CM Bhupendra Patel News: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગર શહેરમાં ટાઈફોઈડના રોગચાળાના કારણે સર્જાયેલી સ્થિતિમાં મહાનગરપાલિકા અને રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા સંયુક્તપણે લેવાઈ રહેલા દર્દીઓની સારવાર, રોગ નિયંત્રણ અને નિવારણ માટેના પગલાઓ વધુ સઘન બનાવવા માટેના સૂચનો ઉચ્ચ સ્તરીય સર્વગ્રાહી સમીક્ષા બેઠકમાં કર્યા હતા.
ગાંધીનગર મ્યુનિસિપલ કમિશનરએ આ રોગચાળાના નિયંત્રણ માટે મહાનગરપાલિકા દ્વારા આરોગ્ય વિભાગના સંકલનમાં રહીને થઈ રહેલી કામગીરીની વિગતો મુખ્યમંત્રીને આ બેઠકમાં આપતા કહ્યું કે, હવે કેસોમાં ઉત્તરોત્તર ઘટાડો જોવા મળી રહ્યો છે. મહાનગરપાલિકા દ્વારા 85 સર્વે ટીમ બનાવીને 1 લાખ 58 હજારથી વધુ લોકોનું સર્વેલન્સ કરવામાં આવ્યું છે. ક્લોરિન ટેબલેટ્સ અને ઓ.આર.એસ. પેકેટ પણ પૂરતા પ્રમાણમાં વિતરણ કરવામાં આવ્યાં છે. લીકેજીસના રિપેરીંગ કામ અગ્રતાના ધોરણે હાથ ધરાયા છે તેમજ તમામ પાણીના સ્ત્રોતોમાં સુપર ક્લોરિનેશન પણ કરવામાં આવ્યું છે.
CM Bhupendra Patelએ પાણીજન્ય રાગચાળો ફેલાતો અટકાવવાના સઘન ઉપાયરૂપે ગાંધીનગર સહિત રાજ્યના શહેરી ક્ષેત્રોમાં પીવાના પાણીના સેમ્પલ દરરોજ લઈ તેની યોગ્યતા અને ક્લોરિનેશનના રિપોર્ટ્સ મેળવ્યા પછી જ પાણી વિતરણ વ્યવસ્થા થાય તે માટેના સ્પષ્ટ દિશાનિર્દેશો આપ્યા હતા.
CM Bhupendra Patelએ હાલ પાઈપલાઈન અંગેના જે કામો પ્રગતિમાં છે, તેની ફિલ્ડ વિઝિટ કરીને ગુણવત્તા અને ચોકસાઈ સુનિશ્ચિત કરવા સંબંધિત અધિકારીઓને સૂચનાઓ આપી હતી. તેમણે વોટર ટેસ્ટીંગનો વ્યાપ વધારવા અને લીકેજીસ તાત્કાલિક ધોરણે અટકાવવાના પગલાઓ લેવા તાકીદ કરી હતી.
નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી વિડીયો કોન્ફરન્સ મારફતે તથા આરોગ્ય વિભાગના અધિક મુખ્ય સચિવ રાજીવ ટોપનો, મુખ્યમંત્રીના અગ્ર સચિવ સંજીવ કુમાર, પાણી પુરવઠા અને શહેરી વિકાસના અગ્ર સચિવશ્રીઓ, મુખ્યમંત્રીના અધિક અગ્ર સચિવ ડૉ. વિક્રાંત પાંડે, શહેરી ક્ષેત્રના આરોગ્ય કમિશનર ડૉ. રતનકંવર ગઢવીચારણ અને ગાંધીનગરના મ્યુનિસિપલ કમિશનર, જિલ્લા કલેક્ટર, જિલ્લા વિકાસ અધિકારી તેમજ આરોગ્ય વિભાગના વરિષ્ઠ અધિકારીઓ અને તબીબો આ બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા.





