CM Bhupendra Patel News: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે લોહપુરુષ અને દેશના મહાન ઘડવૈયા સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦મી જન્મ જયંતિની ઉજવણી અને જૂનાગઢના મુક્તિ દિવસના અવસરે સરદાર @ ૧૫૦ યુનિટી માર્ચ પદયાત્રાનું પ્રસ્થાન કરાવ્યું હતું.
મુખ્યમંત્રીએ ઐતિહાસિક બહાઉદ્દીન કોલેજ સ્થિત આરઝી હકુમત દ્વારા મળેલી મુક્તિના સ્મરણ સ્મૃતિ સ્મારક ખાતે સ્વાતંત્ર્યવીરોને યાદ કરી પુષ્પાંજલિ અર્પણ કરી હતી.
મુખ્યમંત્રીએ પદયાત્રામાં જોડાનારા હજારો નાગરિકોને સંબોધીને રાજ્યવ્યાપી યુનિટી માર્ચના પ્રથમ ચરણનો પ્રારંભ કરાવ્યો હતો. આ રેલીના પ્રસ્થાન પૂર્વે મુખ્યમંત્રીએ આરઝી હકુમતનો ઈતિહાસ દર્શાવતી ફોટો પ્રદર્શની પણ નિહાળી હતી.
CM Bhupendra Patel યુનિટી માર્ચ સર્વ સમાજને સાથે જોડીને આત્મનિર્ભર ભારત માટેની પ્રેરણા આપશે તેવો દ્રઢ વિશ્વાસ વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના દિશાદર્શનમાં સમગ્ર દેશમાં યોજાઈ રહેલી એકતા યાત્રા ખરા અર્થમાં ભારતને એક અને અખંડ બનાવી સરદાર સાહેબને સાચી શ્રદ્ધાંજલિ આપતી યાત્રા બની રહેશે.
CM Bhupendra Patelએ આરઝી હકુમતના ઈતિહાસનું સ્મરણ કરતાં જણાવ્યું કે ૧૯૪૭ની ૧૫મી ઓગસ્ટના રોજ દેશ આઝાદ થયો હતો પરંતુ જૂનાગઢના નવાબની લોકમત વિરૂદ્ધની નીતિના કારણે ૮૬ દિવસના સંગ્રામ બાદ નવમી નવેમ્બરે ઉપરકોટમાં ભારતનો તિરંગો લહેરાવવા સાથે જૂનાગઢ વાસ્તવમાં આઝાદ થયું હતું અને તે રીતે તા. ૯ નવેમ્બરને ‘જૂનાગઢ મુક્તિ દિવસ’ તરીકે ઉજવવામાં આવે છે.
આરઝી હકુમત દ્વારા જૂનાગઢને મુક્તિ અપાયા બાદ તા.13 નવેમ્બરના રોજ આ જ બહાઉદ્દીન કોલેજના મેદાનમાં સરદાર વલ્લભભાઈ પટેલે સભા કરીને જૂનાગઢવાસીઓને અભિનંદન પાઠવ્યા હતા તેનું પણ સ્મરણ મુખ્યમંત્રીશ્રીએ કર્યું હતું.
મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, સરદાર વલ્લભભાઈ પટેલે ૫૬૨ દેશી રજવાડાઓનું વિલિનીકરણ કરીને એક અને અખંડ ભારત બનાવ્યું હતું. હવે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ‘એક ભારત, શ્રેષ્ઠ ભારત’ અને ‘આત્મનિર્ભર ભારત’ના અભિયાન દ્વારા તેનો પાયો વધુ મજબૂત બનાવી રહ્યાં છે.
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ સરદાર સાહેબની સ્મૃતિ ચિરંજીવ રહે તે માટે કેવડિયા કોલોની ખાતે સ્ટેચ્યૂ ઓફ યુનિટીનું નિર્માણ કર્યું છે. અને પ્રતિવર્ષ સરદાર પટેલ જન્મ જયંતિ ને એકતા દિવસ તરીકે ઉજવીને વિવિધ કાર્યક્રમોનું આયોજન કરીને સરદાર સાહેબને સાચી અંજલિ અર્પી રહ્યાં છે.
