયો વિકાસ કર્યો છે? 30 વર્ષમાં તમે Gujaratમાં બેરોજગાર યુવાનોને રોજગારી નથી આપી શક્યા, મહિલાઓને ન્યાય નથી આપી શકતા, મહિલાઓ ઉપર અત્યાચાર થઈ રહ્યો છે, ગુજરાતમાં 9000 જેટલા પરિવારોએ આર્થિક સંકળામણ, સિસ્ટમના વાંકે આપઘાત કર્યા છે, બેરોજગાર યુવાનો ઉપર તમે લાઠી વરસાવી છે. ખેડૂતો પણ પાયમાલ થઈ ગયા છે, ખેડૂતોને ભાવ નથી મળતા. 11 વર્ષ પહેલાં ખેડૂતોને જે ભાવ મળતા હતા એ ભાવ પણ અત્યારે નથી મળતા અને મોંઘવારી ચારેબાજુથી વધી ગઈ છે. શહેરોમાં કે ગામડાઓમાં તમે સારી સ્કૂલો નથી બનાવી શકતા. આજે શહેરમાં રહેતા મધ્યમ વર્ગના લોકોને શાળા અને આરોગ્યની સુવિધાઓ માટે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. તો પછી તમે શેનો સંકલ્પ અને પ્રતિજ્ઞા લેવાના છો?
જો તમારે પ્રતિજ્ઞા લેવી હોય તો એવી પ્રતિજ્ઞા લો કે તમે આજથી ગુજરાતમાં દરેક ખેડૂતને ભાવ મળે એનો સંકલ્પ લઈએ છીએ, ખેડૂતોની મંજૂરી વગર તેમના ખેતરોમાં વીજળીના થાંભલા નાખવામાં આવે છે તે નહીં નાખીએ તેવો સંકલ્પ લો, દરેક યુવાનને સરકારી નોકરી, રોજગારી આપીશું એનો સંકલ્પ લો, જે ગરીબોને ન્યાય નથી મળતો એમને ન્યાય મળશે એનો સંકલ્પ લો, ગરીબોના ઝૂંપડાઓ-નાના મકાનો તોડીને ઉદ્યોગપતિઓને તે જમીન આપી રહ્યા છો એ નહીં આપીએ એનો સંકલ્પ લો, તમે આદિવાસી સમાજની ઘોર ખોદી નાખી છે આદિવાસી અને ગરીબ સમાજને તમે ચૂસી લીધો છે મનરેગામમાં કૌભાંડ કરીને પૈસા લૂંટી લીધા છે એ પૈસા તેમને પાછા આપીને જેટલા પણ કૌભાંડીઓ છે એમને જેલમાં નાખીશું એવો સંકલ્પ લો.
તમે પ્રજાની વચ્ચે જશો તો ખરા પરંતુ પ્રજા પણ હવે સમજદાર છે. ખાડાઓમાંથી તમે રથ કાઢશો એ પ્રજા પણ જોશે. રસ્તામાં ખાડા છે કે ખાડામાં રસ્તો છે એ નથી ખબર પડતી અને એનો સવાલ તમને પ્રજા પૂછશે તો તમે કઈ રીતે મોઢું બતાવશો? ખેડૂતોની વચ્ચે જશો તો ખેડૂતો પણ સવાલ કરશે. મહિલાઓ, બેરોજગાર યુવાનો પણ તમને સવાલ કરશે. ઘણી બધી જગ્યાએ શિક્ષણ ફીના નામે લુંટ ચાલે છે એ મધ્યમ વર્ગના લોકો તમને સવાલ કરશે તો તમે જવાબ શું આપશો? આવી પરિસ્થિતિમાં તમારે ઉભી પૂંછડીએ ભાગવું પડશે. તમે ગુજરાત સાથે બહુ મોટી છેતરપિંડી કરી છે. બિહારમાં 75 લાખ મહિલાઓના ખાતામાં 10,000 રૂપિયા નાખવામાં આવ્યા તો ગુજરાતની મહિલાઓએ તમારી સાથે શું વેર કર્યું છે? ગુજરાતની મહિલાઓને તમે 30 વર્ષમાં કશું નથી આપ્યું. તમે બિહારમાં વીજળી ફ્રી આપવાની જાહેરાત કરો છો. અહીંયા આમ આદમી પાર્ટી ફ્રી વીજળી અને દરેક મહિલાઓને ₹1,000 સન્માન રાશિ આપવાની વાત કરતી હતી ત્યારે તમે આ ફ્રી ની રેવડી નથી જોતી એવું કહેતા હતા.અને તમે તો બધું ફ્રીમાં વાપરો છો. તમે શું કરવા માંગો છો એ નક્કી કરો.
જે રાજનીતિમાં હોય એની એક વિચારધારા હોય અને એ જે બોલે એને પાડવાનું હોય. મહારાષ્ટ્રમાં બહેનોને પેકેજ આપ્યા, રાજસ્થાનમાં ગેસ સિલિન્ડર આપ્યા, મધ્યપ્રદેશમાં લાડકી યોજના અંતર્ગત દર મહિને 1500 રૂપિયા મહિલાઓને આપતા હતા. બિહારમાં બેરોજગારી ભથ્થું પણ આપો છો પરંતુ ગુજરાતના બેરોજગાર યુવાનો લાઠીઓ ખાય છે. રોજગાર નહીં મળવાને કારણે ગામે ગામ કુવારા યુવાઓની સંખ્યા વધી રહી છે એમને કોઈ દીકરીઓ આપવા તૈયાર નથી. ફેક્ટરીઓમાં સ્થાનિક રોજગારી મળતી નથી, સરકારી નોકરીઓમાં પરીક્ષાના પેપર ફૂટી જાય છે. લાગવગ શાહીથી બધું ચાલી રહ્યું છે. તો શું ગુજરાતના યુવાઓને તમે બેરોજગારી ભથ્થું આપશો? આ સપ્તાહની ઉજવણીમાં ગુજરાતની જનતા તમને સવાલો કરશે અને તમારે એના જવાબો આપવા પડશે.