CM Bhupendra Patel News: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગરમાં વન વિભાગની બે દિવસીય ચિંતન શિબિરના સમાપન અવસરે જણાવ્યુ કે, ગુડ ગવર્નન્સ માટે સતત ચિંતન કરવું અત્યંત જરૂરી છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ટેકનોલોજીના માધ્યમથી ગુડ ગવર્નન્સની એક નવી દિશા આપી છે. તેમણે ટેક્નોલોજીનો વધુમાં વધુ ઉપયોગ કરી નાગરિકોને સરળ અને ઝડપી સેવા દ્વારા સુશાસનનો માર્ગ દર્શાવ્યો હોવાનું મુખ્યમંત્રીએ જણાવ્યું હતું.

વડાપ્રધાનના ‘બેક ટુ બેઝિક, બેક ટુ નેચર અને મિશન લાઈફ’ના મંત્રનો ઉલ્લેખ કરતાં મુખ્યમંત્રીએ જણાવ્યું કે, જીવનશૈલીમાં પર્યાવરણને મુખ્ય સ્થાન આપીને જીવનશૈલી પર્યાવરણલક્ષી લાઈફ સ્ટાઈલની આવશ્યકતા સમજાવી હતી.

CM Bhupendra Patelએ જણાવ્યું કે,ગ્રીન કવર વધારીને જ ગ્લોબલ વોર્મિંગની વિનાશક અસરોમાંથી પોતાને અને આવનારી પેઢીઓને બચાવી શકાશે. મુખ્યમંત્રીએ કહ્યુ કે, પર્યાવરણ સંરક્ષણ માટે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ‘એક પેડ માં કે નામ’ જેવા અભિયાનોની શરૂઆત કરાવી છે. આવા પર્યાવરણલક્ષી અભિયાનોના સકારાત્મક પરિણામોથી છેલ્લા 12 વર્ષમાં રાજ્યમાં વન વિસ્તાર બહારના વૃક્ષોની સંખ્યામાં ૪૭ ટકાનો નોંધપાત્ર વધારો થયો છે.

મુખ્યમંત્રીએ ટેકનોલોજીના ઉપયોગ દ્વારા બંઝર જમીનમાં વધુને વધુ વૃક્ષો વાવીને રાજ્યને હરિયાળું બનાવવા પણ આહવાન કર્યુ હતું. તેમણે કહ્યું કે, વડાપ્રધાનના અવિરત પ્રયાસો અને દિશાદર્શનના કારણે નાગરિકોમાં પર્યાવરણ સંરક્ષણ અંગે જાગૃતિ આવી છે. વૃક્ષારોપણ, પાણી સંરક્ષણ અને પર્યાવરણ જાળવણીના કાર્યોમાં જનભાગીદારી વધી રહી છે.

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ કરેલા વિકસિત ભારતના સંકલ્પમાં વન વિભાગના પ્રયાસથી પર્યાવરણ સુરક્ષા સાથે ગુજરાત અગ્રેસર બનીને લીડ લેશે એવો વિશ્વાસ મુખ્યમંત્રીએ વ્યક્ત કર્યો હતો.

વન અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડીયાએ જણાવ્યું હતું કે, તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ગુજરાતમાં વર્ષ ૨૦૦૩‌માં સૌ પ્રથમ વન વિભાગની ચિંતન શિબિર યોજાઈ હતી ત્યારબાદ આ બીજી ચિંતન શિબિર છે. આ બે દિવસીય ચિંતન શિબિરમાં વન વિભાગ અધિકારીઓમાં સમાયેલી કાર્ય શક્તિ અને આગવી ટેલેન્ટ જોવા મળી છે. આ ચિંતન શિબિરમાં વન વિભાગના વિકાસ માટે જે ચિંતન અને મંથન થયું છે તેને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં આગળ વધારીશું.

મંત્રી મોઢવાડિયાએ કહ્યું કે,વન વિભાગ અધિકારીઓએ વનની જમીન માલિકીપણાના ભાવે સાથે સાચવી રાખી છે જે વનના વિકાસ માટે જરૂરી છે. સૌથી વધુ દરિયા કિનારો ધરાવતા ગુજરાતે ઉદ્યોગોના વિકાસની વચ્ચે દરિયા કિનારે મેન્ગ્રુવના જંગલોમાં પણ વધારો કર્યો છે.

ગુજરાતમાં નર્સરી કલ્ચરને પ્રાધાન્ય આપીને‌ ગ્રીન કવર વધારવા માટે મુખ્યમંત્રીના માર્ગદર્શનમાં વિવિધ જિલ્લાઓમાં ૮ થી ૧૦ હાઇટેક નર્સરી તૈયાર કરવાનું આયોજન છે. જેમાં એગ્રો,હોર્ટિકલ્ચર અને વન વિભાગ એમ ત્રણ પ્રકારે મોટા છોડ સાથેની નર્સરી તૈયાર કરવામાં આવશે જેથી વૃક્ષ જીવંત રહેવાનું પ્રમાણ વધી જશે. આ ઉપરાંત ગુજરાતમાં ઇકો ટુરીઝમની અપાર સંભાવનાઓ છે જેને વધુ બળ આપવામાં આવશે. આવનારા સમયમાં ભાવી પેઢી માટે ગુજરાતમાં વધુને વધુ ગ્રીન કવર તૈયાર કરીને વડાપ્રધાનના ‘વિકસિત ગુજરાતથી, વિકસિત ભારત’ ૨૦૪૭ના સંકલ્પને સાકાર કરવા મંત્રીએ અધિકારીઓની આહ્વાન કર્યું હતું.

મુખ્ય સચિવ મનોજકુમાર દાસે પ્રાસંગિક ઉદબોધન કરતા જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતમાં શરૂ કરેલી ‘ચિંતન શિબિર’ના આજે રાજ્યને સફળ પરિણામો મળી રહ્યાં છે. આવી ચિંતન શિબિરના આયોજનથી નીતિ નિર્ધારકો અને જમીની સ્તરે પર કામ કરતા વહીવટી તંત્ર વચ્ચે સીધો સંવાદ શક્ય બન્યો છે.

તેમણે રાજ્યમાં વન્યજીવોના સંરક્ષણની સફળતા અંગે ગૌરવ વ્યક્ત કરતા કહ્યું હતું કે, વન વિભાગના પ્રો એક્ટિવ એપ્રોચના પરિણામે ગુજરાતમાં સિંહોની સંખ્યા સતત વધી રહી છે. તદુપરાંત, રાજ્યમાં વાઘ અને ચિત્તાના આગમન સાથે વન્યજીવ સૃષ્ટિ પણ વધુ સમૃદ્ધ બની રહી છે.

પર્યાવરણ અને વિકાસના સંતુલન પર ભાર મૂકતા મુખ્ય સચિવએ સ્પષ્ટ કર્યું હતું કે, વિકાસ અને પર્યાવરણ એકબીજાના વિરોધી નહીં પરંતુ પૂરક છે અને ટેકનોલોજીના માધ્યમથી આ બંને વચ્ચે સંતુલન જાળવવું એ આજના સમયનો મુખ્ય પડકાર છે. હાલમાં રાજ્યનો કુલ વન વિસ્તાર ૧૧ ટકા છે, જેને વધારીને ૧૩ ટકા સુધી લઈ જવા તેમણે સૌને આહ્વાન કર્યું હતું. આ લક્ષ્યને હાંસલ કરવા માટે ટેકનોલોજી અને આધુનિક વ્યવસ્થાપન પદ્ધતિઓનો ઉપયોગ કરવા માટે પણ તેમણે તાકીદ કરી હતી.

કાર્યક્રમના પ્રારંભે વન વિભાગના અગ્ર સચિવ વિનોદ રાવે સૌનું શાબ્દિક સ્વાગત કરતા જણાવ્યું હતું કે, આ ચિંતન શિબિર છેલ્લા બે મહિનાની સઘન તૈયારીઓનું પરિણામ છે, જેમાં પાંચ ગ્રુપ દ્વારા વન વિકાસ અને વ્યવસ્થાપન, વન્યજીવ, સામાજિક વનીકરણ, આજીવિકા અને સંસ્થાકીય સુદ્રઢીકરણ જેવા મહત્વના પાંચ વિષયો પર ગહન ચર્ચા-વિચારણા કરી છે.

આ શિબિરના તારણ રૂપે ૧૦ મહત્વપૂર્ણ સૂચનો રજૂ કરવામાં આવ્યા છે, જેનો ઉલ્લેખ કરતા અગ્ર સચિવએ કહ્યું હતું કે, રાજ્યમાં વધારાના એક લાખ હેક્ટરમાં મેન્ગ્રોવ્સ અને એક લાખ હેક્ટર વિસ્તારમાં ગ્રાસલેન્ડ વિકસાવવા ઉપરાંત આગામી બે વર્ષમાં બાકી રહેલા જિલ્લાઓમાં સાંસ્કૃતિક વન તૈયાર કરવાની નેમ વ્યક્ત કરવામાં આવી છે.

વધુમાં, વનીકરણના સફળ મોડલ એવા ‘વન કવચ’ને વર્ષ ૨૦૩૫ સુધીમાં ૧૦ થી ૧૫ હજાર ગ્રામ પંચાયતો સુધી લઈ જવાનું અને પીપીપી મોડલ દ્વારા ઇકો ટુરિઝમ પોલિસી અમલી બનાવી લોકોની આજીવિકા વધારવાનું આયોજન છે. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે, મુખ્યમંત્રીના માર્ગદર્શનમાં વન વિભાગ તમામ સૂચનો પર કામ કરીને આગામી સમયમાં પરિણામલક્ષી કામગીરી કરશે.
કાર્યક્રમના અંતે વન વિભાગના વડા અને અગ્ર મુખ્ય વન સંરક્ષક ડૉ. જયપાલ સિંઘે આભારવિધિ કરી હતી.

આ કાર્યક્રમમાં વન રાજ્ય મંત્રી પ્રવિણભાઈ માળી, ગુજરાત રાજ્ય વન વિકાસ નિગમના મેનેજિંગ ડિરેક્ટર ડૉ. એ. પી. સિંઘ સહિત વન અને પર્યાવરણ વિભાગના ઉચ્ચ અધિકારીઓ તેમજ કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.