CM Bhupendra patel: વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી પ્રેરિત દેશવ્યાપી મહાઅભિયાન ‘એક પેડ માં કે નામ’ને શહેરી વિસ્તારો સુધી પહોંચાડવાના ઉમદા અભિગમ અંતર્ગત તા. ૩૧મી ઓગસ્ટ સુધી સમગ્ર રાજ્યમાં અર્બન ફોરેસ્ટ ઉભા કરવાનું અભિયાન યોજાઈ રહ્યું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અર્બન ફોરેસ્ટ અભિયાનનો આરંભ ગાંધીનગર મહાનગરપાલિકા વિસ્તારના કોબા ખાતેથી વડના વૃક્ષ વાવીને કરાવ્યો હતો.
વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ તા. ૫મી જૂન, ૨૦૨૪ના રોજ વિશ્વ પર્યાવરણ દિવસે આ ‘એક પેડ માં કે નામ’ અભિયાનનું આહવાન કર્યું હતું. પર્યાવરણ બચાવવાના વડાપ્રધાનના ઉમદા અભિગમને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગ્રામ્યની સાથે સાથે શહેરી વિસ્તાર સુધી લઇ જવા માટે સમગ્ર રાજ્યમાં આગામી તા. ૩૧મી ઓગસ્ટ, ૨૦૨૪ સુધી અર્બન ફોરેસ્ટ મહાઅભિયાનનું આયોજન કરવામાં આવ્યું છે. આ અભિયાનનો આરંભ ગાંધીનગર મહાનગરપાલિકા વિસ્તારમાં સમાવિષ્ટ કોબા ખાતેથી મુખ્યમંત્રીના હસ્તે કરવામાં આવ્યો હતો.
અર્બન ફોરેસ્ટ અભિયાન અન્વયે રાજ્યના શહેરોમાં વન-વૃક્ષનો વિસ્તાર વધારવાના લક્ષ્યાંક સાથે રાજ્યની મહાનગરપાલિકાઓ, ૧૫૭ નગરપાલિકાઓ અને તમામ ૧૬૫ યુએલબીમાં ‘એક પેડ માં કે નામ’ અંતર્ગત અર્બન ફોરેસ્ટ મહાઅભિયાન યોજવામાં આવ્યું છે.
સરકારની સાથે સાથે પર્યાવરણના રક્ષણની વ્યક્તિગત જવાબદારી વિશે લોકોમાં વધુ જાગૃતિ લાવવા તમામ શહેરોમાં શહેરી વનીકરણ, મિયાવાકી વન અને ગ્રીન સ્પેસ સાથે સબંધિત અન્ય કાર્યક્રમો નાગરિકો, મહાનુભાવો તેમજ વિવિધ સંસ્થાઓની સહભાગીતા સાથે યોજાશે.
‘એક પેડ માં કે નામ’ વિશેષ મહાઅભિયાનમાં મહાનગરપાલિકા-નગરપાલિકા વિસ્તારમાં વોર્ડ દીઠ અથવા ઝોન દીઠ વિશેષ જગ્યા પર વૃક્ષારોપણ કરવામાં આવનાર છે. વૃક્ષારોપણ થયેલ રોપાઓના જતન માટે આ જગ્યાને ફરતે સુરક્ષા માટે ફેન્સીંગ/દીવાલ પણ બનાવવામાં આવશે.
ગાંધીનગર મહાનગરપાલિકા વિસ્તારમાં કોબાથી અર્બન ફોરેસ્ટ અભિયાનનો આરંભ મુખ્યમંત્રીએ કરાવ્યો હતો અને ઉપસ્થિત સર્વે મહાનુભાવોના હસ્તે એક-એક વૃક્ષ રોપવામાં આવ્યું હતું. કોબા ખાતે ૪૭૦૦થી વધુ ચો.મીટરના પ્લોટમાં અર્બન ફોરેસ્ટનું નિર્માણ થશે. જેમાં લીમડો, આંબો, આંબલી, બોરસલી, આમળા જેવા કુલ મળીને ૧૫૦૦ જેટલા રોપાઓનું વાવેતર કરવામાં આવશે.
અર્બન ફોરેસ્ટ અભિયાનના આરંભ પ્રસંગે ગાંધીનગર મહાનગરપાલિકાના મેયર મીરાબેન પટેલ, ગાંધીનગર(દ)ના ધારાસભ્ય અલ્પેશ ઠાકોર, ગાંધીનગર(ઉ)ના ધારાસભ્ય રીટાબેન પટેલ, ડેપ્યુટી મેયર નટવરજી ઠાકોર, ગાંધીનગર જિલ્લા કલેક્ટર મેહુલ દવે, ગાંધીનગર મહાનગરપાલિકાના કમિશનર જે.એન.વાઘેલા સહિત મહાનુભાવો અને મોટી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.