CM Bhupendra Patel On US India Trade Deal: યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ભારત અને અમેરિકા વચ્ચે થયેલી ઐતિહાસિક ટ્રેડ ડીલથી વિશ્વને નવા ભારતની આર્થિક શક્તિ અને દ્રષ્ટિનો પરિચય મળ્યો છે, એવી પ્રતિક્રિયા ગુજરાતના માન. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વ્યક્ત કરી છે.
મુખ્યમંત્રીએ જણાવ્યું કે આ ટ્રેડ ડીલ માત્ર ઉદ્યોગ સુધી સીમિત નથી પરંતુ બે મોટી અર્થવ્યવસ્થાના નાગરિકોના હિતમાં અને નવી તકોના સર્જન માટે મહત્વપૂર્ણ સાબિત થશે. વિશ્વની બે સૌથી મોટી લોકશાહીઓ સાથે મળીને આગળ વધે ત્યારે સાચા અર્થમાં વિશ્વ કલ્યાણની ભાવના સાકાર થાય છે.
આ કરાર ભારત–અમેરિકા વચ્ચેના દ્વિપક્ષીય સંબંધોમાં એક નવા અધ્યાયની શરૂઆત છે. તેના પરિણામે વડાપ્રધાને આપેલા “મેક ઇન ઇન્ડિયા, મેડ ફોર ધ વર્લ્ડ” વિઝનને વધુ બળ મળશે. ખાસ કરીને મેડ ઇન ઇન્ડિયા ઉત્પાદનો પર યુએસ ટેરિફ 18 ટકા થવાથી ઉત્પાદન ક્ષેત્ર, MSME, નિકાસકારો તેમજ રોજગાર સર્જનને નોંધપાત્ર પ્રોત્સાહન મળશે.
મુખ્યમંત્રીએ વધુમાં કહ્યું કે આ કરારથી ઉદ્યોગસાહસિકો અને સ્ટાર્ટઅપ્સ માટે વિશ્વના વ્યાપક બજારોના નવા દ્વાર ખુલશે. ગુજરાત મેન્યુફેક્ચરિંગ હબ તરીકે ટેક્સટાઇલ, ફાર્મા, કેમિકલ, પેટ્રોલિયમ, જેમ્સ એન્ડ જ્વેલરી જેવા ક્ષેત્રોમાં અગ્રણી છે. ભારત અને અમેરિકા વચ્ચે થયેલા આ ઐતિહાસિક કરારથી આ સેક્ટર્સના ઉત્પાદનોના એક્સપોર્ટને મોટો વેગ મળશે.
આ સાથે જ ગુજરાતના મેન્યુફેક્ચરિંગ સેક્ટર અને MSME સહિતના વેપાર-ઉદ્યોગને સીધો લાભ થશે અને ભારતની ગ્લોબલ ઇકોનોમિક પ્રેઝન્સ વધુ મજબૂત બનશે.
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નિર્ણાયક નેતૃત્વ અને સિટિઝન સેન્ટ્રિક ડિપ્લોમસીના પરિણામે ભારત–યુએસ સંબંધોથી વૈશ્વિક શાંતિ અને સમૃદ્ધિને પણ ગતિ મળશે, એમ જણાવતાં મુખ્યમંત્રીએ ગુજરાતના તમામ નાગરિકોની વતી આ ઐતિહાસિક દ્વિપક્ષીય વ્યાપાર કરાર બદલ વડાપ્રધાને અભિનંદન પાઠવ્યા.





