Yatrik Patel AAP News: AAP વિદ્યાર્થી પાંખ ASAP મધ્ય ઝોન પ્રમુખ Yatrik Patel પ્રમુખે વિડિયોના માધ્યમથી કૃષિ યુનિવર્સિટી દ્વારા જુનિયર ક્લાર્કની ભરતી માટેની પરીક્ષામાં છબરડા થયા હોવાની માહિતી આપી હતી. યાત્રિક પટેલે જણાવ્યું હતું કે આજે કૃષિ યુનિવર્સિટી દ્વારા જુનિયર ક્લાર્કની ભરતી માટે જે પરીક્ષા લેવાય તેમાં છબરડા જોવા મળ્યા છે. ઇસનપુર ખાતે આવેલી લીટલ બર્ડ સ્કૂલમાં પરીક્ષાના પ્રશ્નપત્ર મોડા આપવામાં આવ્યા હતા. કેટલાક વિદ્યાર્થીઓને પ્રશ્નપત્ર મળ્યા તો OMR શીટ મળી ન હતી અને કેટલાક વિદ્યાર્થીઓને OMR શીટ મળી હતી તો પ્રશ્નપત્ર મળ્યા ન હતા અને કેટલાક વિદ્યાર્થીઓ પાસે OMR શીટ નંબર અને પ્રશ્નપત્ર નંબર અલગ અલગ મળ્યા હતા. આ ઘટના અમારા ધ્યાને આવતા અમે લીટલ બર્ડ સ્કૂલ ખાતે રજૂઆત કરવા પહોંચ્યા હતા. યાત્રિક પટેલે વધુમાં સરકાર પર આક્ષેપ કરતા કહ્યું હતું કે, હું પ્રશાસનને રજૂઆત કરું એ પહેલાં જ મારી અટકાયત કરી લેવામાં આવી હતી. જે પીડિત વિદ્યાર્થીઓ હતા એમને પણ સ્કૂલ પાસેથી હટાવી દેવામાં આવ્યા અને દબંગગીરી કરવામાં આવી હતી.

Yatrik Patelએ વધુમાં કહ્યું હતું કે, આપણો દેશ બંધારણ અને સંવિધાન પર ચાલતો દેશ છે. અમને રજૂઆત કરવાનો અધિકાર છે પરંતુ અમારી રજૂઆત સાંભળ્યા પહેલા જ અમારી અટકાયત કરી લેવામાં આવી અને એવું કહેવામાં આવ્યું કે “અમે અફવા ફેલાવી રહ્યા છીએ.” અમે કોઈ અફવા ફેલાવી નથી જે ઘટના થઈ છે એ સામે જ બની છે વિદ્યાર્થીઓએ પોતે જ રજૂઆત કરી છે. અમે તંત્રને સ્પષ્ટપણે કહેવા માંગીએ છીએ કે અમે અરવિંદ કેજરીવાલજીના સૈનિકો છીએ તમારી આ તાનાશાહી અને દબંગગીરીના વર્તનથી અમે જરા પણ ડરવાના નથી ઉપરથી અમે મજબૂતાઈથી લડીશું જેટલી તમે દબંગગીરી કરશો એટલો વધારે મજબૂત અવાજ અમે ઉઠાવીશું. વિદ્યાર્થીઓનો મજબૂત અવાજ બનીશું, યુવાઓનો મજબૂત અવાજ બનીશું. અમે સરકારને રજૂઆત કરીએ છીએ કે આજની પરીક્ષામાં જે અધિકારીઓના કારણે છબરડા થયા છે તેમની સામે યોગ્ય પગલાં લેવામાં આવે જે વિદ્યાર્થીઓ પરીક્ષા નથી આપી શક્યા તેમના માટે વૈકલ્પિક વ્યવસ્થા કરીને તેમની પરીક્ષા લેવામાં આવે એવી માંગ છે.