આ વર્ષે પણ સ્ટેચ્યૂ ઓફ યુનિટી ખાતે ‘ભારત પર્વ’નું આયોજન કરીને આત્મ નિર્ભર ભારત સાથે વોકલ ફોર લોકલ અને ‘વિકસિત ભારત’નો રાહ વધુ મજબૂત બનાવી રહ્યાં છે.
CM Bhupendra Patelએ વધુમાં જણાવ્યું હતું કે, કેન્દ્રીય ગૃહ મંત્રી અમિતભાઈ શાહના માર્ગદર્શનમાં કલમ ૩૭૦ની નાબૂદી દ્વારા કચ્છથી કટક અને કાશ્મીરથી કન્યાકુમારી સુધી એક અને અખંડ ભારતનું સરદારનું સ્વપ્ન ધરાતલ પર ઉતાર્યું છે.
સૌ સાથે મળી ચાલે અને સમરસ સમાજનું નિર્માણ થાય તે માટે યુનિટી માર્ચના માધ્યમથી તમામ વર્ગોને સાંકળી રાજ્યભરમાં યુનિટી માર્ચનું આયોજન કરવામાં આવ્યું છે. તેના પ્રથમ ચરણની શરૂઆત આજે ઐતિહાસિક બહાઉદ્દીન કોલેજના મેદાનથી થઈ છે. તે સૌને પ્રેરણા પૂરી પાડશે, તેમ તેમણે જણાવ્યું હતું.
મુખ્યમંત્રીએ સૌ સોરઠવાસીઓએ જૂનાગઢ મુક્તિ દિવસની શુભકામનાઓ પાઠવી વિકસિત ભારતના નિર્માણ માટે એક અને નેક બની સહભાગી બનવા આહ્વાન કર્યું હતું.
આ અવસરે મુખ્યમંત્રીએ જૂનાગઢની આઝાદીની ચળવળમાં મહત્વનું યોગદાન આપનારા આરઝી હૂકુમતના સ્વાતંત્ર્ય સેનાનીઓના પરિવારજનોનું શાલ ઓઢાડી સન્માન કર્યું હતું.
જૂનાગઢ જિલ્લાના પ્રભારી અને સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી ડૉ. પ્રદ્યુમનભાઈ વાજાએ જૂનાગઢ માટે આજનો દિવસ ઐતિહાસિક લેખાવી જણાવ્યું હતું કે, આ વર્ષે ૧૫૦મી સરદાર વલ્લભભાઈ પટેલની જયંતિ અને બિરસા મુંડાની ૧૫૦મી જન્મજયંતિ તેમજ વંદેમાતરમ ગીતના ૧૫૦ વર્ષ થવાનો સુભગ સમન્વય સધાયો છે. તે આપણા સૌ માટે ગર્વ અને આનંદની બાબત છે.
મંત્રીશ્રીએ સરદાર વલ્લભભાઈ પટેલે આપણને જે રાષ્ટ્રીય એકતાનો વારસો આપ્યો છે. તેને આગળ વધારવાનો છે. આપણે સૌથી મોટી લોકશાહીનું ગૌરવ લઈએ છીએ તેના મૂળમાં સરદાર પટેલે એકઠા કરેલા તમામ રજવાડાઓનો રાષ્ટ્રીય એકતાનો વારસો છે. સરદારની દૂરંદેશી અને અથાક પ્રયાસના કારણે ભારત અખંડ રાષ્ટ્ર તરીકે ઉભર્યું છે. આપણે સરદાર સાહેબના યોગદાનને હરહંમેશ યાદ રાખવાનું છે. તેમ મંત્રીશ્રીએ જણાવ્યું હતું.
સરદાર વલ્લભભાઈ પટેલે પોતાની કુનેહ અને દ્રઢતાથી ૫૬૨ દેશી રજવાડાઓને એક કરી એક અને અખંડ ભારતનું નિર્માણ કર્યું હતું તેવા મહામૂલા માનવીને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા સ્ટેચ્યૂ ઓફ યુનિટી બનાવીને સરદારને સન્માન અપાવ્યું એમ કહી જૂનાગઢની મુક્તિ દિવસની શુભકામનાઓ પાઠવી હતી.
