Gandhinagar: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ૨૬ નવેમ્બરે બંધારણના અંગીકરણના ૭૫ વર્ષ પૂર્ણ થવા પ્રસંગે બંધારણ દિવસની ગરિમામય ઉજવણીમાં આહવાન કર્યું કે, બંધારણને માત્ર પુસ્તક સ્વરૂપે ન જોતા તેના રાષ્ટ્રહિત સર્વોપરિના ભાવને આપણી જીવન શૈલી બનાવીએ.
૧૯૪૯માં તા.૨૬ નવેમ્બરે અંગીકાર થયેલા આપણા અદ્વિતીય બંધારણના મૂલ્યોને પ્રોત્સાહન આપવાની રાષ્ટ્રહિત ભાવના ઉજાગર કરવા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણા અને માર્ગદર્શનથી સમગ્ર દેશમાં ૨૦૧૫થી દર વર્ષે ૨૬ નવેમ્બરને બંધારણ દિવસ તરીકે ઉજવવામાં આવે છે.
આ વર્ષે બંધારણના ઘડતરના ૭૫ વર્ષ પૂર્ણ થયા છે તે સંદર્ભમાં વડાપ્રધાનની પ્રેરણાથી “હમારા સંવિધાન, હમારા સ્વાભિમાન” થીમ સાથે અમૃતકાળનો આ બંધારણ દિવસ દેશભરમાં ઉજવાયો છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં ગાંધીનગરમાં આ દિવસની ગરિમામય ઉજવણી અન્વયે મુખ્યમંત્રીશ્રી સહિત મંત્રીશ્રીઓ, ધારાસભ્યશ્રીઓ, પદાધિકારીઓ, મુખ્ય સચિવશ્રી રાજકુમાર અને વરિષ્ઠ સચિવશ્રીઓ સૌએ બંધારણના આમુખનું સામૂહિક પઠન કર્યું હતું.
મુખ્યમંત્રીએ આ પ્રસંગે કહ્યું કે, ભારતીયતા આપણો ધર્મ છે તો બંધારણ આપણો ધર્મગ્રંથ છે એટલું જ નહીં, નાગરિક ધર્મ નિભાવવામાં આ બંધારણ આપણા સૌનું પથદર્શન કરે છે. તેમણે વધુમાં ઉમેર્યું કે, જનહિતના કોઈપણ કામ માટે ફ્રી હેન્ડ એ આપણા બંધારણનું હાર્દ છે ઉપરાંત ‘વી ધ પીપલથી’ શરૂ થતું બંધારણ “એક ભારત, શ્રેષ્ઠ ભારત”ની ભાવના પણ સાકાર કરનારું છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે બંધારણ સભા દ્વારા બંધારણ નિર્માણ અને સ્વીકારમાં ડૉ. બાબા સાહેબ આંબેડકર ના અમૂલ્ય યોગદાન સાથે સરદાર વલ્લભભાઈ પટેલ, કનૈયાલાલ મુન્શી, હંસાબેન મહેતા જેવા ગરવા ગુજરાતીઓના પ્રદાનનું પણ સ્મરણ કર્યું હતું. તેમણે જણાવ્યું કે, બંધારણે ભારતને ગુલામીના લાંબા અંધકાર બાદ પહેલી વખત સાર્વભૌમત્વની સવારનું કિરણ દેખાડ્યું હતું.
આપણા દેશમાં અનેક ભાષા, ધર્મ, સંસ્કૃતિઓ અને પરંપરાઓ હોવા છતાં આપણે સૌ ભારતીય છીએ તે માત્ર આપણા બંધારણની ફ્લેક્સિબિલિટીના કારણે જ છીએ તેમ જણાવી મુખ્યમંત્રીશ્રીએ કહ્યું કે, વોટર ટાઇટ કંમ્પાર્ટમેન્ટ નહીં પણ સમયાનુકુલ પરિવર્તન સાથે તાલ મિલાવી શકે તેવા સુધારાઓ થઈ શકે તેવું આપણું આ બંધારણ છે.
મુખ્યમંત્રીએ ‘વસુધૈવ કુટુંબકમ’ સૌ ભારતીયો એક પરિવાર છે તેવી ભાવના અને પંથ નિરપેક્ષતાને બંધારણની ખાસિયત ગણાવતા વિકસિત ભારત @ ૨૦૪૭ના નિર્માણ માટે બંધારણનો આધાર લઈને સૌને સાથે મળી આગળ વધવા સંકલ્પબધ્ધ થવા અનુરોધ કર્યો હતો.
આ પ્રસંગે સ્કૂલ ઓફ લોના નિવૃત્ત નિયામક શ્રી એન. કે. પાઠકે ભારતના બંધારણ અંગે વિસ્તૃત સમજ આપતા જણાવ્યું હતું કે, ભારતના દરેક નાગરિકને સમાન રીતે એકસૂત્રતામાં બાંધી રાખે તેનું નામ બંધારણ. આ જ ભારતના બંધારણની મુખ્ય લાક્ષણીકતા છે. દેશની આઝાદી બાદ અનેક સમસ્યાઓ આવી, પરંતુ આ દરેક સમસ્યામાં નાગરિકોને આપણા બંધારણે બાંધી રાખ્યા. આશરે ૨ વર્ષ ૧૧ મહિના અને ૧૭ દિવસમાં નિર્માણ પામેલું ભારતનું બંધારણ એ વિશ્વનું સૌથું મોટું અને લાંબુ બંધારણ છે. જેમાં ૩૯૫ આર્ટીકલ, ૨૨ ચેપ્ટર અને ૧૨ શેડ્યુલ ઉપલબ્ધ છે.
સંપૂર્ણ બંધારણનો હાર્દ ન્યાય છે, અધિકાર નથી, તેમ જણાવી પાઠકે ઉમેર્યું હતું કે, બંધારણ ભારતનો સૌથી પાયાનો દસ્તાવેજ છે. બંધારણના ઘડવૈયાઓને સંપૂર્ણ બંધારણ ઘડ્યા બાદ વિચાર આવ્યો તેમજ સામાન્ય નાગરીકો પણ બંધારણને ટૂંકમાં અને સરળતાથી સમજી શકે તે માટે આ સંપૂર્ણ બંધારણનો સાર આમુખમાં પ્રતિબિંબીત કર્યો છે.
યુવકસેવા, સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ અને રમત ગમત વિભાગના અગ્ર સચિવ તથા સંસદિય તથા વૈધાનિક બાબતોના કાર્યકારી અગ્ર સચિવ શ્રી અશ્વિની કુમારે સંવિધાન દિવસની ઉજવણીનો હેતુ સ્પષ્ટ કર્યો હતો.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આ અગાઉ બંધારણ દિવસની ઉજવણી રૂપે યુવાશક્તિને રાષ્ટ્રહિત સ્વાભિમાન માટે પ્રેરિત કરી “હમારા સંવિધાન, હમારા સ્વાભિમાન” સુત્ર સાથેની સંવિધાન ગૌરવ પદયાત્રાને પ્રસ્થાન કરાવીને પોતે પણ પદયાત્રામાં જોડાયા હતા.
મુખ્યમંત્રી અને મંત્રીઓએ બંધારણના ઘડવૈયા ડૉ. બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને સેન્ટ્રલ વિસ્ટા ખાતે આયોજિત કાર્યક્રમમાં શ્રદ્ધાંજલિ અર્પણ કરી આદર વ્યક્ત કર્યો હતો તેમજ વિકસિત ભારત યંગ લીડર ડાયલોગના પોસ્ટરનું લોન્ચિંગ પણ કર્યું હતું.
ગાંધીનગર શહેરની શાળા-કોલેજના વિદ્યાર્થીઓ, એન.વાય.કે.એસ.ના કર્મીઓ, સ્વૈચ્છિક સંગઠનો તથા નાગરીકો આ પદયાત્રામાં સહભાગી થયા હતા.