Chhota Udaipur: જિલ્લાના કવાંટ તાલુકાના તુરખેડા ગામમાંથી એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. ગામના ખૈંડી ફળિયાની વાણસીબેન રાજુભાઈ નાયકાના પ્રસૂતિ સમયે જરૂરી સારવાર સમયસર ન મળતા તેમનું દુઃખદ મોત થયું છે. આ ઘટના માત્ર એક વ્યક્તિગત દુઃખદ ઘટના જ નહીં, પણ ગામડાના વિસ્તારોમાં વિકાસ અને આરોગ્ય સુવિધાઓના અભાવનું જીવંત ઉદાહરણ બની છે.
વાણસીબેન નાયકાના પરિવાર પાસે ચાર સંતાનો છે અને તે પાંચમી પ્રસૂતિ માટે પીડાથી કષ્ટ ભોગવી રહી હતી. ગામમાં રસ્તાની સુવિધા ન હોવાથી પરિવાર અને આસપાસના યુવાનોને મળીને ખાસ પ્રકારની “ઝોળી” બનાવી, તેમાં વાણસીબેનને નાખીને આશરે ત્રણ કિલોમીટર સુધી ઊંચકીને સાવધા ફળિયા સુધી લઈ જવું પડ્યું હતું. ભારે પીડા અને શારીરિક મુશ્કેલીઓ વચ્ચે તેઓએ પ્રયાસ કર્યો, પરંતુ સમયસર યોગ્ય સારવાર મળવી મુશ્કેલ બની.
સાવધા ફળિયા પહોંચ્યા બાદ 108 એમ્બ્યુલન્સ દ્વારા વાણસીબેનને કવાંટ સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં લઈ જવાયા હતા. અહીંથી તેમને છોટાઉદેપુરની સિવિલ હોસ્પિટલમાં રિફર કરવામાં આવી, અને ત્યારબાદ વધુ સારવાર માટે વડોદરાની એસએસજી હોસ્પિટલ સુધી ખસેડવામાં આવ્યા. પરંતુ દુર્ભાગ્યે, પ્રસૂતિ પહેલાં જ તેમનું મૃત્યુ થયું.
આ ઘટનાએ અનેક પ્રશ્નો ઉભા કર્યા છે. તુરખેડા ગામમાં કુલ સાત ફળિયા છે અને લગભગ 4000 જેટલી વસ્તી વસવાટ કરે છે. આઝાદીના દાયકાઓ બાદ પણ ગામ સુધી પહોંચવા માટે યોગ્ય રસ્તો ન હોવો ચિંતાજનક છે. જ્યારે રાજ્યમાં વિકાસ અને આરોગ્ય સેવાઓ માટે અનેક યોજનાઓ ચાલે છે, ત્યારે આ વિસ્તારમાં મૂળભૂત સુવિધાઓ પણ ઉપલબ્ધ ન હોવી ગંભીર બાબત છે.
સ્થાનિકોનું કહેવું છે કે, “સરકાર અમારી વાત સાંભળતી નથી. રસ્તો ન હોવાથી એ સમયે સારવાર મેળવવી મુશ્કેલ બની જાય છે. ગત વર્ષે પણ રસ્તાના અભાવે એક મહિલાનું મોત થયું હતું અને હવે ફરીથી આવી દુઃખદ ઘટના बनी છે.” ગામના વડીલો અને યુવાનો બંનેએ માંગ કરી છે કે તુરખેડા સહિત નજીકના ફળિયાઓ સુધી રસ્તાની યોગ્ય સુવિધા પૂરી પાડવામાં આવે.
આ સાથે, આરોગ્ય સેવાઓ અંગે પણ પ્રશ્નો ઊભા થયા છે. કવાંટ સામૂહિક આરોગ્ય કેન્દ્ર હોવા છતાં વાણસીબેનને છોટાઉદેપુર મોકલવામાં આવ્યા અને ત્યાંથી પણ તેમને વડોદરા સુધી રિફર કરવામાં આવ્યા. જો સમયસર સારવાર મળી હોત તો કદાચ જીવ બચી શક્યો હોત એવો સ્થાનિકોનો દાવો છે.
આ ઘટના ગ્રામ્ય વિસ્તારોમાં આરોગ્ય અને પરિવહનની સમસ્યાઓ તરફ ધ્યાન દોરે છે. વિકાસની યોજનાઓ ફક્ત કાગળ પર ન રહે, પણ તેનું અમલીકરણ પણ થાય તે જરૂરી છે. ગામડાઓ સુધી પહોંચતી માર્ગ સુવિધાઓ અને આરોગ્ય કેન્દ્રોની પૂરતી સુવિધાઓ ન હોય ત્યારે આવા દુઃખદ બનાવો વારંવાર બને છે.
સરકાર માટે પણ આ એક ચેતવણી સમાન છે કે ગ્રામ્ય વિસ્તારોમાં જરૂરી માળખાકીય સુવિધાઓ પૂરી પાડવી એટલી જ જરૂરી છે જેટલી શહેરોમાં વિકાસ થાય છે. સ્થાનિક લોકોનું જીવન સુધરે, સમયસર સારવાર મળે અને મહિલાઓને પ્રસૂતિ સમયે જરૂરી સહાયતા મળે તે માટે તાત્કાલિક પગલાં લેવા જરૂરી છે.
આ ઘટનાએ સૌને વિચારતા કર્યા છે કે વિકાસનો લાભ સૌ સુધી પહોંચે તે માટે રસ્તા અને આરોગ્ય સેવાઓ બંનેમાં સુધારા આવશ્યક છે. નહીં તો આવા દુઃખદ બનાવો આગળ પણ બનતા રહેશે.
આ પણ વાંચો
- Gujarat: નોકરી આપવાના બહાને વિદેશમાં બંધક બનાવતી ગેંગના સભ્યની ધરપકડ
- પ્રેમની શોધમાં બિહારથી આવી હતી Surat, પ્રેમીએ કાવતરું ઘડી કરી હત્યા; આરોપીની થઇ ધરપકડ
- AK-47 થયાના વીડિયો પુરાવા ગાયબ! 23 વર્ષ પછી Gujarat રમખાણોના ત્રણ આરોપીઓ છૂટ્યા નિર્દોષ
- Gujaratમાં આવી ગઈ MSP પર ખરીફ પાકની ખરીદીની તારીખ, કૃષિ મંત્રીએ જણાવ્યું કેટલો થશે ફાયદો
- Ahmedabadમાં દ્રશ્યમ સ્ટાયલમાં મર્ડર, પત્નીએ તેના પતિના મૃતદેહને રસોડામાં દાટી દીધો