મંત્રીએ જૂનાગઢના મુક્તિસંગ્રામમાં યથેચ્છ પ્રદાન કરનાર યોદ્ધાઓના બલિદાન અને પ્રયત્નોને બીરદાવ્યાં હતાં. તેમજ તેમના પરિવારજનોને દેશકાજે આપેલા યોગદાન માટે અભિનંદન પાઠવ્યાં હતાં.
જૂનાગઢની નાગરિક સેવાઓના પ્રોજેક્ટ માટે જૂનાગઢના સાધુ-સંતોએ રૂ.૫૧ લાખનો ચેક મુખ્યમંત્રીને અર્પણ કર્યો હતો. નાગરિક સેવાઓમાં જનભાગીદારીની આ પહેલને સૌએ સહર્ષ વધાવી આભારની લાગણી પ્રગટ કરી હતી.
જિલ્લા કલેક્ટર નિલકુમાર રાણાવસિયાએ જૂનાગઢ મુક્તિ દિવસના અવસરે યોજાઈ રહેલી યુનિટી માર્ચના અવસરે સૌને આવકારી ૮.૬ કિલોમીટરની આ પદયાત્રામાં ‘એક ભારત, શ્રેષ્ઠ ભારત’, ‘આત્મનિર્ભર ભારત’ની ‘હર ઘર સ્વદેશી’ના મંત્રને ચરિતાર્થ કરવામાં આવી રહ્યો છે. તે રીતે રેલીનું આયોજન કરવામાં આવ્યું છે, તેની વિભાવના રજૂ કરી હતી.
જૂનાગઢની આ પદયાત્રા હજારો નાગરિકોની ઉપસ્થિતિ અને રાષ્ટ્રીય એકતાના ભાવ સાથે યાદગાર બની હતી.મુખ્યમંત્રી પણ બહાઉદીન કોલેજથી પદયાત્રામાં જોડાઈને યાત્રાના રૂટ પર વિવિધ સમાજ સંસ્થાઓના સાંસ્કૃતિક પ્લેટફોર્મ પર સૌનું અભિવાદન કર્યું હતું.
સમગ્ર રૂટ પર 19 સ્ટેજ બનાવવામાં આવ્યા હતા અને તેમાં જુનાગઢનો ઈતિહાસ સાંસ્કૃતિક વારસો સહિત વિવિધ કૃતિઓ પણ રજૂ કરવામાં આવી હતી. જિલ્લા વહીવટી તંત્ર અને જિલ્લા પોલીસ તંત્રએ સમગ્ર રૂટ ઉપર ટ્રાફિક વ્યવસ્થા અને સંકલન કરી આ વિશાળ પદયાત્રાને સફળ બનાવી હતી.
આ પદયાત્રામાં કાયદો અને ન્યાયતંત્ર વિભાગના રાજ્યમંત્રી કૌશિકભાઇ વેકરીયા, સાંસદ રાજેશભાઈ ચુડાસમા, મેયર ધર્મેશભાઈ પોશિયા, જિલ્લા પંચાયતના પ્રમુખ હરેશભાઈ ઠુંમર, ધારાસભ્ય સર્વ સંજયભાઈ કોરડીયા, ભગવાનજીભાઈ કરગઠિયા, દેવાભાઈ માલમ, અરવિંદ લાડાણી, મહાનગરપાલિકાના કમિશનર શ્રી તેજસ પરમાર, જિલ્લા વિકાસ અધિકારી એચ.પી.પટેલ, અગ્રણી સર્વ ગૌરવ રૂપારેલિયા, ચંદુભાઈ મકવાણા, મહંત ઈન્દ્રભારતી બાપુ, મહેશગીરી બાપુ, નમ્રમુનિ મહારાજ સહિતના સંતો-મહંતો, પદાધિકારીઓ-અધિકારીઓ, વિવિધ સમાજના લોકો, શૈક્ષણિક સંસ્થાઓ, વિવિધ એસોસિએશન, આરઝી હકુમતના લડવૈયાઓના પરિવારજનો, સીનિયર સીટિઝન, યુવાઓ, પોલીસ જવાનો, પ્રબુદ્ધ નાગરિકો તથા જૂનાગઢ શહેરના નગરજનો મોટી સંખ્યામાં સહભાગી થયાં હતાં.





