CM: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા મિશન ફોર મિલિયન ટ્રીઝ’ અભિયાન અંતર્ગત રાણીપ વોર્ડમાં સાબરમતી જેલ પાછળના ગાર્ડનમાં આયોજીત વૃક્ષારોપણ કાર્યક્રમમાં પદાધિકારીઓ સાથે સામુહિક વૃક્ષારોપણ કર્યું હતું.
તેમણે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ‘એક પેડ માં કે નામ’ અને ‘મિશન ફોર મિલિયન ટ્રીઝ’ અભિયાનમાં વૃક્ષારોપણ કરીને હરિત ગુજરાતનો સંદેશ આપ્યો હતો, સાથે સાથે નાગરિકોને વધુમાં વધુ વૃક્ષો વાવવા, તેમનું સંરક્ષણ કરવા અને હરિયાળું ગુજરાત બનાવવામાં સહભાગી થવા માટે આહ્વાન કર્યું હતું.
અત્રે ઉલ્લેખનીય છે કે, શહેરનું ગ્રીન કવર વધારવાના ઉમદા આશય સાથે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ‘મિશન ફોર મિલિયન ટ્રીઝ’ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે, જે અંતર્ગત મોટી સંખ્યામાં વૃક્ષો વાવવાનું લક્ષ્ય નક્કી કરાયું છે. આ વર્ષે ફોર મિલિયન ટ્રીઝ અભિયાન માટે કરવામાં આવેલ સચોટ સૂક્ષ્મ આયોજન અને તે મુજબની વાસ્તવિક અમલવારીના કારણે તારીખ ૭ સપ્ટેમ્બર સુધીમાં ૪૦ લાખ ૮૦ હજાર ૧૮૦ રોપાનું વાવેતર પૂર્ણ થયું છે.
એટલું જ નહિ, પવિત્ર શ્રાવણ માસના ચાર સોમવારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના તમામ ઝોનમાં કુલ ૫૪,૮૮૩ તુલસીનું વિતરણ-વાવેતર કરવામાં આવ્યું હતું. શ્રાવણ માસમાં આવતી અગિયારસના દિવસે તમામ ઝોનમાં ધાર્મિક મહત્વ ધરાવતા કદમ, પીપળો, સમી, સેવન, સીતાઅશોક અને બીલી જેવા વૃક્ષો મળી કુલ ૪૯૧ વૃક્ષોનું વિતરણ-વાવેતર કરવામાં આવેલું હતું.
વડાપ્રધાનશ્રીના જન્મદિન 17મી સપ્ટેમ્બરે અમદાવાદ શહેરના દરેક વોર્ડમાં એક ધાર્મિક સ્થળે તુલસી વિતરણના કાર્યક્રમ દ્વારા 12,820 તુલસીનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું.
આ મિશન ૪ મિલિયન ટ્રીઝ અંતર્ગત વૃક્ષારોપણ માટેના સ્થળો ગુગલ મેપથી શોધવામાં આવે છે આ ઉપરાંત દરેક વાવેતર સ્થળનું જીઓ ટેગિંગ કરવામાં આવ્યું છે અને LIDAR સર્વે ટેકનોલોજી દ્વારા વૃક્ષોની વૃદ્ધિ અને સર્વાઇવલ રેટનું મોનિટરીંગ પણ મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવશે.
મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે પુત્રજીવા વૃક્ષનું વાવેતર સાથે રાણીપ વોર્ડમાં સાબરમતી જેલ પાછળના ગાર્ડનમાં ગુરૂવારે યોજવામાં આવેલા આ વૃક્ષારોપણ કાર્યક્રમ અન્વયે આ વિસ્તારમાં મિયાવાંકી પધ્ધતિથી ૪૩૦૦ ચોરસ મીટરમાં આર્યુવેદીક સહિત ૧૪ હજાર જેટલા વૃક્ષોના વાવેતરનું આયોજન છે, આ ઉપરાંત સેવા સપ્તાહ અંતર્ગત આ કાર્યક્રમમાં વિવિધ શૈક્ષણિક સંસ્થાઓ, ધાર્મિક સંસ્થાઓ અને સોસાયટીઓ પણ જોડાઈ હતી.
આ વૃક્ષારોપણ કાર્યક્રમમાં અમદાવાદના મેયર સુશ્રી પ્રતિભાબહેન જૈન, સાંસદ શ્રી નરહરિ અમીન, ધારાસભ્ય શ્રી ડો શ્રી હર્ષદભાઈ પટેલ, શ્રી જીતેન્દ્રભાઈ પટેલ, શ્રી અમુલભાઇ ભટ્ટ , મ્યુનિ કમિશનર બંછાનીધી પાની, ડેપ્યૂટી મેયર શ્રી જતીનભાઈ પટેલ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન શ્રી દેવાંગભાઈ દાણી, ચેરમેન હેરિટેજ કમિટી જયેશ ત્રિવેદી, શાસક પક્ષનેતા ગૌરાંગ પ્રજાપતિ, દંડક શીતલ બહેન ડાગા, મ્યુનિ. કાઉન્સિલરશ્રીઓ તથા AMCના પદાધિકારીઓ/કર્મચારીઓ, જેલના અધિકારીઓ,પ્રબુદ્ધ નાગરિકો, સ્વૈચ્છિક અને ધાર્મિક સંસ્થાના પ્રતિનિધિઓ, સહિત શહેરીજનો વગેરે ઉપસ્થિત રહી કાર્યક્રમમાં સૌએ પર્યાવરણ બચાવવા માટે પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.