CM Bhupendra Patel on Chintan Shibir: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્ય સરકારની 12મી ચિંતન શિબિરનો પ્રારંભ કરાવતા સ્પષ્ટપણે જણાવ્યું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ હંમેશા સમયથી આગળનું વિચારીને અને સતત ચિંતન કરીને ગ્લોબલી આગળ રહેવાની સંસ્કૃતિ ચિંતન શિબિર થકી વિકસાવી છે.
આ સંદર્ભમાં તેમણે કહ્યું કે ગમે તેવી સ્થિતિ હોય દ્રઢ મનોબળ અને અડગ વિશ્વાસથી વિકાસની ગતિ અને સામાન્ય માનવીના ભલા માટેના કામોની દિશામાં આગળ વધવા માટે સામૂહિક ચિંતનનું પ્લેટફોર્મ આવી ચિંતન શિબિર પૂરું પાડે છે.
CM Bhupendra Patelએ દરેક ચિંતન શિબિરના પ્રારંભમાં પ્રસ્તુત થતા પ્રેરણા ગીત “મનુષ્ય તું બડા મહાન હૈ” ની વિભાવના માર્મિક રીતે સમજાવતા કહ્યું કે, આપણામાં જે અનંત શક્તિ પડેલી છે તેની તાકાત-ક્ષમતા ઓળખીને પ્રજાના હિતનું કામ સતત કરતા રહેવું તેની પ્રેરણા ચિંતન શિબિરના વિચાર મંથનથી મળે છે.
તેમણે કહ્યું કે આપણને જે જવાબદારી મળી છે તેને પૂરી નિષ્ઠાથી નિભાવીએ અને લોકોના કામના નિકાલને બદલે ઉકેલ લાવીએ તેવા પોઝિટિવ થીંકીંગથી કાર્યરત રહીએ તો જ ઈશ્વરે આપણને આપેલી જન સેવાની તકને ઉજાળી શકીશું. આ માટે જે કામ કરીએ તેનું મૂલ્યાંકન ચિંતન કરીને તેના પરિણામોનું પણ મંથન સમયાંતરે કરવાની જરૂરિયાત તેમણે સમજાવી હતી.
મુખ્યમંત્રીએ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ચિંતન શિબિરની 2003માં શરૂઆત કરાવતા કહેલી વાત “સાથે આવવું શરૂઆત છે, સાથે વિચારવું એ પ્રગતિ છે અને સાથે કામ કરવું એ સફળતા છે” નો ઉલ્લેખ કરતાં જણાવ્યું કે, સામૂહિક ચિંતનથી સામૂહિક વિકાસનો ધ્યેય ચિંતન શિબિરોથી પાર પડ્યો છે. હવે આપણે વધુ તેજ ગતિ અને શ્રેષ્ઠતા તરફ સાથે મળીને આગળ જવાનું મંથન ત્રણ દિવસની શિબિરમાં કરવું છે.
પૂજ્ય બાપુને પ્રિય ભજન વૈષ્ણવજન તો…નો મર્મ અને અર્થ પણ સમગ્ર સેવા કાળમાં અપનાવીને સૌના કલ્યાણ માટે હંમેશા કર્તવ્યરત રહેવાની તેમણે અપીલ કરી હતી.
ભૂપેન્દ્ર પટેલે વડાપ્રધાનશ્રીએ 2047 સુધીમાં વિકસિત ભારતનું જે આહવાન કર્યુ છે તેમાં ગુજરાતને લીડ લેવા સજ્જ કરવામાં શિબિરનું વિચાર મંથન ઉપયુક્ત બનશે તેવો વિશ્વાસ કર્યો હતો. તેમણે ગુજરાતની સ્થાપનાના 75 વર્ષની ઉજવણીનો અવસર 2035માં આવશે તેને 2047ના વિકસિત ભારત- વિકસિત ગુજરાત માટેનો જે રોડ મેપ આપણે તૈયાર કર્યો છે તેનો એક માઈલસ્ટોન ગણાવ્યો હતો.
