CM; મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સ્પષ્ટપણે જણાવ્યું છે કે, સરકાર અને અમલીકરણ અધિકારીઓ તથા જિલ્લાના વહીવટી વડાઓએ જનતા-પબ્લિકને સારી સેવા-સુવિધાઓ અને કલ્યાણ યોજનાઓના લાભ પહોંચાડવાના માધ્યમ બનવાનું છે. આ સંદર્ભમાં તેમણે કહ્યું કે, આ જવાબદારી અને કર્તવ્યના ભાવ સાથે કલેકટરો અને જિલ્લા વિકાસ અધિકારીઓ પોતાની ભૂમિકા નિભાવે તે અપેક્ષિત છે. 

મુખ્યમંત્રીશ્રી રાજ્યના જિલ્લા કલેકટરો અને જિલ્લા વિકાસ અધિકારીઓની એક દિવસીય સંયુક્ત પરિષદનો ગાંધીનગરમાં પ્રારંભ કરાવતા સંબોધન કરી રહ્યા હતા. ગ્રામ વિકાસ મંત્રી શ્રી રાઘવજી પટેલ, પંચાયત રાજ્યમંત્રી શ્રી બચુભાઈ ખાબડ, મુખ્યમંત્રીશ્રીના મુખ્ય અગ્ર સલાહકાર ડૉ. હસમુખ અઢિયા આ અવસરે ઉપસ્થિત રહ્યાં હતાં.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઉમેર્યું કે, જાહેર સેવક તરીકે જનતાની સેવા કરવી, તેની સમસ્યા-મુશ્કેલીઓ દૂર કરવી તે આપણું દાયિત્વ અને ફરજ બેય છે. આ માટે લોકસંપર્ક વધુ સુદ્રઢ બનાવવાની હિમાયત કરતાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે જિલ્લા અધિકારીઓને ફિલ્ડ વિઝીટ માટે તાકીદ કરી હતી. 

તેમણે જણાવ્યું કે, ફિલ્ડ વિઝીટમાં લોકોની રજૂઆતો- ફરિયાદો ધ્યાને આવે તેના નિવારણ માટેના ઉપાયો યોજવા સાથોસાથ જિલ્લાના અધિકારીઓ-કર્મચારીઓના વ્યવહાર વર્તનનો ફીડબેક મેળવી સુશાસનની દિશામાં વધુ સક્રિય થઈએ.

મુખ્યમંત્રીશ્રીએ લોક પ્રશ્નોના ત્વરિત નિરાકરણની તથા ઉચ્ચ કક્ષાથી લઈને સામાન્ય માનવીની રજૂઆતોના યોગ્ય જવાબ મળે તેવી સુદ્રઢ વ્યવસ્થા જિલ્લા સ્તરે જ ઊભી થાય અને ‘સ્વાગત’માં આવવું જ ન પડે તેવી સ્થિતીનું નિર્માણ કરવા પણ કલેકટરો-વિકાસ અધિકારીઓને સ્પષ્ટ દિશાનિર્દેશ આપ્યા હતા. 

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે “ઝિરો ટોલરન્સ અગેઈન્સ્ટ કરપ્શન”નો નિર્ધાર દોહરાવતા કહ્યું કે, વિકાસના રોલ મોડલ એવા આપણા ગુજરાતના વધુ ઉન્નત અને વૈશ્વિક વિકાસમાં આડે આવતું આ કરપ્શન ૧૦૦ ટકા દૂર કરવું જ પડે, નિંદામણ કરી નાખવું પડે એમ તેમણે માર્મિક ટકોર કરતા ઉમેર્યું હતું. 

મુખ્યમંત્રીશ્રીએ સ્પષ્ટ કહ્યું કે, સરકારના પરિપત્રો નિયમોનું અલગ અલગ અર્થઘટન જિલ્લાઓમાં થવું ન જોઈએ જો કોઈ કામ નિયમાનુસાર ન થાય તેવું હોય તો તેના સ્પષ્ટ કારણો જણાવી દેવા જોઈએ. 

આ અંગે તેમણે વધુમાં જણાવ્યું કે, વ્યવસ્થા સ્થાયી છે કોઈ વ્યક્તિ કે તેનું પદ સ્થાયી નથી, એટલે સેવાકાળ દરમિયાન જનહિતના કામો પારદર્શિતા અને ૧૦૦ ટકા પ્રમાણિકતાથી કરીને પદની ગરિમા-સ્ટેટસ ઊંચું લાવવાનો વિચાર જ પ્રાથમિકતા હોવો જોઈએ. 

