Botad: આમ આદમી પાર્ટીના કિસાન સેલ પ્રદેશ પ્રમુખ અને ખેડૂત નેતા રાજુ કરપડા બોટાદ માર્કેટ યાર્ડમાં ખેડૂતો સાથે ધરણાઓ ઉપર બેઠા છે. અમુક દિવસ પહેલા રાજુ કરપડાએ વિડિયોના માધ્યમથી બોટાદ માર્કેટિંગ યાર્ડમાં ચાલી રહેલા કળદાના ષડયંત્રનો પર્દાફાશ કર્યો હતો. આ ષડયંત્રનો પર્દાફાશ થયા બાદ બોટાદ માર્કેટ યાર્ડના સત્તાધીશોએ મિટિંગ બોલાવી અને હવે કળદો ક્યારેય નહીં થાય એવું મીડિયા સમક્ષ બયાન આપ્યું હતું. આ માર્કેટ યાર્ડમાં કસાઈની માફક અમુક વેપારીઓ ખેડૂતોનું શોષણ કરી રહ્યા છે. બોટાદ માર્કેટ યાર્ડને લૂંટવામાં ત્યાંના સત્તાધીશોએ કોઈ જ કમી નથી રાખી અને બોટાદમાં આવતા ખેડૂતોને લૂંટવાનું કામ પણ સત્તાધીશોની રહેમ નજર હેઠળ તેના વેપારીઓ અને અમુક દલાલો કરી રહ્યા છે. આ કળદાનો વિરોધ કરવા માટે રાજુ કરપડા તેમની ટીમને સાથે લઈ સવારે 9:00 વાગે મૂળીથી નીકળીને 10:30 વાગ્યે અમે બોટાદ માર્કેટ યાર્ડ ખાતે પહોંચ્યા હતા. સુદામડાથી મયુરભાઈ સાકરીયા પણ તેમની સાથે જોડાયા હતા.યાર્ડ પહોંચ્યા બાદ ગાંધી ચિંધ્યા માર્ગે જે બંધારણીય અધિકાર મળ્યો છે એ અધિકારનો ઉપયોગ કરી અને જે ખેડૂતોનું શોષણ થાય છે કળદાના બહાના હેઠળ એ શોષણ કાયમી બંધ થાય એની રજૂઆત કરી હતી.

ખેડૂત રાજૂ કરપડાએ જણાવ્યું હતું કે, યાર્ડના ચેરમેન સમક્ષ અમે બે માંગણી મૂકી હતી કે માર્કેટ યાર્ડમાં ખેડૂતોની જે જણસ આવે છે એને વેપારી ચાર વાર ચેક કરી લે અને પછી જે ભાવ નક્કી થાય એ જ ભાવ આપે. બીજી અમારી માંગ છે કે, ખેડૂતો કોઈ પણ જીનમાં કપાસ નાખવા માટે જશે નહીં. ત્યારે ચેરમેને જાહેરમાં અમને ખાતરી આપતા કહ્યું હતું કે, હવેથી ભાવ નક્કી થયા બાદ અમે ભાવમાં ફેરફાર નહીં થવા દઈએ અને જો કોઈ વેપારી કળદો કરશે તો તેની સામે બે દિવસની અંદર પગલાં લઈશું અને તેનું લાયસન્સ રદ કરી નાખીશું. બીજા મુદ્દા બાબતે ચેરમેને આયોજન કરવા માટે ત્રણ દિવસની મુદત માંગતા કહ્યું હતું કે અમારે મીટીંગ બોલાવી પડશે કારણ કે જે કપાસની ઠલવણી થયા પછી એક દિવસની અંદર એક કપાસ અમે ખાલી કરી શકીએ નહીં એના માટે અમારે વ્યવસ્થા ઉભી કરવી પડશે. ત્યારે અમે જણાવ્યું હતું કે તમે કળદો નહીં થવા દઈએ એની જે વાત કરી છે અને લાયસન્સ રદ કરવાની જે વાત કરી છે એ અમને લેખિતમાં આપો. હજારો ખેડૂતોની વચ્ચે બોલ્યા પછી પણ માર્કેટ યાર્ડના ચેરમેને આ બાબત લેખિતમાં આપી નથી.

રાજુ કરપડાએ યાર્ડમાં જ ધરણા કરવાની જાહેરાત કરીને જણાવ્યું હતું કે, માર્કેટયાર્ડના ચેરમેન, સેક્રેટરી અને યાર્ડના ચૂંટાયેલા તમામ પ્રતિનિધિઓ લેખીતમાં માગણી કરતા ઉભી પૂંછડીએ ભાગી ગયા છે, એટલે અમે બધા ખેડૂતો સાથે યાર્ડમાં બેઠા છીએ જ્યાં સુધી અમને લેખિતમાં નહીં મળે ત્યાં સુધી અમે યાર્ડમાંથી હટીશું નહીં. ચેરમેને મૌખિક રીતે સ્વીકાર કર્યો છે પરંતુ જ્યાં સુધીમાં લેખિતમાં આપે નહીં તો તેમણે એક પણ માંગ સ્વીકારી નથી એવું કહી શકાય. આ ઘટના્ક્રમ બન્યા બાદ વેપારીઓ પણ અચોક્કસ મુદતની હડતાળ પર ઉતરી ગયા હતા. ખેડૂતો સંગઠિત બની શોષણ અટકાવવાની રજૂઆત કરવા ગયા તો વેપારીઓએ ખરીદી બંધ કરી દીધી હતી. એનો મતલબ સાફ છે કે જો કળદો બંધ થશે તો વેપારી ખરીદી કરશે નહીં. ખેડૂતોને લુંટવાનો પરવાનો મળે તો જ ખરીદી કરવામાં આવશે. રાજુ કરપડાએ રવિવારના દિવસે ખેડૂત મહાપંચાયત કરવાની જાહેરાત કરી હતી અને યાર્ડમાં જ ધરણા ચાલુ રાખ્યા છે.