ભાદરવી પૂનમના મહામેળામાં માઈભક્તોની સુરક્ષા અને સલામતીની જવાબદારી ખડેપગે રાઉન્ડ ધ કલોક ગુજરાત પોલીસ બજાવી રહી છે. Ambaji મેળામાં મંદિર પરિસર અને સમગ્ર મેળામાં ઠેર ઠેર પાંચ હજાર કરતાં વધારે પોલીસ કર્મચારીઓ મા અંબાનો મેળો સુખરૂપ સંપન્ન થાય એ માટે નિષ્ઠાપૂર્વક ફરજ બજાવી રહ્યા છે. ત્યારે મંદિર પરિસરના ગર્ભગૃહમાં સુરક્ષાની જવાબદારી નિભાવાતી મહિલા પોલીસ કર્મચારીનો એક વીડિયો સમગ્ર ગુજરાત પોલીસ માટે ગૌરવનું પ્રતીક બન્યો છે.
ગઢ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા ચેતન કુંવરબા રતનસિંહ નામના મહિલા કોનસ્ટેબલ જે Ambaji મંદિર પરિસરમાં મેળા દરમિયાન દર્શનાર્થીઓની સુરક્ષાની ફરજ બજાવી રહ્યા છે. મંદિરમાં સાફ સફાઈ માટે જ્યારે દર્શન બંધ કરવામાં આવે છે, તે સમયે ચેતન કુંવરબા પોતાની સ્વેચ્છાએ મંદિર પરિસરમાં સફાઈ કરવાની સેવા બજાવે છે. તેમણે મનોમન પોતાનું ઘર આંગણું આપણે સ્વચ્છ રાખીએ છીએ તો માતાજીનું ધામ કેમ નહિ, બસ એજ ભાવના થી નિર્દોષતાથી તેમણે સફાઈની સેવા કરી પણ કહેવાય છે, કે માતાજી પોતાના ભક્તોની ખબર રાખે છે.
ચેતન કુંવરબાની સફાઈ કામગીરી સીસીટીવીમાં કેદ થઈ અને તેના ફૂટેજ જ્યારે પોલીસ વિભાગને જોવા મળ્યા તો તેમને આ મહિલા કર્મચારીની સેવા નિષ્ઠાને બિરદાવતા તેમને અભિનંદન પાઠવ્યા. મીડિયા સાથેની વાતચીતમાં ચેતન કુંવરબાએ બહુ સહજતાથી કહ્યું કે, મને એમ થયું કે આપણે આપણા ઘરની સફાઈ કરી એ છીએ તો, મંદિરમાં સફાઈ કરવા ક્યારે મળવાની. સ્વચ્છતા ત્યાં પ્રભુતા અને સ્વચ્છતાની ટેવ અપનાવવાની અપીલ સાથે તેમણે મા ના આ અવસર ભાદરવી પૂનમ મેળા માં ફરજ બજાવતા દરેક કર્મચારીને મા નો અવસર પોતાનો અવસર ગણી ફરજ સાથે પદયાત્રીઓની સેવા કરવા વિનંતી કરી હતી.