ગુજરાત આજે વિકાસનું રોલ મોડલ અને ગ્રોથ એન્જિન બન્યું છે તેમાં જિલ્લાના વડા તરીકે કલેકટર-ડી.ડી.ઓ. અને તેમની ટીમનો મહત્વપૂર્ણ ફાળો છે તેમ મુખ્યમંત્રીશ્રીએ સૌને એ માટે બિરદાવતા જણાવ્યું હતું. તેમણે કહ્યું કે, વિકસિત ભારત માટે વિકસિત ગુજરાતનો રોડ મેપ તૈયાર થયેલો છે તેનાં સુચારુ અમલથી ૨૦૪૭ સુધીમાં વિકસિત ગુજરાત બને તેવી સંકલ્પના અને કાર્યદક્ષતા જિલ્લાની ટીમના વડાઓએ દાખવવાની છે. 

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આવી કલેકટર-ડી.ડી.ઓ. કોન્ફરન્સ જિલ્લાઓમાં કરવાનું પ્રેરક સૂચન કરતા કહ્યું કે, આના પરિણામે જિલ્લાના સમગ્રતયા વિકાસથી રાજ્ય સરકાર અને અન્ય જિલ્લા અધિકારીઓ ભલિ ભાંતિ પરિચિત પણ થશે. 

આ એક દિવસીય પરિષદમાં મહેસુલ, પંચાયત અને ગ્રામ વિકાસ વિભાગની લોકોને સીધી સ્પર્શતી યોજનાઓમાં જિલ્લાઓની કામગીરીની સમીક્ષા હાથ ધરવામાં આવી હતી. 

આ ઉપરાંત નિર્મળ ગુજરાત ૨.૦, નલ સે જલ, પી.એમ.વિશ્વકર્મા યોજના, પ્રધાનમંત્રી સૂર્યઘર મૂફ્ત બીજલી યોજના, પી.એમ.જે.એ.વાય. અને પી.એમ. પોષણ યોજનાની જિલ્લા સ્તરે થયેલી કામગીરી પર પ્રેઝન્ટેશન સહિત સમૂહ ચિંતન થયા હતા.

આ પ્રસંગે મુખ્ય સચિવ રાજકુમારે પરિષદનો હેતુ સ્પષ્ટ કરતાં જણાવ્યું હતું કે, નાગરિકોના હિતમાં સરકારે અમલમાં મૂકેલી કોઇપણ યોજનાની આંકડાકીય સિદ્ધિ કરતા એ યોજનાનો ઉદ્દેશ્ય પરિપૂર્ણ થાય તે વધુ મહત્વપૂર્ણ છે. જિલ્લાના વહીવટી વડા તરીકે કલેકટરશ્રીઓ અને જિલ્લા વિકાસ અધિકારીશ્રીઓનો મુખ્ય ઉદ્દેશ્ય નાગરિકોની સુખાકારી જ હોવો જોઈએ. નાગરિક હિતલક્ષી કોઇપણ કામ ગુણવત્તાયુક્ત થશે, તો જ નાગરિકોની સુખાકારીમાં વધારો થશે અને સરકાર પ્રત્યે તેમનો વિશ્વાસ વધુ દ્રઢ બનશે.

મુખ્ય સચિવશ્રીએ ઉમેર્યું હતું કે, સરકારની કોઇપણ યોજનાને વધુ અસરકારક બનાવવા માટે ‘ફીડબેક મેકેનીઝમ’ ઉભું કરવું ખૂબ જ જરૂરી છે. જિલ્લા કક્ષાએ કામ કરતા અધિકારીઓ નાગરીકો સાથે સૌથી નજીકથી કામ કરતા હોવાથી ફીડબેક મેકેનીઝમ વધુ મજબૂત બની શકે છે. એમ પણ તેમણે ઉમેર્યુ હતું. 

આ સંયુક્ત પરિષદમાં મુખ્યમંત્રીશ્રીના અધિક મુખ્ય સચિવશ્રીઓ શ્રી પંકજ જોષી અને એમ. કે. દાસ ઉપરાંત રાજ્ય સરકારના વિવિધ વિભાગોના અધિક મુખ્ય સચિવો, અગ્રસચિવો અને મુખ્યમંત્રીના સચિવ શ્રીમતી અવંતિકા સિંઘ સહિત સચિવો પણ જોડાયા હતા.