Shaktisinh Gohil News: ગુજરાતના અમદાવાદથી મોટા સમાચાર સામે આવ્યા છે.અમદાવાદના જજીસ બંગલો રોડ પર આવેલા NRI ટાવરમાં મોડી રાત્રે કોંગ્રેસ નેતા શક્તિસિંહ ગોહિલના સગા ભત્રીજા અને ક્લાસ-1 અધિકારી યશરાજસિંહ દુર્ગેશસિંહ ગોહિલ રિવોલ્વર ફેરવતા હતા તે સમયે અકસ્માતે પત્ની રાજેશ્વરી ગોહિલના ગળામાં ગોળી વાગી ગઈ

દંપતી કાલે જમવા માટે એક સબંધીના ઘરે ગયા હતા, જમીને ઘરે પરત આવ્યા ત્યારબાદ આ બનાવ બન્યો હતો. બનાવ સમયે ઘરમાં યશરાજના 60 વર્ષીય માતા બીજા રૂમમાં હાજર હતા.

આ મામલે ક્રાઈમ બ્રાન્ચની ટીમ અને વસ્ત્રાપુર પોલીસ ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે. ઘટનાને પગલે NRI ટાવરના ગેટ બંધ કરી ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. ફ્લેટના રહીશો સિવાય કોઈપણ વ્યક્તિને અંદર પ્રવેશ આપવામાં આવી રહ્યો નથી. મૃતક રાજેશ્વરી ગોહિલ ગુજરાત મેરિટાઇમ બોર્ડમાં અધિકારી તરીકે ફરજ બજાવતા હતા. થોડા સમય અગાઉ જ પ્રમોશન મળતા વર્ગ 2માંથી વર્ગ 1 થયા હતા.

મૃતક પતિએ ભૂલથી ગોળી વાગી હોવાનો 108માં કોલ કર્યો હતો 108 ઈમરજન્સી સેવાના જણાવ્યા મુજબ રાતે 11.45 વાગ્યા આસપાસ 108માં કોલ મળ્યો હતો. જેથી તાત્કાલિક 5 મિનિટમાં એમ્બ્યુલન્સ ઘટનાસ્થળે પહોંચી હતી. મૃતક પતિએ ભૂલથી ગોળી વાગી છે એવો કોલ 108માં કર્યો હતો. જ્યારે ત્યાં પહોંચ્યા ત્યારે મહિલાને તપાસતા તેઓ મૃત હતા. જેથી પેરામેડિકલ સ્ટાફ બહાર ડોક્ટર સાથે ફોન પર વાત કરતા હતા, ત્યારે પતિએ પોતાને પણ ગોળી મારી દીધી હતી. જેથી 108 સ્ટાફ દ્વારા પોલીસને જાણ કરતા પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી હતી.

બંનેએ માનતા રાખી હોવાથી બીજના દર્શન કરવા ગયા હતા યશરાજસિંહ ગોહિલના નજીકના લોકોના જણાવ્યા અનુસાર બે દિવસ પહેલા જ યશરાજસિંહ અને તેમની પત્ની બંને સોલા પાસે આવેલા રણુજા મંદિરમાં દર્શન કરવા માટે ગયા હતા. માનતા રાખી હોવાથી તે પૂરી કરવા માટે બંને જણા બીજના દિવસે દર્શન કરવા માટે ગયા હતા. પાસપોર્ટ માટેની પ્રક્રિયા પણ ચાલી રહી હતી અને નજીકના દિવસોમાં જ વિદેશ જવાના હતા. યશરાજસિંહને ગાડી અને બંદૂકનો ખૂબ શોખ હતો. જો કે, કોઈપણ પ્રકારનું વ્યસન નહોતું.

પોતાના હાથે જ પત્નીનું મોત થયું હોવાનું જોઈને યશરાજ ગોહિલ ભારે આઘાતમાં સરી પડ્યા હતા. પત્નીના મોતના પસ્તાવા અને આઘાતને જીરવી ન શકતા, યશરાજે તે જ રિવોલ્વરથી પોતાની જાતને ગોળી મારીને આત્મહત્યા કરી લીધી હતી. આમ, ગણતરીની મિનિટોમાં જ એક હસતો-રમતો પરિવાર વેરવિખેર થઈ ગયો.

DCP સહિતનો પોલીસ કાફલો સ્થળ પર પહોંચ્યો હતો.

બંનેના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે મોકલવામાં આવ્યા બનાવ બનતા આસપાસના લોકો ભેગા થયા હતા. પોલીસને જાણ કરતા ઝોન 1 ડીસીપી, ક્રાઈમ બ્રાન્ચની ટીમ સહિતનો કાફલો સ્થળ પર પહોંચ્યો હતો. સમગ્ર બનાવમાં દંપતીનું મોત થયું છે. પોલીસે બંનેના મૃતદેહ પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા છે. હાલ ઝઘડાનું કારણ જાણવા મળ્યું નથી, વસ્ત્રાપુર પોલીસ દ્વારા સમગ્ર મામલે તપાસ કરવામાં આવી રહી છે.