CM Bhupendra Patel News: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પ્રસિદ્ધ તીર્થક્ષેત્ર શામળાજીમાં ઉજવાઈ રહેલા શામળાજી મહોત્સવનું સમાપન કરાવતાં અરવલ્લી જિલ્લાને રૂ.168 કરોડના બહુવિધ વિકાસ કામોની ભેટ આપી હતી.રાજ્ય સરકારે તાજેતરમાં શામળાજીને નવો તાલુકો જાહેર કર્યા પછીનો મુખ્યમંત્રીનો આ પ્રથમ કાર્યક્રમ શામળાજી મહોત્સવ સમગ્ર અરવલ્લી જિલ્લા માટે વિકાસ ઉત્સવ બન્યો હતો.

CM Bhupendra Patelએ અરવલ્લી જિલ્લાને પાછલા ત્રણ વર્ષમાં રૂ. 1232 કરોડના વિકાસ કામો રાજ્ય સરકારે મંજૂર કર્યા છે તેની વિગતો આપતા કહ્યુ કે વડાપ્રધાન  નરેન્દ્રભાઈ મોદીએ છેવાડાના વિસ્તારો, વંચિતોને વિકાસની મુખ્ય ધારામાં લાવવાના વિકાસ કામોમાં નાણાંની કમી ક્યારેય પડવા દીધી નથી.

વડાપ્રધાન ધાર્મિક, ઐતિહાસિક સ્થળોની દિવ્યતા-ભવ્યતા જાળવીને આધુનિક વિકાસનો અભિગમ “વિકાસ ભી, વિરાસત ભી”ના મંત્રથી સાકાર કર્યો છે એમ પણ મુખ્યમંત્રીએ જણાવ્યું હતું.તેમણે સ્પષ્ટપણે કહ્યું કે, આદિજાતિ વિસ્તારોને આવાસ, અભ્યાસ અને આજીવિકા તેમજ આરોગ્યની સુવિધાઓ પૂરી પાડી છે. સામૂહિક આરોગ્ય કેન્દ્રો અપગ્રેડ કરીને સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ બનાવવામાં આવી રહ્યા છે.એટલું જ નહીં, આ જનજાતિય વિસ્તારોમાં 12 સાયન્સ કોલેજ, બે યુનિવર્સિટી અને 11 મેડિકલ કોલેજ દ્વારા આદિવાસી પરિવારોના સંતાનોને પણ ડોક્ટર-એન્જિનિયર બનવાની દિશા ખુલી છે તેની ભૂમિકા તેમણે આપી હતી.

મુખ્યમંત્રીએ વિકસિત ભારત અને આત્મનિર્ભર ભારતનો સંકલ્પ પાર પાડવા આદિવાસીઓના પરંપરાગત કલા, કૌશલ્ય, વ્યવસાયો અને ઉત્પાદનોને વોકલ ફોર લોકલ અને લોકલ ફોર ગ્લોબથી પ્રોત્સાહન આપવાનું પણ આહવાન કર્યું હતું.

મંત્રી રમણભાઈ સોલંકીએ આ પ્રસંગે જણાવ્યું હતું કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં ગુજરાતે અભૂતપૂર્વ વિકાસ સાધ્યો છે, ખાસ કરીને અરવલ્લી જિલ્લાના આદિવાસી વિસ્તારોમાં રાજ્ય તથા કેન્દ્ર સરકારની યોજનાઓથી શિક્ષણ, આરોગ્ય, રોજગાર અને આજીવિકાના ક્ષેત્રે મહત્વની પ્રગતિ થઈ રહી છે.

રાજ્ય મંત્રી પી. સી. બરંડાએ જણાવ્યું હતું કે, શામળાજી મહોત્સવ આદિજાતિ સમુદાયની એકતા, સંસ્કૃતિ અને આસ્થાનું જીવંત પ્રતીક છે અને આ વર્ષે હજારો લોકોની ભાગીદારી તથા કલાકારોના લોકસંગીત, નૃત્ય અને ભક્તિમય વાતાવરણથી સમુદાયનો વારસો વધુ મજબૂત બન્યો છે. આજે મળેલા વિકાસકાર્યો તથા લોકાર્પણથી અરવલ્લીના વિકાસને વધુ વેગ મળશે.

આ અવસરે મુખ્યમંત્રીના હસ્તે માર્ગ અને મકાન વિભાગ (રાજ્ય)ના રૂ. ૧૦૭.૦૨ કરોડના પ્રકલ્પો, શિક્ષણ વિભાગના રૂ. ૨૪.૪૯ કરોડના વિવિધ પ્રકલ્પો, રમતગમત વિભાગના રૂ. ૧૯.૯ કરોડના પ્રકલ્પો, માર્ગ અને મકાન વિભાગ (પંચાયત)ના રૂ. ૧૨.૫ કરોડના પ્રકલ્પો, જાહેર આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના રૂ. ૩.૪૬ કરોડના પ્રકલ્પો સહિત વિવિધ પ્રકલ્પોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.
તેમજ વિચરતી વિમુક્ત જાતિના પરિવારોને પ્લોટ ફાળવણીના હુકમ તથા કિશન મિશન મંગલમ જૂથને કેશ ક્રેડિટ સહાય વિતરણ કરવામાં આવી હતી.

શામળાજી મહોત્સવ સમાપન અવસરે જિલ્લા પંચાયત પ્રમુખ પ્રિયંકા ડામોર, સાંસદ શોભનાબેન બારૈયા, ધારાસભ્ય સર્વભીખુસિંહજી પરમાર,  ધવલસિંહ ઝાલા, જિલ્લા પ્રભારી સચિવ રૂપવંત સિંઘ, જિલ્લા કલેક્ટર પ્રશસ્તિ પારિક, જિલ્લા વિકાસ અધિકારીશ્રી દીપેશ કેડિયા, જિલ્લા પોલીસવડા મનોહરસિંહ જાડેજા સહિતના અધિકારીઓ અને પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા.