આમ આદમી પાર્ટીના(AAP) કિસાન સેલના પ્રદેશ પ્રમુખ રાજુભાઈ કરપડાની આગેવાનીમાં આવતીકાલે 15 સપ્ટેમ્બર રવિવારના રોજ એક મહત્વપૂર્ણ ખેડૂત મીટીંગ થવા જઈ રહી છે. સુરેન્દ્રનગર જિલ્લાના મુળી તાલુકાના પલાસા ગામ ખાતે આવેલ રામજી મંદિરમાં સાંજે છ વાગે આ ખેડૂત મિટિંગનું આયોજન થવા જઈ રહ્યું છે. આ મિટિંગમાં મોટી સંખ્યામાં ખેડૂત આગેવાનો, ખેડૂત મિત્રો, યુવાનો અને આમ આદમી પાર્ટીના પણ મોટી સંખ્યામાં પદાધિકારીઓ અને કાર્યકર્તાઓ હાજર રહેશે. આ ચોમાસામાં સમગ્ર ગુજરાત સહિત ખાસ કરીને સૌરાષ્ટ્રના ખેડૂતોને મોટાપાયે નુકસાન થયું છે. તેમ છતાં પણ હજુ સરકાર દ્વારા ખેડૂતોને યોગ્ય વળતર આપવામાં આવ્યું નથી.
સરકાર દ્વારા કહેવામાં આવ્યું છે કે પાક નુકસાનનો સર્વે થઈ ગયો છે પરંતુ ખેડૂતોને આ પાક નુકસાનના સર્વે મુદ્દે અનેક શંકાઓ છે. ખેડૂતોનું માનવું છે કે પાક નુકસાનનો સર્વે અધૂરો છે, શંકાસ્પદ છે અને આયોજન વગરનો છે. આ સિવાય ખેડૂતોનો વધુ એક મુદ્દો હશે કે ખેડૂતોને કાયમી સિંચાઈનું પાણી મળી રહે તે માટે લડત કમિટી બનાવવી. ત્યારબાદ પીજીવીસીએલ દ્વારા વારંવાર કરવામાં આવતા ખોટા કેસોથી ખેડૂતોને ખૂબ જ હેરાનગીથી થઈ રહી છે, તે મુદ્દે પણ ચર્ચા કરવામાં આવશે. આ સિવાય છેલ્લા ઘણા વર્ષોથી ચર્ચાતા એમ એસ પીના કાયદા વિશે પણ વાત કરવામાં આવશે અને ખેડૂતોના દેવા માફીની પણ ચર્ચા કરવામાં આવશે.