Dahod: ગુજરાતમાં દાહોદ જિલ્લાના લીમડીયા ગામમાં પોલીસે નકલી નોટ છાપતી ગેંગનો પર્દાફાશ કર્યો છે. રાજસ્થાનના બાંસવાડામાં સામે આવેલા નકલી ચલણના કેસ સાથે સંબંધિત નંબરોને ટ્રેસ કર્યા પછી આ કાર્યવાહી કરવામાં આવી છે. પોલીસને શંકાસ્પદ નંબર પૈકી એક લીમડીયા ગામના માંડલી ફળિયામાં રહેતા કાનજી ગરાસિયા નામના વ્યક્તિનો હોવાનું જાણવા મળ્યું હતું.
પોલીસનું કહેવું છે કે કાનજી ગરાસિયાના ઘરે દરોડા દરમિયાન પોલીસને આવા 143 કાગળો મળ્યા હતા જેના પર 500 રૂપિયાની અસલી નોટની જેમ લીલી પટ્ટી છપાયેલી હતી. આ ઉપરાંત 332 ઝેરોક્ષવાળા કાગળો અને 14 પ્રિન્ટેડ કાગળની સાથે 42 નોટો પણ મળી આવી હતી. પોલીસે સ્થળ પરથી કાનજી અને તેની પત્ની અશ્વિનાબેનની ધરપકડ કરી કોર્ટમાં રજૂ કરી સાત દિવસના રિમાન્ડ મેળવ્યા હતા.
પૂછપરછ દરમિયાન આ ગેંગ માત્ર ગુજરાતમાં જ નહીં પરંતુ દેશના આઠ રાજ્યોમાં સક્રિય હોવાનું બહાર આવ્યું હતું. તેનો માસ્ટરમાઇન્ડ હૈદરાબાદનો હુસૈન પીરા છે. જેની ડિસેમ્બર 2024માં તેલંગાણામાં ધરપકડ કરવામાં આવી હતી અને હાલમાં તે હૈદરાબાદ જેલમાં બંધ છે. બાંસવાડામાં સામે આવેલા નકલી ચલણ કૌભાંડમાં પણ તેની ભૂમિકા જોવા મળી છે.
દાહોદના પોલીસ અધિક્ષક ડો.રાજદીપસિંહ ઝાલાના જણાવ્યા મુજબ આ ટોળકીની ઓળખ ટેકનીકલ એનાલીસીસ દ્વારા કરવામાં આવી હતી. હુસૈન પીરા આદિવાસી વિસ્તારોમાં રહેતા યુવાનોને નિશાન બનાવે છે અને તેમને ટ્રેનિંગ માટે હૈદરાબાદ બોલાવે છે. આ ટોળકી પીડીએફ ફોર્મેટમાં નકલી નોટો મોકલે છે અને રિમોટ એક્સેસ દ્વારા છાપવામાં મદદ કરે છે.
આ કેસમાં અત્યાર સુધીમાં પાંચ લોકોની ધરપકડ કરવામાં આવી છે. જેમાં કાનજી ગરાસિયા, તેની પત્ની અશ્વિનાબેન, મુકેશ કામોલ (છાલોર ગામ), રાકેશ પારગી (વાંગરા ગામ) અને હરીશચંદ્ર પંચાલ (પેથાપુર ગામ)નો સમાવેશ થાય છે.