આમ આદમી પાર્ટીના ડેડીયાપાડાના ધારાસભ્ય Chaitar Vasavaએ એક મહત્વપૂર્ણ મુદ્દા પર પોતાની વાત રજૂ કરતા જણાવ્યું હતું કે, ગુજરાત સરકાર દ્વારા પાટીદાર અનામત આંદોલન દરમિયાન પાટીદાર આગેવાનો પર દેશદ્રોહ સહિતના ગંભીર ગુનાઓ તમામ કેસો પરત ખેંચવામાં આવ્યા છે, જે પગલાને અમે આવકારીએ છીએ. પરંતુ સાથે સાથે એસસી, એસટી અને ઓબીસીના તથા માઈનોરીટીના આંદોલન દરમિયાન તથા વિદ્યાર્થીઓ, કર્મચારીઓ અને ખેડૂતોના આંદોલન દરમિયાન જે પણ કેસો સરકાર દ્વારા કરવામાં આવ્યા છે તેવા ગંભીર પ્રકારના તમામ કેસોને પણ ગુજરાત સરકાર પરત ખેંચે એવી અમારી માંગણી છે.

આપણે સમાનતાની વાતો કરીએ છીએ, સમાન નાગરિક સંહિતાની વાતો કરીએ છીએ, ત્યારે એક સમુદાયના કેસો પરત ખેંચવામાં આવે છે અને બીજા સમુદાય સાથે અન્યાય કરવામાં આવે છે. ત્યારે આ સમાનતાની વાતો પોકળ સાબિત થતી હોય છે. માટે અમારી ગુજરાત સરકારને નમ્ર વિનંતી છે કે જે પણ આંદોલન દરમિયાન ચાહે એ આદિવાસીનું આંદોલન હોય, ઓબીસીનું આંદોલન હોય કે એસસી સમાજનું આંદોલન હોય કે વિદ્યાર્થીઓનું કે ખેડૂતોનું આંદોલન હોય એ દરમિયાન સરકાર દ્વારા જે પણ ગંભીર ગુનાઓ દાખલ કરવામાં આવ્યા છે તે તમામ કેસોને પરત ખેંચીને સરકાર દ્વારા આ તમામ લોકોને રાહત આપવામાં આવે તેવી અમારી માંગ છે.