CM Bhupendra Patel News: મહેસાણા જિલ્લાના વિકાસના ઇતિહાસમાં એક નવું સોપાન ઉમેરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રપટેલે આજે વિસનગર ખાતે ‘મહિમાવંત મહેસાણા’ કાર્યક્રમ અંતર્ગત 938 કરોડથી વધુના વિવિધ જનહિતલક્ષી પ્રકલ્પોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું હતું.

આ અવસરે મુખ્યમંત્રીએ વિસનગર અને મહેસાણા જિલ્લા માટે રૂ. 630 કરોડથી વધુના કામોનું ખાતમુહૂર્ત, રૂ. 168 કરોડથી વધુના કામોનું ભૂમિપૂજન તેમજ રૂ. 140 કરોડના ખર્ચે પૂર્ણ થયેલા વિવિધ વિકાસકામો જનતા માટે ખુલ્લા મૂક્યા હતા. આ પ્રકલ્પો મહેસાણા જિલ્લાના સર્વાંગી ઉત્કર્ષ માટે સીમાચિહ્નરૂપ સાબિત થશે તેવી મક્કમતા મુખ્યમંત્રીએ વ્યક્ત કરી હતી. સગર્ભા માતાઓને આ કાર્યક્રમ દરમ્યાન પોષણ કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. સૌ નાગરિકોએ મુખ્યમંત્રીની પ્રેરણાદાયી ઉપસ્થિતિમાં સ્વદેશી અપનાવવાના શપથ લીધા હતા.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે ગુજરાત આજે ફાઇનાન્શિયલ મેનેજમેન્ટમાં દેશમાં અગ્રેસર છે, જેના પરિણામે આજે ગુજરાતમાં નાણાંની કોઈ તંગી વર્તાતી નથી. મુખ્યમંત્રીએ ખાતરી આપી હતી કે મહેસાણા જિલ્લાના વિકાસ માટે સરકાર પાસે ભંડોળની કોઈ કમી નથી અને જિલ્લામાંથી આવતા દરેક વ્યાજબી કામને પ્રાધાન્ય આપી મંજૂર કરવામાં આવશે.

રાજ્યના સર્વાંગી વિકાસનો ચિતાર રજૂ કરતા મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે છેલ્લા ત્રણ દિવસમાં જ ગુજરાતમાં રૂ. ૨૫૦૦ કરોડથી વધુના વિકાસકામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે.
મહેસાણા-પાલનપુર રેલવે લાઇનનું ડબલિંગ અને વર્ષોથી પડતર એવી તારંગા-અંબાજી રેલવે લાઇનને મળેલી મંજૂરી આ વિસ્તારની આર્થિક ગતિવિધિઓને વેગ આપશે.

આ ઉપરાંત, વડાપ્રધાનના જન્મસ્થળ વડનગરને વર્લ્ડ ક્લાસ હેરિટેજ ટાઉન તરીકે વિકસાવવાની કટિબદ્ધતા દોહરાવતા મુખ્યમંત્રીએ પ્રેરણા સ્કૂલ, આર્કિયોલોજીકલ મ્યુઝિયમ અને રેલવે સ્ટેશનના નવીનીકરણનો ઉલ્લેખ કર્યો હતો.

ભુપેન્દ્ર પટેલે ઉમેર્યું હતું કે મહેસાણા માં ઉત્તર ગુજરાત રીજીયનની રિજનલ વાઇબ્રન્ટ સમિટમાં થયેલા રૂ. ૩.૨૪ લાખ કરોડના એમઓયુ જિલ્લાના ઔદ્યોગિક ભવિષ્યની ઝાંખી કરાવે છે અને હવે આ જિલ્લો ફૂડ પ્રોસેસિંગ હબ તરીકે પણ ઉભરી રહ્યો છે.

આ પ્રસંગે ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રી ઋષિકેશભાઇ પટેલે જણાવ્યું હતું કે વડાપ્રધાનએ શરૂ કરેલી વિકાસની મશાલને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તેજ ગતિએ આગળ ધપાવી રહ્યા છે. તેમણે સરકારની ખેડૂતલક્ષી નીતિઓની વિગતો આપતા કહ્યું કે રાજ્ય સરકારે ખેડૂતો માટે રૂ. ૧૧,૦૦૦ કરોડનું માતબર પેકેજ જાહેર કર્યું છે, જે અંતર્ગત મહેસાણાના ખેડૂતોને પાક નુકસાની પેટે રૂ. ૨૫૦ કરોડથી વધુની રકમ સીધી તેમના ખાતામાં જમા કરવામાં આવી છે. જિલ્લામાં આરોગ્ય માળખું મજબૂત કરતા વિજાપુર અને ખેરાલુને સબ-ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલની ભેટ મળી છે, તેમજ શિક્ષણ ક્ષેત્રે એમ.એન. સાયન્સ કોલેજની સાથે નવીન કોલેજો અને સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી માટે વિશેષ સુવિધાઓ ઊભી કરવામાં આવી છે.

મંત્રીએ વધુમાં ઉમેર્યું હતું કે છેવાડાના માનવીના ‘ઈઝ ઓફ લિવિંગ’માં સુધારો કરવા માટે સરકાર કટિબદ્ધ છે. શહેરોને વાયર-ફ્રી બનાવવા માટે ઊંઝા સહિતની નગરપાલિકાઓમાં ભૂગર્ભ વીજ લાઇન નાખવાની કામગીરી પૂર્ણતાના આરે છે. મોઢેરાના સૂર્યમંદિર અને વડનગરના ઐતિહાસિક ગૌરવ સાથે આધુનિક સુવિધાઓનો સમન્વય સાધીને ગુજરાત ૨૦૪૭ સુધીમાં ‘વિકસિત ભારત’ના નિર્માણમાં પાયાની ભૂમિકા ભજવશે.

કાર્યક્રમની શરૂઆતમાં મહેસાણા કલેક્ટર એસ. કે. પ્રજાપતિએ મહાનુભાવોનું સ્વાગત કર્યું હતું અને જિલ્લા વિકાસ અધિકારી ડો. હસરત જૈસમીને આભારવિધિ કરી હતી.

આ ગરિમામય કાર્યક્રમમાં જિલ્લા પ્રભારી મંત્રી પ્રવિણભાઈ માળી, રાજ્યસભા સાંસદ મયંક નાયક, સાંસદ હરિભાઈ પટેલ, ભરતસિંહ ડાભી, તેમજ ધારાસભ્યો સર્વ મુકેશ પટેલ, સી.જે. ચાવડા, કિરીટભાઈ પટેલ, સુખાજી ઠાકોર, સરદારભાઈ ચૌધરી અને રાજેન્દ્રભાઈ ચાવડા ઉપસ્થિત રહ્યા હતા. આ સાથે જ દૂધસાગર ડેરીના ચેરમેન અશોકભાઈ ચૌધરી, અગ્રણીઓ ગીરીશભાઈ રાજગોર, વિનોદભાઈ પટેલ તેમજ યુજીવીસીએલના એમડી એમ.એફ. ચૌધરી સહિત મોટી સંખ્યામાં નાગરિકો અને અધિકારીઓ સહભાગી થયા હતા.