CM Bhupendra Patel News: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મકરસંક્રાંતિના પર્વની ઉજવણી અમદાવાદના ઐતિહાસિક દરિયાપુર વિસ્તારના વાડીગામ ખાતે સ્થાનિક રહીશો સાથે કરી હતી. મુખ્યમંત્રીએ આ અવસરે રાજ્યના તમામ નાગરિકોને મકરસંક્રાંતિની શુભેચ્છાઓ પાઠવતા સુખ, શાંતિ અને સમૃદ્ધિની કામના કરી હતી.

જેમ પતંગ આકાશની ઊંચાઈઓને આંબે છે, તેમ ગુજરાત વિકાસની નવી ઊંચાઈઓ સર કરે તેવી ભાવના સાથે મુખ્યમંત્રીએ વાડીગામની મૂળજી પારેખની પોળમાં પતંગ ચગાવીને પર્વનો આનંદ માણ્યો હતો. મુખ્યમંત્રીશ્રીને પોતાની વચ્ચે જોઈ સ્થાનિકોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો.

પોળના રહીશોએ પોતપોતાના ધાબા પરથી હર્ષનાદ અને અભિવાદન સાથે મુખ્યમંત્રીનું ભાવભીનું સ્વાગત કર્યું હતું. મુખ્યમંત્રીએ અભિવાદન ઝીલીને સૌનો ઉત્સાહ વધાર્યો હતો.

આ ઉજવણીમાં મુખ્યમંત્રીની સાથે અમદાવાદના સાંસદ દિનેશભાઈ મકવાણા, દરિયાપુરના ધારાસભ્ય કૌશિકભાઈ જૈન, સ્થાનિક કાઉન્સિલરઓ તેમજ રાજકીય અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

મુખ્યમંત્રી સાથે પતંગબાજીનો આનંદ માણવાની તક મળતાં ઉપસ્થિત લોકો અને પતંગરસિયાઓ માટે મકરસંક્રાંતિનો ઉત્સવ યાદગાર બની રહ્યો હતો.