CM Bhupendra Patel News: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદની ગુજરાત યુનિવર્સિટી ખાતે આયોજિત ‘ભારતકૂલ અધ્યાય-૨’ના શુભારંભ પ્રસંગે માધ્યમોની કામગીરીની સરાહના કરતાં કહ્યું કે રાજ્યના વિકાસમાં મીડિયાની ભૂમિકા સહાયકની છે. સરકાર હંમેશાં નાગરિકોની સુખાકારી માટે પ્રયત્નશીલ છે, ત્યારે નીતિઓમાં સુધારા અને લોકકલ્યાણ માટે યોગ્ય ટીકા જરૂરી છે, પણ તેની પાછળનો ભાવ હકારાત્મક હોવો જોઈએ.

CM Bhupendra Patelએ કહ્યું કે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ અને માર્ગદર્શનમાં વર્ષ-૨૦૨૫ ભારતના ગૌરવને ઉજાગર કરવાનું વર્ષ બની રહ્યું છે. આ વર્ષે આપણે ભગવાન બિરસા મુંડાની ૧૫૦મી જન્મજયંતી, સરદાર સાહેબની ૧૫૦મી જન્મજયંતી અને આપણા રાષ્ટ્રીય ગીત વંદે માતરમના ૧૫૦ વર્ષની ઉજવણી કરી રહ્યા છીએ.

તેમણે કહ્યું કે એકતાનગર ખાતે ગત મહિને યોજાયેલા ‘રાષ્ટ્રીય જનજાતિ ગૌરવ દિવસ’ અને ભવ્ય ‘ભારત પર્વ’ જેવા કાર્યક્રમોમાં અનેકતામાં એકતાનો ભાવ પ્રદર્શિત કરતી સાંસ્કૃતિક ઝલક લોકોને જોવા મળી હતી અને ભારતીય પરંપરા પુનર્જીવિત થઈ હતી.

CM Bhupendra Patelએ ભારતીય સંસ્કૃતિનું મહત્ત્વ સમજાવતા કહ્યું હતું કે વિશ્વમાં ભારતની ઓળખ તેની પ્રાચીન અને પરમ સત્ય તરફ લઈ જનારી સંસ્કૃતિને કારણે જ છે. તેમણે સ્વામી વિવેકાનંદનું ઉદાહરણ આપતા કહ્યું કે જ્યારે તેમણે પશ્ચિમના લોકોને માત્ર ભારતીય સંસ્કૃતિની એક નાની ઝલક જ આપી હતી, જેનાથી તેઓ અભિભૂત થઈ ગયા હતા. જે લોકો તેમાં ઊંડા ઉતર્યા, તેમણે પોતાનું જીવન આ સંસ્કૃતિને સમર્પિત કરી દીધું. તારે નવી પેઢીને આપણી સનાતન સભ્યતાનાં મૂળ મૂલ્યોનો પરિચય થાય, તે પણ ખૂબ જ આવશ્યક છે.

પટેલે ભારતકૂલના આ બીજા અધ્યાયના આયોજન બદલ ગુજરાત મીડિયા ક્લબ અને ગુજરાત યુનિવર્સિટીને અભિનંદન પાઠવી, યુવા શક્તિને તેમના સાંસ્કૃતિક મૂલ્યો સાથે જોડાવા બદલ આ કાર્યક્રમને એક યોગ્ય મંચ ગણાવ્યો હતો.

તેમણે ભારપૂર્વક જણાવ્યું કે દેશને આગળ લઈ જવા અને વડાપ્રધાનના ‘વિકસિત ભારત’ના સ્વપ્નને સાકાર કરવા માટે સૌએ સાથે મળીને કામ કરવું પડશે. જો આ સંકલ્પ સાથે આગળ વધીશું, તો વિકસિત ભારત@૨૦૪૭નું સ્વપ્ન અચૂક સાકાર થશે જ અને તેમાં ગુજરાત અગ્રેસર હશે તેવો વિશ્વાસ તેમણે વ્યક્ત કર્યો હતો. આ માટે મુખ્યમંત્રીએ યુવાશક્તિએ સમય સાથે કદમ મિલાવીને સ્વદેશી, સાંસ્કૃતિક મૂલ્યોના જતન અને ગુલામીની માનસિકતામાંથી મુક્તિ જેવા સંકલ્પો સાથે વિકાસના પંથે આગળ વધવા અનુરોધ કર્યો હતો.

નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ ગુજરાતના વિકાસમાં ‘ભાવ, રાગ અને તાલ’ને મહત્વના ગણાવી ભારતકૂલના કાર્યક્રમમાં ‘ભાવ, રાગ અને તાલ’ જેવા અદભુત વિષયોની પસંદગી બદલ આયોજકોને અભિનંદન પાઠવ્યા હતા.