મુખ્યમંત્રીએ કહ્યું કે આ રોડ મેપને પ્રજાની સુખાકારી માટે વધુ ઉપયોગી અને નવીનતા સભર કઈ રીતે બનાવી શકાય તે માટેના પોતાના વિચારો પણ ત્રિદિવસીય શિબિરના ચર્ચા સત્રોમાં મળે તેવી તેમની અપેક્ષા છે.
સામાન્ય વહીવટ વિભાગના અગ્ર સચિવ શ્રી હારિત શુક્લાએ સ્વાગત પ્રવચન કરી ૧૨મી ચિંતન શિબિરની રૂપરેખા આપી હતી. તેમણે અગાઉ યોજાઈ ગયેલી ચિંતન શિબિરોની યાદોને વાગોળતા જણાવ્યું હતું કે, અગાઉની ચિંતન શિબિરોમાં થયેલી ચર્ચાના આધારે જે ભલામણો થઈ તેના પર નિર્ણય લેવાથી વહીવટમાં ઘણી ગતિ આવી છે.
તેમણે ચિંતન શિબિરના એજન્ડા નક્કી કરવા માટે કરવામાં આવેલા મનોમંથનની વિગતો આપી ઉપસ્થિત ટીમ ગુજરાતના સભ્યો શિબિરમાંથી મેળવેલા નિષ્કર્ષને જાહેર વહીવટ અને સેવાને સરળ બનાવવા અનુરોધ કર્યો હતો.
આ 12મી ચિંતન શિબીરમાં વિકસિત ગુજરાતને વધુ દ્રઢતા પુર્વક સાકાર કરવાં જે પાંચ ફોકસ સબજેક્ટ ચર્ચા અને ગ્રુપ ડિશક્શન માટે પસંદ કરવામાં આવ્યા છે તેની વિગતો આપતાં કહ્યુ કે આ વિષયોમાં ક્ષમતા નિર્માણ અને મૂલ્યાંકન, પોષણ અને આરોગ્ય, ગ્રીન ઉર્જા અને પર્યાવરણ, જાહેર સલામતી, સેવા ક્ષેત્રમાં વૃદ્ધિ વગેરેનો સમાવેશ થાય છે.
મુખ્ય સચિવ મનોજ કુમાર દાસે જણાવ્યું હતું કે, આ શિબિરનો એક આગવો હેતુ વિકસિત ગુજરાતના ધ્યેયને સાકાર કરવા માટે ક્ષમતા નિર્માણ કરવાનો છે. વિકાસની કેડી પર આગળ વધીએ ત્યારે કામનું ભારણ, કામનો પ્રકાર, જાહેર સેવાની જવાબદારી અને જનતાની આશા અપેક્ષાઓ પણ વધે છે. લોકોની સમસ્યાઓ ઉકેલવાનું અને જનહિતના કાર્યો, યોજનાઓને ઉચ્ચ ક્ષમતા સાથે અમલી બનાવવાના છે એમ ઉમેર્યું હતું.
નરેન્દ્રભાઇ મોદીએ તેમના મુખ્યમંત્રી તરીકેના કાર્યકાળમાં પ્રારંભ કરેલી ચિંતન શિબિરની આગવી પ્રણાલી આજે પણ જીવંત રહી છે, ત્યારે ગુજરાતને વિકાસનું મોડેલ બનાવવામાં ચિંતન શિબિરો પણ પાયાના પથ્થર સાબિત થઈ છે એમ જણાવી તેમણે આ ત્રિ-દિવસીય શિબિર સામૂહિક શક્તિથી પ્રગતિની દિશા આપવાનું માધ્યમ બનશે એવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.
ધરમપુરની શ્રીમદ રાજચંદ્ર મિશનની પવિત્ર ભૂમિમાં યોજાઈ રહેલી આ ત્રિ-દિવસીય ચિંતન શિબિરમાં રાજ્ય મંત્રીમંડળના મંત્રીઓ, વરિષ્ઠ સચિવો, સનદી અધિકારીઓ મળીને ૨૪૧ જેટલા પ્રતિભાગીઓ ભાગ લઈ રહ્યા છે.