તેમણે જણાવ્યું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતના વિકાસની હરણફાળની જે રીતે શરૂઆત કરાવી, તેની પાછળ રાજ્યના વિકાસનો ભાવ મુખ્ય હતો. તેમના મતે, પોતાના રાજ્ય માટે કંઈક સારું થાય તો ખુશી થવી જોઈએ અને કંઈ ખરાબ થાય તો દુઃખ થવું જોઈએ, આ જ ભાવના વિકાસ માટે અનિવાર્ય છે. આ ત્રણેય વિષયો-ભાવ, રાગ અને તાલ પર યુવાનો વધુમાં વધુ જોડાય તે માટેના પ્રયાસોની તેમણે સરાહના કરી હતી.

તેમણે કહ્યું કે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળની સરકારમાં સંસ્કૃતિ, વિરાસત, રાગ અને તાલના ક્ષેત્રે થયેલા અદભુત કાર્યોની તેમણે નોંધ લીધી હતી. નાયબ મુખ્યમંત્રીએ ખાસ કરીને વડનગરમાં દેશનું સૌથી મોટું મ્યુઝિક સ્ટુડિયો બનવા જઈ રહ્યો હોવાની અને વડોદરામાં પણ સમાન વ્યવસ્થાઓ ઊભી થઈ રહી હોવાની જાણકારી આપી હતી.

તેમણે જણાવ્યું કે છેલ્લાં ૩૦ વર્ષમાં સંસ્કૃતિ સંવર્ધન સહિતનાં ક્ષેત્રોમાં જેટલું કામ થયું છે, તે નરેન્દ્રભાઈ મોદીના શાસનની શરૂઆતથી આજ સુધી નિરંતર ચાલુ છે. તેમણે રિસર્ચ ડોક્યુમેન્ટ અને ચર્ચામાંથી નીકળેલા સૂચનોને સરકારને સોંપવા વિનંતી કરી, જેથી આ વિષયો માત્ર કાર્યક્રમો પૂરતા સીમિત ન રહે અને તેમને સરકારનાં કાર્યોમાં જોડી શકાય.

નાયબ મુખ્યમંત્રી સંઘવીએ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો તેમની ટીમ-લીડર તરીકેની ભૂમિકા માટે આભાર વ્યક્ત કર્યો હતો. તેમણે ક્લીન હાર્ટ અને સચોટ સારા વ્યક્તિ તરીકે છેલ્લાં ત્રણ વર્ષથી કામ કરી રહેલા મુખ્યમંત્રીને ધારાસભ્યો અને રાજ્યના નાગરિકો વતી અભિનંદન પાઠવ્યા હતા અને સરકારમાં ટીમને વિશ્વાસ આપીને વધુમાં વધુ તાકાત આપવા બદલ રાજ્યના નાગરિકોનો આભાર વ્યક્ત કર્યો હતો.

આ પ્રસંગે ઉપસ્થિત બીએપીએસ સંસ્થાના સંત બ્રહ્મવિહારી સ્વામીએ વર્તમાન સમયમાં મીડિયાના મહત્ત્વ વિશે વાત કરતાં કહ્યું કે સત્યને ઉજાગર કરવું એ માધ્યમોનો ધર્મ છે. આ માટે સતત સવાલો પૂછવા જોઈએ. પરંતુ, સાથે-સાથે ‘સ્વ’ને પણ સવાલો પૂછતા રહેવા તેમણે માર્મિક ટકોર કરી હતી. ગુજરાતથી શરૂ કરેલી વિકાસયાત્રાથી આગળ વધીને ભારતને ફરી વિશ્વગુરુ બનાવવા માટે વડાપ્રધાન મોદીના પ્રયાસોની તેમણે સરાહના કરી હતી. તેમણે પૂર્વ રાષ્ટ્રપતિ સ્વ. અબ્દુલ કલામનું ઉદાહરણ ટાંકીને રાજ્ય અને દેશના વિકાસમાં સહભાગી થવા સૌને અનુરોધ કર્યો હતો.

આ પ્રસંગે ગુજરાત મીડિયા ક્લબના પ્રમુખ નિર્ણય કપૂરે સંસ્થાનાં કાર્યો તથા ‘ભારતકૂલ’ કાર્યક્રમ વિશે વિસ્તૃત જાણકારી આપી હતી. તેમણે કહ્યું કે ગયા વર્ષે જ્યાંથી પ્રથમ અધ્યાયને અલ્પવિરામ મૂક્યું હતું, ત્યાંથી બીજો અધ્યાય આગળ વધી રહ્યો છે. તેમણે આ આયોજનને ભારતીય સંસ્કૃતિને ઉજાગર કરતું માધ્યમ ગણાવ્યું હતું.

આ કાર્યક્રમમાં રાજ્યસભા સાંસદ પરિમલ નથવાણી, ગુજરાત મીડિયા ક્લબના વાઇસ પ્રેસિડેન્ટ દીક્ષિત સોની, જનરલ સેક્રેટરી સંજય પાંડે, ભારતકૂલના ફાઉન્ડર મલ્હાર દવે તેમજ પ્રિન્ટ અને ઈલેક્ટ્રોનિક મીડિયાકર્મીઓ તેમજ સાહિત્યરસિકો અને વિદ્યાર્થીઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા